જોશીમઠમાં જે 723 ઘરોમાં તિરાડો પડી છે, તેમના રહેવાસીઓને હવે દોઢ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. 50 હજાર શિફ્ટિંગ માટે અને વળતરના એડવાન્સ રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવશે. ફાઈનલ વળતર શું હશે, તે પછીથી નક્કી કરવામાં આવશે. એક અઠવાડિયામાં સર્વે પૂર્ણ થશે અને તે પછી આ મદદ કરવામાં આવશે.
પ્રભાવિત પરિવારો સાથે બુધવારે વાતચીત બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના સચિવ એમ સુંદરમે આ નિર્ણયની જાણકારી મીડિયાને આપી હતી. તેમણે કહ્યું કે, અત્યારે કોઈ ઘર તોડવામાં આવશે નહીં, માત્ર 2 હોટલ તોડવામાં આવશે. ઘરો પર લાલ નિશાન તેમને ખાલી કરવા માટે લગાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, હોટલ માલિકો સાથે પણ વાતચીત થઈ ગઈ છે, તે વહીવટી કાર્યવાહીમાં સહયોગી થવા માટે સહમત છે.
ભાસ્કરે જ્યારે મલારી ઈનના માલિક ઠાકુર રાણા સાથે વાત કરી તો, તેઓએ સરાકર સાથે વાતચીતની વાત સ્વિકારી. તેમણે કહ્યું- સરકાર બદ્રીનાથ જેવું વળતર આપવા માટે સહમત નથી, તે માર્કેટ રેટ પર વળતર આપશે. અમે કહ્યું કે, રેટ જણાવી દો અને હોટલ પાડી દો, પરંતુ તેઓએ રેટ ન જણાવ્યો, એટલે હવે અમે અહીંયાથી નહીં હટીએ.
જોશીમઠથી આજના અપડેટ્સ
મલારી ઈનના માલિક ટી સિંહ રાણાનો પરિવાર વળતરની માગને લઈ હોટલની બહાર બેસી ગયો છે. એક હજુ હોટલ સંચાલક લાલમણિ સેમવાલે કહ્યું હતું કે, જ્યારે જોશીમઠથી લોકો પલાયન કરી રહ્યા હતા. સુખ-સુવિધાઓ નહોતી, ત્યારે અહીંયા જીવનભરની કમાણીથી હોટલ ઉભી કરી હતી. આજે સમય બદલાઈ ગયો છે. સરકાર અમને મરવા માટે છોડી રહી છે.
દર વર્ષે ધસી રહ્યું છે જોશીમઠ અને આસપાસનો વિસ્તાર
ઈન્ડિયન ઈન્ટીટ્યૂડ ઓફ રિમોટ સેન્સિંગની બે વર્ષની એક સ્ટડીમાં સામે આવ્યું કે, જોશીમઠ અને તેના આસપાસના ક્ષેત્રો દર વર્ષે 2.5 ઈંચના દરે જમીનમાં ધસી રહ્યા છે. દેહરાદૂન સ્થિત સંસ્થા દ્વારા સેટેલાઈટ ડેટાના ઉપયોગ કરી આ અભ્યાસ કરવામાં આવ્યો છે. જુલાઈ 2020થી માર્ચ 2022 સુધી મેળવવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી જાણી શકાય છે કે, આખો વિસ્તાર ધીમે-ધીમે ધસી રહ્યો છે. ડેટાથી જાણવા મળે છે કે, ધસવાવાળો ક્ષેત્ર આખી ઘાટીમાં ફેલાયેલો છે અને તે ફક્ત જોશીમઠ સુધી જ સીમિત નથી.
કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, જોશીમઠમાં સૂક્ષ્મ ભૂકંપ અવલોકન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યુ્ં કે, બુધવારથી માઈક્રો સીસમિક ઓબ્ઝર્વેશન સિસ્ટમ લગાવવાનું કામ શરૂ થઈ જશે. જોશીમઠ ખૂબ સંવેદનશીલ ભૂકંપ ઝોન-5 હેઠળ આવે છે. ત્યાં સતત ભૂકંપનો તણાવ બન્યો રહે છે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ(SDRF) આ હોટલોને સ્ટેપ-બાય-સ્ટેપ પાડી નાખવાની યોજના પર કામ કરી રહી છે. બંને હોટલો નમી ગઈ છે. તેમને હાથથી જ પાડવામાં આવશે. કોઈ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેમને પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ(CBRI) રૂડકી નિરક્ષણ હેઠળ થશે. CBRIના ચીફ સાઈન્ટિસ્ટ ડીપી કાનૂનગોએ કહ્યું કે, હોટલને રિપેર નથી કરી શકાતી. તેને પાડી જ નાખવી પડશે, લેન્ડસ્લાઈડથી હોટલના ફાઉન્ડેશન પર અસર પડી છે.
