તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Working 55 Hours A Week Increases The Risk Of Heart Attack By 35%, With 7.45 Million Deaths Worldwide In 16 Years.

ભાસ્કર વિશેષ:એક સપ્તાહમાં 55 કલાક કામ કરવાથી હાર્ટ એટેકનું જોખમ 35% વધુ, દુનિયાભરમાં 16 વર્ષમાં 7.45 લાખ મોત એટેકથી

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45થી 74 વર્ષ સુધીના લોકો પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો 194 દેશોમાં અભ્યાસ

દુનિયાભરમાં નોકરીના તણાવના કારણે કરોડો લોકો જાતભાતની શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ પ્રમાણે કામના કલાકો વધુ હોવાના કારણે હૃદયને લગતી બીમારીઓનો ખતરો અનેકગણો વધી ગયો છે. એન્વાયર્મેન્ટલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત ડબ્લ્યુએચઓ અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના અભ્યાસ પ્રમાણે, નોકરીમાં લાંબો સમય કામ કરવાના કારણે 2016માં હૃદયરોગથી 7,45,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ આંકડામાં અત્યારે 29%નો વધારો થયો છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી મોટા ભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ઘરેથી જ કામ કરવાના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધ્યો છે. ડબ્લ્યુએચઓ અને આઈએલઓના વિશ્લેષણ પ્રમાણે, કામનો બોજ મહિલાઓની સરખામણીમાં પુરુષો પર વધુ પડ્યો છે. ખાસ કરીને 45થી 74 વર્ષની વયજૂથમાં દર સપ્તાહે 55 કલાક કે તેનાથી વધુ સમય કામ કરનારા મૃતકોમાં પુરુષો 74% હતા. ડૉક્ટરો પણ કામના કારણે સર્જાતા તણાવ અને હૃદયરોગની બીમારી વચ્ચે સંબંધ જુએ છે.

હૈદરાબાદની મેડિકવર હોસ્પિટલના કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ ડૉ. કુમાર નારાયણ કહે છે કે આજકાલ ફક્ત કામ કરવાના કલાકો જ નથી વધ્યા પરંતુ કામનો તણાવ પણ ખૂબ વધી ગયો છે. તેની અસર શરીર પર પડે છે તેના કારણે ખાવા-પીવાની ખોટી આદતો પણ પડે છે. આ સાથે તમાકુનું સેવન વધે છે, ઊંઘ પૂરી નથી થતી તેમજ આળસની મુશ્કેલી પણ વધી જાય છે. આ બધું જ શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે.

કામના વધુ કલાકોના કારણે માનસિક રોગોનો ખતરો પણ વધ્યો છે. કામના તણાવના કારણે અનેક લોકો ડિપ્રેશનનો પણ શિકાર થાય છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીના ડિરેક્ટર અને એચઓડી ડૉ. આર.કે. જયસ્વાલ કહે છે કે, નોકરીની અનિશ્ચિતતા અને કામના વધુ કલાકોના કારણે લોકોમાં તણાવ વધ્યો છે. સમયની સાથે વર્કિંગ અવર્સ વધતાં હાર્ટએટેકની શક્યતા પણ ઘણી વધે છે. ખાસ કરીને જે લોકો સ્મોકિંગ કરે છે, કસરત નથી કરતા તેમનામાં હૃદયરોગ થવાની સંભાવના વધી જાય છે.

ચેન્નાઈમાં કાર્ડિયાક ઈલેક્ટ્રોફિજિયોલોજી વિભાગના હેડ ડૉ. ઉલ્હાસ એમ. પાંડુરંગીનું કહેવું છે કે માનસિક તણાવની સૌથી વધુ અસર હૃદય પર પડે છે. એટલું નક્કી છે કે લાંબા સમય સુધી કામ કરવું એ હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ છે. તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર એકસાથે થવા બરાબર છે.

હાલના સંજોગોમાં મહામારીથી બચવા માટે વર્ક ફ્રોમ હોમ જરૂરિયાત બની ગયું છે. એટલે હેલ્થ એક્સપર્ટ કામના વચ્ચે પોતાના માટે સમય કાઢવાનું પણ ખાસ સૂચન કરી રહ્યા છે. હૃદયરોગોથી બચવા એક્ટિવ લાઈફ સ્ટાઈલ અપનાવવી પણ ખૂબ જરૂરી છે. ડૉક્ટરો પણ ફેટ અને વધુ મીઠાવાળા ખોરાક નહીં લેવાની પણ સલાહ આપે છે.

આ ઉપરાંત ઓછા ફાઈબરવાળા ડાયેટ, જંક અને ફાસ્ટફૂડથી પણ ખાસ બચવું જોઈએ. જો તમને વ્યસન હોય તો તે તાત્કાલિક છોડી દો. આ સાથે સૌથી વધુ જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં થોડો સમય કસરત કરો. તેનાથી તમે શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રહી શકશો.

અન્ય સમાચારો પણ છે...