હરિદ્વાર હેટ સ્પીચ કેસમાં જામીન પર મુક્ત થયેલા વિવાદાસ્પદ મહંત યતિ નરસિંહાનંદના એક સંગઠને રવિવારે ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. અખિલ ભારતીય સંત પરિષદના હિમાચલ પ્રદેશ પ્રભારી યતિ સત્યદેવાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે હિન્દુઓએ વધુ ને વધુ બાળકો પેદા કરવા જોઈએ જેથી કરીને ભારતને ઈસ્લામિક દેશ બનવાથી રોકી શકાય. યતિ નરસિમ્હાનંદે આ મહિનાની શરૂઆતમાં મથુરામાં આવું જ નિવેદન આપ્યું હતું.
ભારત ગણતંત્ર છે, કેમકે અહીં હિન્દુ વધુ છે: સત્યદેવાનંદ
યતિ સત્યદેવાનંદ સરસ્વતીએ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મુબારકપુર ખાતે ત્રણ દિવસીય 'ધર્મ સંસદ'ના પ્રથમ દિવસે કહ્યું- 'ભારત એક પ્રજાસત્તાક છે કારણ કે અહીં હિન્દુઓની બહુમતી છે. પરંતુ મુસ્લિમ લોકો વ્યવસ્થિત રીતે વધુ બાળકો પેદા કરીને તેમની વસતિ વધારી રહ્યા છે. એટલા માટે અમારી સંસ્થાએ હિન્દુઓને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ બાળકો પેદા કરે જેથી કરીને ભારતને પાકિસ્તાન જેવો ઈસ્લામિક દેશ બનતા અટકાવી શકાય, જ્યાં મુસ્લિમોની મોટી વસતિ છે.
જ્યારે સત્યદેવાનંદ સરસ્વતીને પૂછવામાં આવ્યું કે શું આવા નિવેદનો બે બાળકો રાખવાની રાષ્ટ્રીય નીતિનું ઉલ્લંઘન નથી કરતા, તો તેમણે કહ્યું કે એવો કોઈ કાયદો નથી કે જે નાગરિકોને માત્ર બે બાળકો જ રાખવાની મંજૂરી આપે.
પોલીસે નોટિસ જાહેર કરી
યતિ નરસિમ્હાનંદ, અન્નપૂર્ણા ભારતી અને દેશભરમાંથી અન્ય ઘણા મહંતો પણ આ બેઠકમાં પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશ પોલીસે સત્યદેવાનંદ સરસ્વતીને નોટિસ પાઠવીને સૂચના આપી છે કે કોઈ પણ ધર્મ કે જાતિ વિરુદ્ધ નફરત ફેલાવતી હોય તેવી ભાષાનો ઉપયોગ ન કરો.
પોલીસ અધિનિયમ, 2007ની કલમ 64 હેઠળ જારી કરાયેલી આ નોટિસમાં ઉના જિલ્લાના આંબ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જામીન પર બહાર છે યતિ નરસિમ્હાનંદ
ગયા વર્ષે 17 અને 19 ડિસેમ્બરની વચ્ચે, યતિ નરસિમ્હાનંદે હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કર્યું હતું, જેમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી યતિ નરસિમ્હાનંદની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી તેમને જામીન મળી ગયા હતા.
આ પછી તેમણે ગયા રવિવારે દિલ્હીના બુરારી મેદાનમાં હિન્દુ મહાપંચાયતમાં ભાગ લીધો હતો અને ત્યાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- 'જો કોઈ મુસ્લિમને દેશના વડાપ્રધાન બનાવવામાં આવે છે, તો આગામી 20 વર્ષમાં 50% હિન્દુ ધર્મ પરિવર્તન કરી લેશે.' તેમણે હિન્દુઓને તેમના અસ્તિત્વની રક્ષા માટે શસ્ત્રો ઉપાડવાની પણ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.