• Gujarati News
  • National
  • With A Single Dose Of 75% Of Adults We Are Now Included In The Safest Countries In The World

હવે વાંધો નહીં આવે!:પુખ્ત વયના 75% લોકોને સિંગલ ડોઝ સાથે હવે આપણે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ

નવી દિલ્હીએક મહિનો પહેલા
16 જાન્યુઆરીથી શરૂ થયેલું રસીકરણ આરોગ્યકર્મચારીઓએ દેશનાં વિવિધ દુર્ગમ સ્થળોએ સાહસભેર યાત્રા કરીને પણ સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું.
  • બ્રિટન સહિત જે દેશોમાં 75% લોકો કવર થયા ત્યાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો
  • લાન્સેટ સહિત વિવિધ મેડિકલ સાયન્સ જર્નલના રિસર્ચ મુજબ, કોરોનાને રોકવા માટે વેક્સિન સૌથી મોટું શસ્ત્ર છે
  • 18 વર્ષથી વધુ વયની 75% વસતિને સિંગલ, 30.6%ને બંને ડોઝ આપી દેવાયા

કોરોનાને હંફાવવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણના 277 દિવસ પછી આપણે 100 કરોડ ડોઝનો પડાવ પૂરો કરવા જઈ રહ્યા છીએ. બુધવારે રાત સુધીમાં અથવા ગુરુવારે બપોર સુધીમાં દેશમાં રસીના 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા હશે, જેમાંથી 70 કરોડ લોકોને સિંગલ ડોઝ, જ્યારે 30 કરોડ લોકોના બંને ડોઝ સામેલ હશે.

આધારના ડેટા મુજબ, દેશમાં 94 કરોડ લોકો 18 વર્ષથી વધુ વયના છે. એ મુજબ અત્યારસુધીમાં પુખ્ત વયના 75% લોકોને સિંગલ અને 30.6 % લોકોને બન્ને ડોઝ મળી ગયા છે. દુનિયાભરમાં કોરોનાથી થતાં મોતને લઈને અત્યારસુધીમાં જેટલા પણ અભ્યાસો સામે આવ્યા છે એમાં એક બાબત કૉમન છે કે વેક્સિન મુકાવ્યા પછી સંક્રમિત થઈએ તોપણ મોતની શક્યતા 4થી 5 ગણી ઓછી થઈ જાય છે.

ઉદાહરણ તરીકે કેટલાંક સપ્તાહ પહેલાં બ્રિટનમાં દરરોજ 22 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થતા હતા, પણ મોતની સંખ્યા 100થી પણ ઓછી હતી. જ્યારે વેક્સિનેશન પહેલાં 22 હજાર સંક્રમિતોમાં 500થી વધારે લોકોનાં મોત થતાં હતાં. આ જ ટ્રેન્ડ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન અને આયર્લેન્ડમાં પણ જોવા મળ્યો છે.

મુખ્ય વાત એ છે કે મૃત્યુ ઘટવાનું પ્રમાણ ત્યારે શરૂ થયું જ્યારે આ દેશોમાં 75 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો 1 ડોઝ અપાઈ ચૂક્યો હતો. ભારત પણ હવે આ સ્થિતિમાં આવી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં દેશમાં કોરોનાથી થતાં મોતમાં ઘટાડો થશે.

ભારત 100 કરોડ ડોઝ આપનાર ચીન પછી બીજો દેશ
વિશ્વમાં અત્યારસુધીમાં માત્ર ચીનમાં લોકોને 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. હવે ભારત પણ આ સીમાચિહ્ન મેળ‌વશે. 40 કરોડ ડોઝ સાથે અમેરિકા બીજા ક્રમે છે. જોકે વસતિ મુજબ રસીકરણમાં ભારત હજુ પણ અમેરિકા તથા યુરોપિયન દેશો કરતાં પાછળ છે. જોકે ભારતમાં પુખ્તવયના 75% લોકોને સિંગલ ડોઝ આપી દેવાયો છે, તેથી આગામી અઢી મહિનામાં તેમને બીજો ડોઝ મળી જવાની શક્યતા છે. આ થઈ જશે પછી ભારત પુખ્વયના 100% લોકોને ઓછામાં ઓછા એક ડોઝ સાથે 2022ના નવા વર્ષમાં પ્રવેશ કરશે.

  • મને વિશ્વાસ છે કે મહામારી સામે લડવા માટે આપણું રસીકરણ અભિયાન સૌથી વધુ અસરકારક નીવડશે. > નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

કોવેક્સિન, ઝાયકોવ-ડીના ડોઝ આવશે

  • ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી એવી એકમાત્ર રસી છે, જેને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી છે.
  • 2-18 વર્ષનાં બાળકો માટે કોવેક્સિનને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની મંજૂરી મળી ગઈ છે. હજુ ડીજીસીઆઇની લીલીઝંડી મળવાની બાકી છે.