- Gujarati News
- National
- 50 Kg Cake To God At Mayapur ISKCON Temple, Huge Iceberg Breaks Near South Georgia, Hawaii Kilauea Volcano Erupts Spurting 82ft Lava Fountains As Fiery Lake Rises,
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ક્રિસમસ માસ પૂર્વે ચર્ચમાં ડિસઈન્ફેક્ટન્ટનો છંટકાવઃ સાઉથ જ્યોર્જિયા નજીક વિશાળ હિમશિલા તૂટી; હવાઈમાં બન્યું લાવાનું તળાવ
ચર્ચ કરાયું કોરોનામુક્તઃ સાઉથ સુમાત્રામાં પેલેમ્બેંગના એક ચર્ચમાં ક્રિસમસ માસ પૂર્વે ડિસઈન્ફેક્ટન્ટનો છંટકાવ કરવામાં આવ્યો. કોવિડ-19 મહામારીના લીધે આ વર્ષે નાતાલ પર્વની ઉજવણી નિરસ બની રહી છે.
ક્રિસમસ સેલિબ્રેશન
માયાપુર ઈસ્કોન મંદિર કે જ્યાં ભગવાન જગન્નાથની સાથે જ બલદેવ અને સુભદ્રાની પ્રતિમાઓ સ્થાપિત છે, ત્યાં સાડા 6 ફૂટની કેક અર્પણ કરાઈ. આ વિશાળ કેક ચોકલેટ, વેનિલા સહિત અનેક ક્રિમ સાથે બનાવાઈ છે.
સાઉથ જ્યોર્જિયા નજીક હિમશિલા તૂટી, વિજ્ઞાનીઓ ચિંતિત
સાઉથ જ્યોર્જિયા આઈલેન્ડ નજીક તરતી હિમશિલા A68a કાંઠા તરફ આવી રહી છે. એવામાં આ હિમશિલામાંથી એક મોટો હિસ્સો અલગ થયો હતો. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે વિશાળ હિમશિલાઓ પીગળીને તૂટી રહી છે. નોંધપાત્ર એ છે કે વિજ્ઞાનીઓને એ ડર છે કે હજારો વર્ષથી બનેલી હિમશિલાઓ જો મોટા પ્રમાણમાં પીગળવા લાગશે તો તેમાં વર્ષોથી ધરબાયેલા અનેક પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા ફરી સક્રિય થઈ શકે છે, જે માનવજાત માટે નવું જ જોખમ સર્જી શકે છે.
હવાઈના જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ, ભભૂકતા લાવાનું બન્યું તળાવ
હવાઈ ટાપુના એક જ્વાળામુખીમાં લાવા 3 ફૂટ પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યો હતો. આખરે જ્વાળામુખીમાં વિસ્ફોટ શરૂ થઈ ગયા અને તેના કારણે 82 ફૂટની ઊંચાઈ સુધી લાવા ઉડી રહ્યો છે. જેના કારણે જ્વાળામુખી આસપાસ એક ભભૂકતા લાવાનું એક તળાવ સર્જાઈ ગયું છે. આ કિલાએવા જ્વાળામુખીમાં 1952થી અત્યાર સુધીમાં 54 વખત વિસ્ફોટ થઈ ચૂક્યા છે.
હવાઈ ટાપુના સક્રિય બનેલા જ્વાળામુખીમાંથી 30 હજાર ફૂટ સુધી રાખ ઉડે એવી ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. જેના કારણે હવાઈ પરિવહનમાં અવરોધની શક્યતા રહેલી છે.
દાર્જિલિંગમાં ક્રિસમસથી જોયરાઈડ ફરી શરૂ થશે
નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલવે (એનએફઆર) દ્વારા પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને ઘૂમ સ્ટેશનો વચ્ચે ટોય ટ્રેન જોયરાઈડ ક્રિસમસથી ફરી શરૂ કરાશે. અગાઉ કોવિડ-19 મહામારીના કારણે આ ટોયટ્રેન બંધ કરવામાં આવી હતી.
ટોય ટ્રેન જોયરાઈડ ક્રિસમસથી ફરી શરૂ કરાશે.
અમેરિકામાં બરફનું તોફાન
અમેરિકામાં સાઉથ ડાકોટા તથા મિનિયાપોલિસ ખાતે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને કારણે તાપમાન શૂન્ય ડીગ્રી સે.થી પણ નીચે પહોંચી ગયું છે. મિનિયાપોલિસ અપર મિડવેસ્ટનું સૌથી વ્યસ્ત ટ્રાવેલ હબ છે, જ્યાં ઓછામાં ઓછી 330 ફ્લાઈટ્સ રદ થઈ છે અથવા તો વિલંબિત થઈ છે. જ્યારે બરફના થર જામતાં અનેક હાઈવે પણ બંધ કરી દેવાયા છે.
અમેરિકામાં બરફનું તોફાન ત્રાટકતાં તાપમાન સડસડાટ શૂન્ય ડીગ્રી સે.થી પણ નીચે જતું રહ્યું.
