દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે, જેને સાંભળ્યા અને જોયા પછી એના પર વિશ્વાસ કરવો સરળ નથી હોતો. સિંગાપોરમાં પણ આવી જ એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. હકીકતમાં અહીં દુનિયાની સૌથી નાની, એટલે કે પ્રીમેચ્યોર બાળકીનો જન્મ થયો છે. જન્મ સમયે સામાન્ય રીતે બાળકીનું એવરેજ વજન 2થી 3 કિલો જ હોય છે, પરંતુ આ બાળકીનું વજન એક સફરજન જેટલું જ, એટલે કે 212 ગ્રામ જ હતું. આ બાળકીનો જન્મ 5મા મહિને જ થઈ ગયો હતો. એન કારણે તેનાં ઘણાં અંગ પણ વિકસિત જ નહોતાં થઈ શક્યાં. જોકે હવે 13 મહિના હોસ્પિટલમાં રહ્યા પછી બાળકીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ક્વેક યુ જુઆનનો જન્મ 9 જૂન 2020ના રોજ થયો હતો. એ સમયે બાળકીનું વજન માત્ર 212 ગ્રામ હતું, જ્યારે એની લંબાઈ માત્ર 24 સેન્ટિમેટર હતી. પ્રીમેચ્યોર ડિલિવરી હોવાને કારણે બાળકીનાં ઘણાં અંગ પૂરતાં ડેવલપ થઈ શક્યાં નથી. ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરતાં નથી. એ ઉપરાંત ત્યારે તેની સ્કીન પણ ઘણી નાજુક હતી.
જ્યારે તે બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી ત્યારે કોઈને વિશ્વાસ નહોતો કે તે જીવી શકશે. બાળકીની સારવાર દરમિયાન ડૉક્ટર ઝાંગ સુહેએ કહ્યું હતું કે મેં મારાં 22 વર્ષના કરિયરમાં આટલું નાનું નવજાત બાળક નથી જોયું. એમાં બાળકીનું વજન એક સફરજન જેટલું છે. જન્મ પછીથી જ ક્વેક યુ જુઆન હોસ્પિટલમાં હતી અને હવે 13 મહિના પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવી રહી છે. ડૉક્ટરનું કહેવું છે કે આટલી નબળી બાળકીનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ડોક્ટર્સ અને નર્સની ટીમે એ કરી દેખાડ્યું જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બાળકી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને 9 જુલાઈએ ડિસ્ચાર્જ થયા વખતે તેનું વજન 6.3 કિલોગ્રામ છે.
નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલના નવજાત વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર એનજીએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં અમને એ તો ખબર પડી ગઈ હતી કે બાળકીનું વજન ઓછું છે, પરંતુ આટલું ઓછું હશે એવી અમને નહોતી ખબર. બાળકીની સ્કિન પણ એટલી નાજુક હતી, તેથી અમે તેની યોગ્ય રીતે તપાસ પણ નહોતા કરી શકતા. બાળકી એટલી નાની હતી કે તેને દવાનો દશમો ભાગ જ આપી શકતા હતા.
બાળકી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે. નોંધનીય છે કે બાળકીની સારવાર માટે માતા-પિતાએ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા 1.9 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે 1 કરોડ 95 લાખ રૂપિયા જમા કર્યા હતા, જેમાંથી 1 કરોડ 3 લાખ રૂપિયા તેની સારવારમાં ખર્ચ થયા છે. તેમણે બાકીના પૈસા તેના ભવિષ્યના સારવાર ખર્ચ માટે જમા રાખ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.