મહારાષ્ટ્ર સરકારે એક હકારાત્મક પગલું લઈને વિધવાઓ માટે વર્ષોથી ચાલતી રૂઢિવાદી પરંપરાઓ પૂરી કરવાની જાહેરાત કરી છે. એમાં પતિના મૃત્યુ પછી બંગડી તોડવાનું, સિંદૂર લૂછવાનું અને મંગળસૂત્ર કાઢી દેવા જેવી ચુસ્ત પ્રથાઓ સામેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોલ્હાપુરની હેરવાડ ગ્રામપંચાયતનું ઉત્તમ ઉદાહરણ લઈને હવે આ નિર્ણય સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ વિશે રાજ્ય સરકાર તરફથી એક સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું છે. સર્ક્યુલરમાં રાજ્યની દરેક ગ્રામપંચાયતને વિધવાપ્રથા બંધ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે. એ માટે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ને ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપવા કહ્યું છે. CEOને તેમના લેવલ પર વિધવાપ્રથા બંધ કરવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે કહ્યું છે. CEO આ કામ માટે જિલ્લા પરિષદના દરેક ગ્રામપંચાયત અધિકારીની મદદ લઈ શકે છે.
મંત્રી હસન મુશ્રીફે નિર્ણય લાગુ કરવા કહ્યું
રાજ્યના ગ્રામીણ વિકાસમંત્રી હસન મુશ્રીફે દરેક ગ્રામપંચાયતને હેરવાડ ગ્રામપંચાયતનું અનુકરણ કરી એક આદર્શ સ્થાપિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે કુપ્રથાને રોકવા માટે મહારાષ્ટ્ર હંમેશાં આગળ રહે છે. હેરવાડ ગ્રામપંચાયતે પતિના નિધન પછી પત્નીનું સિંદૂર લૂછવા અને મંગળસૂત્ર કાઢી નાખવા જેવી કુપ્રથાને રોકવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે.
4 મેના રોજ હેરવાડ ગામમાં સમાપ્ત કરાઈ વિધવાપ્રથા
કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગ્રામપંચાયતે 4 મેના રોજ વિધવાઓની આ અમાનવીય પ્રથા બંધ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સર્વસંમતિથી દરેક ગ્રામપંચાયતે સ્વીકાર્યો છે. આ ગામની આ અરજીની આખા રાજ્યમાં ખૂબ ચર્ચા થઈ. ગામના લોકોએ નક્કી કર્યું કે જો પતિનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર પછી મહિલાઓની બંગડી તોડવાની, માથા પરથી સિંદૂર લૂછવાનું, મંગળસૂત્ર કાઢવા જેવી પ્રથા નહીં નિભાવીને મહિલાને સમાજમાં અપમાનિત કરવામાં નહીં આવે.
મહિલાઓ માટે આ પ્રથા ખૂબ અપમાનજનક: સરપંચ
હેરવાડ પછી કોલ્હાપુરના માનગામે પણ તેમના ત્યાં વિધવાપ્રથાને ગયા સપ્તાહે બંધ કરવાની જાહેરાત કરી હતી. શિરોલ જિલ્લામાં આવનાર હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે કરમાલા જિલ્લામાં મહાત્મા ફૂલે સમાજ સેવા મંડળના સંસ્થાપક અધ્યક્ષ પ્રમોદ જિંજાદેએ શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓને આ પ્રથામાંથી પસાર થવું પડે છે, એ ખૂબ અપમાનજનક છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર અમને ખૂબ ગર્વ થાય છે, કારણ કે હેરવાડને અન્ય ગ્રામપંચાયતો માટે એક ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે સમાજ સુધારક રાજા રાજર્ષિ છત્રપતિ સાહુ મહારાજની 100મી પુણ્યતિથિનું વર્ષ ઊજવી રહ્યા છીએ ત્યા મહિલાઓના ઉદ્ધાર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મિત્રના મોત પછી સરપંચે લીધો આ નિર્ણય
સરપંચે કહ્યું, કોવિડ-19ની પહેલી લહેરમાં મિત્રને હાર્ટ-એટેક આવતાં તેનું મૃત્યું થયું હતું. તેના અંતિમસંસ્કાર દરમિયાન તેની પત્નીને બંગડી તોડવા, સિંદૂર હટાવવા અને મંગળસૂત્ર કાઢવા માટે મજબૂર કરવામાં આવી હતી. એને કારણે તે મહિલાનું દુઃખ વધારે વધી ગયું હતું. આ દૃશ્ય ખૂબ હૃદયદ્રાવક હતું. આ દૃશ્ય જોયા પછી જ આ પ્રથા દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.