• Gujarati News
  • National
  • Will Eknath Shinde Snatch Shiv Sena Along With The Government What The Rules Are For Getting A Party

ઉદ્ધવ માટે પાર્ટી બચાવવી પણ પડકાર:શું સરકારની સાથે શિવસેના પણ છીનવી લેશે એકનાથ શિંદે? જાણો પક્ષ મેળવી લેવાનો શું છે નિયમ

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની બળવાખોરીથી સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી સરકાર પર જ નહીં પરંતુ શિવસેના માટે પણ એક મોટું જોખમ ઉભુ થયું છે. શિવસેનાથી અલગ થયેલા એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યો આસામના ગુવાહાટી પહોંચ્યા છે. આમ, હાલની સ્થિતિમાં ઉદ્ધવ કરતા વધારે એકનાથ શિંદે સાથએ શિવસેનાના ધારાસભ્યો ઉભા છે. આ સંજોગોમાં જો શિવસેનાની બે ફાડ થશે તો પક્ષપલટાના કાયદાનું પણ જોખમ નહીં રહે. આ મ જો વધારે ધારાસભ્યો એકનાથ શિંદે પાસે હશે તો મહારાષ્ટ્રની સત્તાની સાથે શિવસેનાની સત્તા પણ એકનાથ શિંદે છીનવી શકે છે?

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં ઉદ્ધવ ઠાકરેની સામે જે પ્રમાણે ધારાસભ્યો બળવાખોર થયા છે તે જોતા લાગે છે કે, સરકાર પર જ નહીં પરંતુ પાર્ટી ઉપર પણ જોખમ ઉભુ થયું છે. શિવસેનાના અંદાજે 40 ધારાસભ્ય મહારાષ્ટ્રથી પહેલાં ગુજરાત ગયા હતા અને હવે આસામના ગુવાહાટી પહોંચી ગયા છે. આ ધારાસભ્યો એ છે જે ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે.

આ સંજોગોમાં બળવાખોર નેતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડવા માટે બીજેપીને સમર્થન કરી શકે છે. બીજેપીએ ઉદ્ધવ સરકાર અલ્પમતમાં આવશે તેવો દાવો કર્યો છે. પરંતુ તે પોતે શિવસેના સરકાર સાથે ગઠબંધન કરવા માટે વેઈટ એન્ડ વોચના મૂડમાં છે.

ઉદ્ધવ કરવા શિંદે સાથે વધારે ધારાસભ્યો
2019ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 56 ધારાસભ્યો જીત્યા હતા. તેમાંથી એક ધારાસભ્યનું નિધન થતાં હાલ શિવસેનામાં 55 ધારાસભ્યો છે. એકનાથ શિંદેનો દાવો છે કે, તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ સંજોગોમાં જો આ દરેક ધારાસભ્યો શિવસેનાના હોય તો ઉદ્ધવ ઠાકરે સામે જોખમ ઉભુ થઈ શકે છે. આ સંજોગોમાં એકનાથ શિંદે જો કોઈ નિર્ણય લેશે તો પક્ષપલટા અંતર્ગત કાયદાકિય કાર્યવાહી પણ થઈ શકશે નહીં.

હકિકતમાં પક્ષપલટાનો કાયદો કહે છે કે, જો કોઈ પાર્ટીના કુલ ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ કરતાં ઓછા ધારાસભ્યો બળવાખોર બને તો તેમને અયોગ્ય ઠેરવવામાં આવે છે. આ રીતે શિવસેના પાસે અત્યારે વિધાનસભામાં 55 ધારાસભ્યો છે. આ સંજોગોમાં પક્ષપલટાના કાયદામાંથી બચવા માટે બળવાખોર જૂથમાં ઓછામાં ઓછા 33 ધારાસભ્યો (55માંથી બે તૃતિયાંશ)ની જરૂર પડશે. જ્યારે શિંદે તેમની પાસે 40 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. આ સંજોગોમાં ઉદ્ધવ પાસે 15 ધારાસભ્યો જ રહ્યા છે. આમ, ઉદ્ધવ કરતા વધારે ધારાસભ્યો અત્યારે શિંદે સાથે હોવાનું દેખાય છે.

પક્ષ-પલટાનો કાયદો શું છે?
1967ની લોકસભાની ચૂંટણી પછી ધારાસભ્યોનું એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાથી ઘણાં રાજ્યોમાં સરકાર પડી ગઈ હતી. આ સંજોગોમાં 1985માં રાજીવ ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારે પક્ષ-પલટાનો કાયદો બનાવ્યો હતો. સંસદમાં 1985માં બંધારણની 10મી અનુસુચીમાં તેને જગ્યા આપવામાં આવી છે. પક્ષ-પલટાના કાયદા દ્વારા ધારાસભ્યો અને સાંસદોને પાર્ટી બદલતા રોકવામાં આવ્યા હતા. આ કાયદામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પક્ષપલટાના કારણે તેમની સદસ્યતા ઉપર પણ જોખમ આવી શકે છે.
જોકે સાંસદો-ધારાસભ્યોના ગ્રુપને પક્ષપલટાની સજાના વર્તુળમાં આવ્યા વગર અન્ય પક્ષમાં સામેલ થવાની મંજૂરી છે. તે માટે કોઈ પાર્ટીના બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યો અથવા સાંસદ બીજી પાર્ટીમાં જાય છે તો તેમની સભ્યતા ખતમ થતી નથી. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. શિવસેનાના બે તૃતિયાંશ ધારાસભ્યો હવે એકનાથ શિંદેની સાથે છે. તેના કારણે હવે ઉદ્ધવ ઠાકરેના હાથમાં કશું રહ્યું નથી. આમ, આ સંજોગોમાં ઉદ્ધવના હાથમાંથી સરકાર જ નહીં પરંતુ તેમની પાર્ટી પણ છટકી જાય તેવી શક્યતા છે.

એકનાથ શિંદેના નિર્ણય પર નજર
એખનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે બળવાખોરી કરતા ઉદ્ધવ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. બીજેપી પણ આ વાત વાંરવાર કરી રહી છે. એકનાથ શિંદેએ એરપોર્ટ ઉપર પણ આ જ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો હાજર છે. તેમણે કહ્યું છે કે, અમે બાળા સાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ વધારીશું. બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે ધારાસભ્ય આ ખેંચતાણ વચ્ચે વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. જોકે ઉદ્ધવ સરકાર જો વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરશે તો જરૂરી નથી કે રાજ્યપાલ તેનો સ્વીકાર કરે.

અન્ય સમાચારો પણ છે...