મરિયમ નવાઝે ઈમરાન ખાનને ઘેર્યા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે વડાપ્રધાન ઈમરાન ખાન પર તેમના જ એક નિવેદનના આધારે નિશાન તાક્યું છે. મરિયમે કહ્યું, ‘ઈમરાન પોતે કહી રહ્યા છે કે તેઓ પીએમ બનવા તૈયાર નહોતા તો તેઓ શેરવાની પહેરીને તૈયાર કેમ થઈ ગયા?
પાકિસ્તાનમાં વિપક્ષી દળોનું ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) લાહોરની મેગા રેલી પછી હવે ઈમરાન સરકારના રાજીનામાની માગ સાથે ઈસ્લામાબાદ સુધી કૂચ કરવાની તૈયારીમાં છે.
બેબી ડોલ્ફિનને બચાવાઈ
દુનિયાભરમાં અદ્ભુત જળચર પ્રાણીઓમાં સામેલ એક ડોલ્ફિનને બચાવવામાં આવી, આ બેબી ફ્રાન્સિસ્કોના ડોલ્ફિન સાન ક્લેમેન્ટે ડેલ ટુયુના સમુદ્રકિનારે ઘસડાઈ આવી હતી, જેને મુંડો મરીનો ફાઉન્ડેશનના કર્મચારીઓએ બચાવી લીધી હતી.
બેબી ફ્રાન્સિસ્કોના ડોલ્ફિન સાન ક્લેમેન્ટે ડેલ ટુયુના સમુદ્રકિનારે ઘસડાઈ આવી હતી, જેને બચાવી લેવાયા પછી હવે એની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. થોડા સમય પછી એને સમુદ્રમાં છોડી દેવામાં આવશે.
દેશભરમાં શીત લહેર
દેશમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, તો રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશમાં ઠંડીથી કોઈ જ રાહત મળશે તેવી શક્યતા જોવા નથી મળી રહી. પંજાબમાં આગામી 2 દિવસ સુધી શીતપ્રકોપની સાથે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. બિહારમાં પણ ઠંડીના પગલે બે દિવસનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રાણીઓ પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને મોર્નિંગ વોક પણ નીકળી પડ્યાં હતાં.
હાડ થીજવતી ઠંડીના પ્રકોપની સાથે સાથે ભારે ધુમ્મસ પણ જોવા મળે છે. પંજાબમાં ભારે ઠંડીની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ છે. વિઝિબિલિટી પણ ઝીરો થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શિયાળો એટલે સ્વાસ્થ્યવર્ધક ઋતુ. શિયાળામાં દોડવાથી આખું વર્ષ સારું આરોગ્ય રહે છે. શિયાળાની સવારમાં દોડવાથી આળસ પણ દૂર થાય છે. જોકે પટનામાં આ દોડ આર્મીમાં જોડાવવા માટેની છે.
કોરોના વાઇરસનો કહેર, યુકે છોડવાની લાગી હોડ
યુકેમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યા પછી લોકો યુકે છોડી દેવા એરપોર્ટ્સ પર ભીડ જમાવી રહ્યા છે. વિશ્વભરમાં અનેક દેશોએ યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હજુય જ્યાં પણ જઈ શકાય છે એવા દેશોમાં પહોંચી જવા માટે યુકેમાં વસતા લોકોએ દોડધામ મચાવી છે.
ઇંગ્લેન્ડના ડોવર પોર્ટ પર મોટી સંખ્યામાં પાર્ક કરેલાં કન્ટેનર્સ. ફ્રાન્સે યુકેમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના ઉદ્ભવ પછી યુકેથી આવતા તમામ મુસાફરોને પ્રતિબંધિત કર્યા છે. આને કારણે ડોવર પોર્ટ બંધ કરવામાં આવ્યું.
લંડનમાં સેન્ટ પેન્ક્રાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યુરોસ્ટાર ટર્મિનલ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લાંબી કતારમાં ઊભેલા પેસેન્જર્સ.
કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન અત્યંત ઝડપથી ફેલાતો હોવાથી યુકે સહિત વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે.
નાઈટ કર્ફ્યૂમાં મુંબઈમાં સૂમસામ સન્નાટો
દિવસ-રાત ધમધમતા મુંબઈ શહેરની રોનક રાત્રે તો કંઈક ઓર હોય છે, પણ કોરોના વાઇરસનો કહેર એવો છે કે જાણે બધું થંભી ગયું છે. મુંબઈમાં નાઈટ કર્ફ્યૂએ અહીંની નાઈટ લાઈફની રોનક છીનવી લીધી છે.
હંમેશાં ધમધમતા રહેતા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર નાઈટ કર્ફ્યૂ દરમિયાન સન્નાટો છવાયો હતો.
નાઈટ કર્ફ્યૂ દરમિયાન મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તાર એકદમ સૂમસામ જોવા મળ્યો.
