• Gujarati News
 • National
 • Why People Have Taken To The Streets In Lakshadweep, Why There Is A Huge Demand To Remove The Gujarati Who Is At The Center Of Power, Find Out What The Whole Matter Is

લક્ષદ્વીપમાં રાજકીય સુનામી:લક્ષદ્વીપમાં લોકો રસ્તા પર કેમ ઉતર્યા છે, સત્તાના કેન્દ્રમાં રહેલા ગુજરાતીને હટાવવાની કેમ ભારે માંગ થઈ રહી છે, જાણો શું છે સમગ્ર મામલો

8 મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
 • કૉપી લિંક
કેરળના તટીય શહેર કોચ્ચિથી લગભગ 220થી 240 કિલોમીટર દૂર, અરબ સાગરમાં સ્થિત લક્ષદ્વીપ એક સંઘ રાજ્ય ક્ષેત્ર છે. - Divya Bhaskar
કેરળના તટીય શહેર કોચ્ચિથી લગભગ 220થી 240 કિલોમીટર દૂર, અરબ સાગરમાં સ્થિત લક્ષદ્વીપ એક સંઘ રાજ્ય ક્ષેત્ર છે.

લક્ષદ્વીપ... આજકાલ રાજકારણીઓના લક્ષ્યમાં આ દ્વીપ જોવા મળી રહ્યો છે. નાના-મોટા 36 ટાપુઓના સમૂહમાંથી બનેલો પ્રદેશ એટલે લક્ષદ્વીપ. આ 36માંથી 26 દ્વીપ તો એવા જ્યાં કોઈ આબાદી જ નથી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની આબાદી કુલ 64 હજાર હતી, જે એક દશકામાં વધીને લગભગ 66થી 67 હજાર થઈ હશે. ભારતનો સૌથી નાનો પ્રદેશ લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત છે. ભારતના માલદીવ તરીકે વિખ્યાત લક્ષદ્વીપ પોતાના સુંદર, મનોહર સમુદ્ર તટ અને પ્રાકૃતિક દ્રશ્યોના ખજાના માટે ઓળખવામાં આવે છે. પરંતુ હાલ દેશના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંથી એક એવા લક્ષદ્વીપમાં રાજકીય સુનામી જોવા મળી રહી છે.

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ દ્વારા એક ખરડો તૈયાર કરાયો અને જેને નિયમોના રૂપમાં રજૂ કરાયો છે. જો કે પ્રફુલભાઈના આ નિયમોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ નિયમોએ અહીંની સાથે સાથે દેશની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. વિપક્ષ તથા અહીંના લોકોના મત મુજબ પ્રશાસન વિકાસના એજન્ડાના નામે કરી રહેલા સુધારાઓ દમનકારી છે. જો કે પ્રશાસન તેને વિકાસ સાથે જોડીને પ્રાકૃતિક સંરક્ષણનો હવાલો આપીને સુધારાવાદી ગણાવે છે. પરંતુ કોંગ્રેસ, NCP સહિતના કેટલાંક પક્ષ ઉપરાંત અહીંના ભાજપના નેતાઓ પણ આ નિયમો અને આદેશ વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. તો આવો જાણીએ વિકાસના નામે ગણતા શું છે આ નિયમો જેનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે.

લક્ષદ્વીપમાં નવા નિયમો જાહેર કરાતા ત્યાંના પ્રશાસક પ્રફુલ પટેલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
લક્ષદ્વીપમાં નવા નિયમો જાહેર કરાતા ત્યાંના પ્રશાસક પ્રફુલ પટેલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

શું છે લક્ષદ્વીપના નવા વિવાદીત નિયમો?
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને હાલ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ PM મોદીના ખાસ માનવામાં આવે છે. ત્યારે લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પ્રફુલ પટેલના જે નિર્ણયોને લઈને વિવાદ થયો છે તે જોઈએ તો...

