ઉત્તર-મધ્ય ભારત હાલના સમયે ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ સહન કરી રહ્યું છે. જોકે સારા સમાચાર એ છે કે અનેક દિવસોથી એક જ જગ્યાએ અટકેલું મોનસૂન હવે ટ્રેક પર પાછું ફરી રહ્યું છે. મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે હળવો વરસાદ થયો હતો. આ તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10 અને 11 જૂને હળવા વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 11 જૂનથી થોડીક રાહત મળશે. મોનસૂન સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તે મહારાષ્ટ્રમાં પહોંચશે તેવી શક્યતા છે. આઈએમડીના વિજ્ઞાની આર.કે.જેનામણિ અનુસાર આગામી બે દિવસમાં ગોવા અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના અમુક ભાગોમાં મોનસૂન આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આઈએમડી અનુસાર 15થી દેશના મધ્ય અને ઉત્તરના મેદાની વિસ્તારોમાં મોનસૂનની ઝડપમાં તેજી આવવાની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરમાં તથા ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય ભાગોમાં વીકએન્ડ સુધીમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થઇ શકે છે પરંતુ કાળઝાળ ગરમીથી 15 જૂન સુધી મોટી રાહત મળવાની કોઇ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું. જોકે, 16 જૂનથી ભેજવાળા પૂર્વીય પવનને કારણે ગરમીથી ભારે રાહત મળશે. હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ગુરુવારે હીટવેવની સ્થિતિ રહી. 47.1 ડિગ્રી સે. તાપમાન સાથે એનસીઆરનું ફરીદાબાદ દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું. આ રાજ્યોનાં 32 શહેર/ટાઉનમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સે.થી વધુ નોંધાયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.