સૌથી પહેલા હોટલોનો સામાન બહાર કાઢવામાં આવશે. કોઈ પણ પ્રકારની જાનહાનિને રોકવા માટે વહીવટી તંત્રનું તેની પર ધ્યાન છે. મંગળવારે હોટલ પાડી નાખવાની કાર્યવાહી સ્થાનિકોના વિરોધ બાદ રોકી દેવાઈ હતી. અહીંયા મકાનોમાં તિરાડો આવ્યા બાદ એક્સપર્ટ ટીમે હોટલોને પાડી નાખવાનો નિર્ણય લીધો છે. બંને હોટલો 5થી 6 માળની છે.
લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું
SDRFના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું કે, સૌથી પહેલા હોટલનો ઉપરનો ભાગ પાડવામાં આવશે. બંને હોટલની આજુબાજુ મકાનો છે, જેથી તેમને પાડી નાખવું જરૂરી છે. હોટલ હજું વધારે ધસી, તો પડી જશે. SDRF તહેનાત કરી દેવાઈ છે. લાઉડસ્પીકરથી લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના DGPએ કહ્યું, 678 ઈમારતો અસુરક્ષિત છે. મોટાભાગની ઈમારતોને ખાલી કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા હજું ચાલું જ છે. આખા વિસ્તારની સાઈન્ટિફિક સ્ટડી થઈ ચૂકી છે અને કેટલાક વિસ્તારોને સીલ પણ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં 16 જાન્યુઆરીએ સુનવણી
આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક હિયરિંગની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે તાત્કાલિક સુનવણી માટે ઈન્કાર કરી દીધો છે. કોર્ટ 16 જાન્યુઆરીએ આ મામલે સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું-લોકતંત્ર દ્વારા પસંદ કરવામાં આવેલી સંસ્થાઓ છે, જે આ મામલાને જોઈ રહી છે. દરેક મામલો અમારી પાસે લાવવો જરૂરી નથી.
તિરાડવાળા મકાનો પાડી નાખવા માટેની ભલામણ
રાજ્ય સરકારે જોશીમઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો છે. તે ઝોન હશે- ડેન્જર, બફર અને સેફ ઝોન. ડેન્જર ઝોનમાં એવા મકાન હશે, જે વધુ જરજરીત છે અને રહેવા લાયક નથી. તેવા મકાનોને મેન્યુઅલી પાડવામાં આવશે, જ્યારે સેફ ઝોનમાં એવા ઘર હશે જેમાં થોડી તિરાડો છે અને જેની તુટવાની શક્યતા ખૂબ ઓછી છે. બફર ઝોનમાં એ મકાન હશે, જેમાં થોડી તિરાડો છે, પરંતુ તિરાડો વધવાનો ખતરો છે. એક્સપર્ટ્સની એક ટીમ તિરાડોવાળા મકાનોને પાડી નાખવાની ભલામણ કરી ચૂકી છે.
લેન્ડસ્લાઈડથી અમારે કોઈ લેવા-દેવા નથી- NTPC
રાજ્યની પાવર પ્રોડ્યૂસર કંપની NTPCએ કહ્યું કે, તપોવન વિષ્ણુગઢ પ્રોજેક્ટનો જોશીમઠમાં થઈ રહેલા લેન્ડસ્લાઈડથી કોઈ લેવા-દેવા નથી. જણાવી દઈએ કે, જોશીમઠ લેન્ડસ્લાઈડ માટે NTPCના એક હાઈડ્રો પ્રોજેક્ટને પણ જવાબદાર માનવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, NTPCના હાઈડ્રો પ્રોજેક્ટ માટે સુરંગ ખોદવામાં આવી, જે કારણે શહેર ધસી રહ્યું છે. જોકે NTPCએ આ તમામ વાતોનો ઈન્કાર કરી દીધો છે.
જોશીમઠના મકાનો પર લાલ ક્રોસ
જોશીમઠના સિંધી ગાંધીનગર અને મનોહર બાગ એરિયા ડેન્જર ઝોનમાં છે. અહીંયાના મકાનો પર રેડ ક્રોસ લગાવવામાં આવ્યા છે. તંત્રએ આ મકાનોને રહેવા લાયક યોગ્ય નથી ગણાવ્યા. ચમોલી DM હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે, જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન બેન કરી દેવામાં આવ્યું છે.
મોટાભાગના લોકો ડરીને ઘરની બહાર જ રહી રહ્યા છે. ભાડૂઆત પણ લેન્ડસ્લાઈડના ડરે ઘર છોડીને જતા રહ્યા છે. અત્યાર સુધી 70 પરિવારને ત્યાંથી હટાવવામાં આવી ચૂક્યા છે. અન્યને પણ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. વહીવટી તંત્રએ લોકો પાસે અપીલ કરી છે કે, તેઓ રિલીફ કેમ્પમાં જતા રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.