વિવાદ-1ઃ એનિમલ પ્રિઝવેન્શન રેગ્યુલેશન-2021
આ નિયમ અંતર્ગત લક્ષદ્વીપમાં ગૌવંશના વધ, તેમની પ્રોડક્ટનું ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે લક્ષદ્વીપમાં એક રીતે બીફનુ ંમળવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. આ પ્રતિબંધને સામાન્ય લોકોના પસંદગીના ભોજનની આઝાદી પર પ્રતિબંધ તરીકે જોવામાં આવે છે. કેરળના CPMના રાજ્યસભાના સભ્યા અલામારન કરીમ કહે છે કે, 'વાત માત્ર પસંદગીના ભોજન પર સરકારી પ્રતિબંધની નથી, આની મદદથી અનેક લોકોની આજીવિકા ચાલતી હતી, ત્યારે આ રોકથી તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. તેમની રોજગારીની કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર તેઓને બેકાર કરવાનો હક કોઈ પણ કાયદામાં નથી. રાજ્યમાં પણ બીફના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગ ક્યારેય થઈ નથી. આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં સ્થાનિકો સાથે વાતચીત કરવાનું પણ તેમને યોગ્ય ન લાગ્યું.' નોંધનિય છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ લક્ષદ્વીપની 96 ટકા વસ્તી મુસ્લિમ છે.

વિવાદ-2ઃ શરાબના વેચાણની છૂટ
પ્રફુલ પટેલે લક્ષદ્વીપમાં ટૂરીસ્ટને આકર્ષવાના હેતુસર શરાબની છૂટ આપી દીધી છે. પ્રફુલ પટેલના આ નિર્ણયને લઈને સાંસદ બિનોય વિશ્રમ કહે છે કે, 'આ નિર્ણયથી પ્રફુલ પટેલની નિયત પર શંકા જાય છે, એક તરફ 96 ટકા મુસ્લિમ વસ્તીવાળા લક્ષદ્વીપમાં બીફ પર પ્રતિબંધ તો પર્યટન અને વ્યક્તિગત સ્વતંત્રતાની આડમાં શરાબ લાયસન્સ આપવાનું કામ શરૂ કરી દીધું છે. શું આ વિરોધભાસ નથી?'

વિવાદ-3ઃ લક્ષદ્વીપ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2021
આ કાયદાથી પ્રશાસકને ટાઉન પ્લાનિંગ કે કોઈ અન્ય વિકાસ કાર્ય માટે સ્થાનિક લોકોને તેમની સંપત્તિમાંથી હટાવવા કે ટ્રાંસફર કરવાનો અધિકાર મળી જશે. એટલે કે લક્ષદ્વીપ ડેવલપમેન્ટ દ્વારા વિકાસના હેતુસર કોઈ પણની સંપત્તિને જપ્ત કરવાનો અને તેમની માલિકીને સ્થાણાંતરિત કરવાની કે હટાવવાની મંજૂરી આપે છે.

વિવાદ-4ઃ પ્રિવેશન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ
આ કાયદાને સ્થાનિક સ્તરે ગુંડા એક્ટ કહેવામાં આવે છે. આ એક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને સાર્વજનિક રીતે જાણકારી આપ્યા વિના એક વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. વિરોધ કરનારાઓનો તર્ક છે કે લક્ષદ્વીપ સૌથી ઓછા ગુના માટે આખા દેશમાં જાણીતું છે. તો પછી અહીં આ કાયદાની શું જરૂરિયાત છે? તેઓને શંકા છે કે આ કાયદાનો ગેરઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને યુવાનોના લોકતાંત્રિક અધિકારો પર નિયંત્રણો મૂકવા માટે.

આ ઉપરાંત બેથી વધુ બાળકોવાળાઓએ પંચાયતી ચૂંટણીમાં ભાગ નહીં લેવાના કાયદાનો ડ્રાફ્ટ પણ રજૂ કર્યો છે, જેનો લોકો વિરોધ કરી રહ્યાં છે.