પેરૂમાં ફાર્મવર્કર્સ વીફર્યા, નવા કૃષિ બિલનો ઉગ્ર વિરોધ
ભારતમાં નવા 3 કૃષિ બિલના વિરોધમાં લગભગ છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર હજારોની સંખ્યામાં એકત્ર થઈને દેખાવો કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારને ભીડવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હિંસાનો માર્ગ અપનાવ્યો નથી. આવી જ કંઈક સ્થિતિ પેરૂમાં જોવા મળી છે. પેરૂમાં ખેતરોમાં કામ કરતા કામદારોએ નવા એગ્રિકલ્ચરલ પ્રમોશન લૉનો વિરોધ શરૂ કર્યો છે, જેમાં પોલીસ સાથે અથડામણના તો કેટલાંક સ્થળે આગચંપીના બનાવો પણ બન્યા છે.
પેરૂમાં ખેડૂતોએ સારા વળતરની માગ કરી છે અને નવા કૃષિ કાયદામાં સમાવિષ્ટ કેટલીક જોગવાઈઓ, જેમ કે વાર્ષિક બોનસ અને રજાઓના મામલે પોતાને અન્યાય થતો હોવાની રાવ કરી છે.
ઝૂમાં પ્રાણીઓને અપાઈ નાતાલની ટ્રીટ
છેલ્લા એક વર્ષથી દુનિયાભરમાં કોરોના વાઇરસનો કહેર વરસી રહ્યો છે. સમગ્ર દુનિયામાં નાતાલ પર્વ આડે બે દિવસ રહ્યા છે, પરંતુ કોરોના વાઇરસનો ભય એવો છે કે મોટા ભાગના લોકોએ પોતપોતાનાં ઘરોમાં જ નાતાલની ઉજવણી કરીને સંતોષ માની લેવો પડશે. સૌના જીવનમાં કોરોના વાઇરસે ઊથલપાથલ મચાવી દીધી છે અને મોટા ભાગનાં જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યાં છે.
યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વિવિધ પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને નાતાલની ભેટસોગાદ સાન્તા ક્લોઝ દ્વારા આપવામાં આવી રહી છે.
એવામાં વિશ્વભરમાં અનેક પ્રાણીસંગ્રહાલયો પણ હજુ બંધ જ છે. જોકે અનેક ઝૂમાં રહેતાં પ્રાણીઓની નાતાલ મોજમજાથી પસાર થવાની છે. યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વિવિધ પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને નાતાલની ભેટસોગાદ સાન્તા ક્લોઝ દ્વારા આપવામાં આવી રહી છે તો ક્યાંક પ્રાણીઓને ભેટની સાથે સંગીતની મોજ પણ માણવા મળી રહી છે. લાઈટ શો તથા રોશની દ્વારા આ પ્રાણીસંગ્રહાલયોને શણગારવામાં આવ્યાં છે, જ્યારે થાઈલેન્ડમાં તો હાથીઓને જ સાન્તા ક્લોઝ બનાવી દેવાયા છે. હાથીઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફેસ માસ્ક વહેંચીને કોરોના અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. કોરોનાકાળમાં નાતાલ પર્વની ઉજવણી જ આ રીતે સમૂળગી બદલાઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના સોમર્સબાય ખાતેના ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્કની આ તસવીરમાં એક બેબી કોઆલા ક્રિસમસની ઉજવણીની મોજ માણી રહ્યું છે. આ પાર્કમાં નાતાલ માટે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રાણીઓને જાતજાતનાં ફળોની મિજબાની પણ કરાવવામાં આવે છે.
... અને આ છે બેબી વોમ્બેટ. આ બેબી વોમ્બેટને જ્યારે ક્રિસમસ ભેટ સાથેનું બાસ્કેટ આપવામાં આવ્યું તો પોતે મોજથી એમાં જ બેસી ગયું. વોમ્બેટ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું ટૂંકા પગ ધરાવતું અને શાકાહારી પ્રાણી છે.
લંડન ઝૂમાં પ્રાણીઓને નાતાલની ભેટ અને ખાવા માટે જાતજાતનાં ફળો તો આપવામાં આવ્યાં, પણ સાથે સંગીતની મોજ પણ તેમને માણવા મળી રહી છે.
બાળકો જેમ દર ક્રિસમસ વખતે સાન્તા ક્લોઝને જોઈને ખુશ થાય એમ આ હિપોપોટેમસ પણ સાન્તા ક્લોઝને જોઈને જાણે ખુશ થઈને પૂછે છે, મારી ગિફ્ટ ક્યાં?
હાલ કોરોના વાઇરસનું જોખમ સૌના પર ઝળૂંબી રહ્યું છે ત્યારે થાઈલેન્ડના અયુથ્થયા શહેરમાં હાથીઓને સાન્તા ક્લોઝ બનાવીને સ્કૂલનાં બાળકોને ફેસ માસ્ક વહેંચવામાં આવ્યાં હતાં.
કોરોનાકાળમાં નાતાલ પર્વની ઉજવણીનો અંદાજ જાણે સમૂળગો બદલાયેલો જોવા મળ્યો.