ગ્વાલિયરના મુરૈના શહેરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં કરિયાણાની દુકાન ચલાવતા સત્યદેવ શર્માએ પત્ની, દીકરા અને દીકરીનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. ત્યાર પછી તેણે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. આજે સવારે જ્યારે 9.30 વાગ્યા સુધી પરિવારમાંથી કોઈ બહાર ના આવ્યું તો આજુબાજુના લોકોને શંકા થઈ હતી. દરવાજો ખોલીને જોયું તો એક જ રૂમમાં ચારેય લોકોના મૃતદેહો પડ્યા હતા. વેપારીના 3 ભાઈ છે અને દરેક અલગ અલગ છે. આ સમૃદ્ધ પરિવારે થોડા દિવસ પહેલાં જ મુરૈનામાં 65 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું હતું.
સત્યદેવ શર્માએ તેમની પત્ની ઉષા શર્મા, દીકરા અશ્વિન અને દીકરીની મોહિનીની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ત્યાર પછી તેણે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અને ફોરેન્સિક વિભાગે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ સત્યદેવનાં માતા-પિતા બેભાન થઈ ગયાં હતાં. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, હજી ઘટનાનું કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું નથી. પરિણામે, પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે.
ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર અર્પિતા સક્સેનાએ જણાવ્યું હતું કે ત્રણ લોકોની ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી યુવકે ફાંસી લગાવી દીધી છે.
પડોશી પણ જોઈને ગભરાઈ ગયા
82 વર્ષના પડોશી મહિલા કલાવતીએ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગે મેં ઉષાને જોઈ હતી. કોઈ પ્રકારના ઝઘડાની વાત પણ નથી સંભળાઈ. સવારે 9 વાગે દૂધવાળો આવ્યો અને ખખડાવ્યું પણ અંદરથી કોઈ જવાબ ના આવ્યો, તેથી તેણે પડોશીને જણાવ્યું કે અંદરથી કોઈ જવાબ નથી આપતું. પછી નીરજ નામના પડોશીએ પોચાના ઘરની છત પર જઈને જોયું તો કોઈ પુરુષના પગ લટકતા દેખાયા. નીરજે ગભરાઈને બૂમો પાડવાની શરૂ કરી. ત્યાર પછી લોકોની ભીડ ભેગી થઈ ગઈ અને તેમણે પોલીસને માહિતી આપી હતી.
બે મકાન સાથે આઠ વીઘા જમીન
સત્યદેવ સહિત તેઓ ચાર ભાઈઓ છે. ચારેય ભાઈઓનાં અલગ-અલગ મકાન છે. એક ભાઈ તેના પિતાની સાથે ગામમાં રહે છે. તે શિક્ષક છે. સત્યદેવ પાસે પણ બે મકાન અને આઠ વીઘા જમીન છે, તેથી પ્રાથમિક દષ્ટિએ આ આર્થિક સમસ્યાનો મુદ્દો લાગતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.