લક્ષદ્વીપની ભૌગોલિક સ્થિતિ

 • કેરળના તટીય શહેર કોચ્ચિથી લગભગ 220થી 240 કિલોમીટર દૂર, અરબ સાગરમાં સ્થિત લક્ષદ્વીપ એક સંઘ રાજ્ય ક્ષેત્ર છે.
 • લક્ષદ્વીપ 32 વર્ગ કિલોમીટર સમુદ્રી ક્ષેત્રમાં ફેલાયેલું છે.લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે અને અહીંનું પ્રમુખ શહેર પણ છે. આ સ્થળ ભારતનો સૌથી શાંતિપૂર્ણ જગ્યા માનવામાં આવે છે.
 • લક્ષદ્વીપ સમૂહના ટાપુ પ્રાકૃતિક પરિદ્રશ્યો, રેતાળ સમુદ્ર તટ, વનસ્પતિઓ અને અવનવા જીવો તેમજ એક આરામદાયક જીવન શૈલી માટે જાણીતા છે
 • લક્ષદ્વીપમાં પ્રવેશ સીમિત છે. અહીં જવા માટે લક્ષદ્વીપ પ્રશાસન પાસેથી યાત્રા માટે પરમિટ કે પૂર્વ મંજૂરી લેવી જરૂરી હોય છે.
 • કોચ્ચિથી સંચાલિત જહાજો અને ઉડાનો દ્વારા લક્ષદ્વીપ સુધી પહોંચી શકાય છે. તમામ પર્યટકો માટે કોચ્ચિ જ લક્ષદ્વીપનો ગેટ-વે છે.
 • લક્ષદ્વીપનો સાક્ષરતા દર 91.82% છે.
 • પ્રશાસનિક આધારે લક્ષદ્વીપને એક જિલ્લો માનવામાં આવે છે.
 • લક્ષદ્વીપમાં નિવાસ યોગ્ય 10 દ્વીપ ગ્રામ પંચાયત છે.
 • લક્ષદ્વીપમાં પહેલાં ચાર તાલુકા હતા, પરંતુ હવે 10 રાજસ્વ ઉપખંડ એટલે કે રેવેન્યૂ સબ ડિવીઝન બનાવવામાં આવ્યા છે.
લક્ષદ્વીપ 32 વર્ગ કિલોમીટર સમુદ્રી ક્ષેત્રમાં ફેલાયેલું છે.લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે અને અહીંનું પ્રમુખ શહેર પણ છે.
લક્ષદ્વીપ 32 વર્ગ કિલોમીટર સમુદ્રી ક્ષેત્રમાં ફેલાયેલું છે.લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે અને અહીંનું પ્રમુખ શહેર પણ છે.
લક્ષદ્વીપ સમૂહના ટાપુ પ્રાકૃતિક પરિદ્રશ્યો, રેતાળ સમુદ્ર તટ, વનસ્પતિઓ અને અવનવા જીવો તેમજ એક આરામદાયક જીવન શૈલી માટે જાણીતા છે.
લક્ષદ્વીપ સમૂહના ટાપુ પ્રાકૃતિક પરિદ્રશ્યો, રેતાળ સમુદ્ર તટ, વનસ્પતિઓ અને અવનવા જીવો તેમજ એક આરામદાયક જીવન શૈલી માટે જાણીતા છે.

લક્ષદ્વીપના નવા નિયમોને લઈને રાહુલ ગાંધીએ લખ્યો પત્ર
લક્ષદ્વીપના નવા નિયમનમા ખરડાને લઈને વિવાદ વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ મુદ્દે પત્ર લખ્યો છે. રાહુલે પત્રમાં લખ્યું છે કે, 'પ્રશાસન લક્ષદ્વીપમાં નવા નિયમનના ખરડાના નામે દ્વીપની પવિત્રતાને ઘટાડી રહ્યાં છે. હું તમને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કરું છું. લક્ષદ્વીપ પ્રશાસક દ્વારા જાહેર જનવિરોધી નીતિઓથી લોકોના ભવિષ્યને ખતરો છે. પ્રશાસકે પ્રતિનિધિઓ કે જનતા સાથે કાયદાકીય રીતે વાતચીત કર્યા વગર મનમાની કરીને પરિવર્તનો પ્રસ્તાવ રાખ્યો છે.'

આ ઉપરાંત રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું કે, 'પ્રિય વડાપ્રધાનજી, આશા કરું છું કે આ પત્ર તમને પસંદ આવ્યો હશે. લક્ષદ્વીપની પ્રાકૃિતક સુંદરતા અને સંસ્કૃતિ અનેક પેઢીઓથી ચાલી આવે છે. ત્યાંના પ્રશાસકનું કામ છે આવનારી પેઢીઓ માટે દ્વીપસમુહની વિરાસતને સંભાળવી. જો કે લક્ષદ્વીપના પ્રશાસકની જાહેર જનવિરોધી નીતિઓથી લાગે છે કે લોકોના ભવિષ્યની ચિંતા વધી ગઈ છે.'

લક્ષદ્વીપ મામલે રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખ્યો છે.
લક્ષદ્વીપ મામલે રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખ્યો છે.

