રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં કહ્યું કે જ્ઞાનવાપીનો એક ઇતિહાસ છે, જે આપણે બદલી ન શકીએ. તે ઇતિહાસ આજના હિન્દુઓ અને મુસલમાનોએ નથી બનાવ્યો. રોજ એક મસ્જિદમાં શિવલિંગ શું કામ જોવું? તેઓ અહીંના જ મુસલમાન છે.
ભાગવતે આરએસએસના તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમાપન સમારોહને સંબોધતા જણાવ્યું કે હિન્દુ મુસલમાનોની વિરુદ્ધ નથી વિચારતો પણ તેને લાગે છે કે તે દેવસ્થાનોનો પુનરોદ્ધાર થવો જોઇએ. ભાગવતે એમ પણ કહ્યું કે રામમંદિર આંદોલનમાં સંઘે જરૂર ભાગ લીધો હતો પણ હવે ભવિષ્યમાં સંઘ કોઇ મંદિર આંદોલનમાં નહીં જોડાય.
મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કર્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે એક નિવેદન આપ્યું હતું, જેની વિપક્ષી છાવણીમાં પણ પ્રશંસા થઈ રહી છે. નાગપુરમાં આરએસએસ ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પના સમાપન સત્રને સંબોધતા ભાગવતે કહ્યું કે જ્ઞાનવાપી વિવાદમાં આસ્થાના કેટલાક મુદ્દા સામેલ છે, અને તેના પર કોર્ટનો નિર્ણય બધાએ સ્વીકારવો જોઈએ.
ભાગવતે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની વાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આરએસએસ આ મુદ્દાઓ પર અન્ય કોઈ આંદોલન શરૂ કરવાના પક્ષમાં નથી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હિંદુઓ મુસ્લિમ વિરોધી નથી, મુસ્લિમોના પૂર્વજો હિંદુ હતા. ઘણા લોકોને લાગે છે કે હિંદુઓના મનોબળને ખતમ કરવા માટે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુઓના એક વર્ગને હવે લાગે છે કે આ મંદિરોનું પુનઃનિર્માણ કરવાની જરૂર છે.
આ મુદ્દે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કર્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે દરેક મસ્જિદમાં જઈને શિવલિંગ શોધવું સારું નથી, તમે ઈતિહાસ બદલી શકતા નથી. દેશને જોડવાનું કામ કરવું જોઈએ, તોડવાનું નહીં. મોહન ભાગવતના નિવેદનની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે, વિરોધ પક્ષો પણ ભાગવતના વખાણ કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, હું મોહન ભાગવતની આ ખૂબ જ રચનાત્મક વાતને આવકારું છું. આપણે ઇતિહાસને બાજુ પર મુકતા શીખવું જોઈએ અને તેનો એકબીજા સામે યુદ્ધની કુહાડી તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. મહારાષ્ટ્રના પુનર્વસન મંત્રી અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પણ મોહન ભાગવતના નિવેદનને ખુલ્લા દિલે આવકાર્યું છે.
દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ જુઓ છો?
ભાગવતે પોતાના નિવેદનમાં કહ્યું કે, રોજ નવો કેસ બહાર આવે છે, આમ પણ ન કરવું જોઈએ… આપણે ઝઘડો શા માટે વધારવો જોઈએ? જ્ઞાનવાપી પ્રત્યેની આપણી આસ્થા પરંપરાથી ચાલતી આવી છે. પણ દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ જોવું જોઈએ? તે પણ એક પૂજા છે, ઠીક છે તે બહારથી આવી છે, પરંતુ જે મુસ્લિમોએ તેને અપનાવ્યો છે, તે બહારના નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.