પ્રફુલ પટેલનો બચાવ

 • હાલ તો લક્ષદ્વીપની સ્થિતિ જોઈને લાગતું નથી કે આ મામલો શાંત પડી જશે. કેમકે પ્રફુલ પટેલ પોતાના નિર્ણયોને પાછા ખેંચવા નથી માગતા. તેઓના કેટલાંક નિવેદનો જોઈએ તો તેઓ ક્યાંય પોતાના નિર્ણયો પર પુનર્વિચાર કરવામાં આવશે કે આ અંગે ચર્ચા થશે તેવું કંઈ જ કહેતા સંભળાતા નથી. તેના બદલે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવવાના તર્ક રજૂ કરે છે. પ્રફુલ પટેલનું કહેવું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર રોક છે. જો લક્ષદ્વીપમાં પણ તેને લાગુ કરવામાં આવે તો ખોટું શું છે? બીફ ખાવું ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો પણ નથી.
 • આ ઉપરાંત બેથી વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી નહીં લડી શકે તે પ્રસ્તાવ પર તેઓએ કહ્યું કે આવો કાયદો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પહેલેથી જ લાગુ છે. આ કાયદો તેમના પર લાગુ થશે જેમના કાયદાને લાગુ થયા બાદ બે બાળકો હશે. જેમના બેથી વધુ બાળકો પહેલેથી જ છે તેમના પર કોઈ જ રોક નથી. આ ઉપરાંત ગુંડા એક્ટનો બચાવ કરતા પ્રફુલ પટેલ જણાવે છે કે ગુનાકીય પ્રવૃતિઓને રોકવા માટે આવા કાયદાની જરૂર છે.લક્ષદ્વીપમાં ગાંજાની સ્મગલિંગથી લઈને ગેરકાયદે શરાબ સુધીના ધંધાઓ ચાલે છે. ડ્રગ્સનો ધંધો પણ વધી ગયો છે.
 • આ ઉપરાંત તેઓએ શરાબને લીગલ બનાવવાની વાત પર કહે છે કે ગેરકાયદે રીતે વેચાતા શરાબને પદલે કાયદાકીય રીતે શરાબનું વેચાણ વધુ સારી રીતે થશે. તેમજ અનેક મુસ્લિ દેશોમાં શરાબનું વેચાણ કાયદાકીય રીતે થાય જ છે. લક્ષદ્વીપ તો ભારતનો જ ભાગ છે જ્યાં કોઈ શરિયા કાયદો નથી પરંતુ ભારતીય બંધારણ જ લાગુ છે.

પ્રફુલ પટેલ અને વિવાદ
પ્રફુલ પટેલ લક્ષદ્વીપ ઉપરાંત દમણ-દીવ અને દાદરાનગરના પણ પ્રશાસક છે. સૌથી પહેલાં તેઓને 2016માં દમણ-દીવના પ્રશાસક બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં દાદરાનગર હવેલીની જવાબદારી પણ મળી. ડિસેમ્બર 2020થી તેઓ લક્ષદ્વીપના પ્રશાસક પણ છે. પ્રફુલ પટેલ અને વિવાદોનો જૂનો સંબંધ છે. આ વર્ષની શરૂઆતમાં જ તેમના પર દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. તેમ છતાં કેન્દ્ર સરકારનો તેમના પર વિશ્વાસ અકબંધ છે. પ્રફુલ પટેલ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

કોણ છે પ્રફુલ પટેલ અને કેટલો છે તેમનો દબદબો?
ઍન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર મોદીના ખાસ એવા ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના(તડીપાર) આદેશ અપાયા હતા, અને તે સમયે મોદી સરકાર પર આફત આવી પડી હતી તે જ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે 2010થી 2012 દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા હતા.પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિધ્ધિ એ હતી કે,તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યાર બાદ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા. છતાં કામ કરવાની તેમની પદ્ધતિથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા.

ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રી પદે હતા. અને તે સમયે સરકાર સામે એન્કાઉન્ટરનો વિવાદ સર્જાયો હતો. જેમાં તેમણે પણ એક ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી. ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલ પ્રફુલ્લ પટેલ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના ધુરંધર ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપ્યો હતો.અને પ્રથમ વખત હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા. નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે ઉત્તર ગુજરાતના નેતાઓનું કહેવું હતું કે પ્રફુલ્લ પટેલને રાતોરાત મંત્રી પદ મળ્યું ન હતું, પરંતુ તેમના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. મોદીનો તેમના સાથે વર્ષોથી ઘરોબો હતો.

પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. (ફાઈલ ફોટો)
પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. (ફાઈલ ફોટો)