• Gujarati News
  • National
  • Why Is Jaya Bachchan Always Angry Many Times When Jaya Bachchan Made Headlines For Her Angry Reaction

જયાને કેમ આવે છે આટલો ક્રોધ?:આ ઘટનાઓ પર જયા બચ્ચનને આવ્યો જોરદાર ગુસ્સો, ક્યારેક કાર્યકર્તાને માર્યો ધક્કો તો ક્યારેક BJPને આપ્યો શ્રાપ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમાજવાદી પાર્ટીના રાજ્યસભાનાં સભ્ય જયા બચ્ચન અત્યારે ફરી એકવાર ચર્ચામાં છે. તેઓ ગઈકાલે સંસદમાં ખૂબ ગુસ્સામાં જોવા મળ્યાં હતાં. આ બધું ત્યારે થયું જ્યારે પનામા પેપર્સ લીક કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ઈડીની પૂછપરછ દરમિયાન જયા બચ્ચન ગૃહમાં જોવા મળ્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની વિરુદ્ધ અંગત ટિપ્પણી કરવામાં આવી છે. ગુસ્સે થયેલાં જયા બચ્ચને રાજ્યસભામાં બીજેપીને શ્રાપ પણ આપી દીધો કે ખૂબ ટૂંક સમયમાં તેમના ખરાબ દિવસો આવવાના છે. ગઈકાલે રાજ્યસભામાં જયા બચ્ચન ગુસ્સે થઈ ગયાં પછી તેમનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થવા લાગ્યો હતો. આ દરમિયાન હવે યુઝર્સ જયા બચ્ચનના એ જૂનો વીડિયો પણ શોધવા લાગ્યા છે કે ક્યારે ક્યારે એવી ઘટના બની કે જયા બચ્ચન ગુસ્સે થયાં હોય અથવા નારાજ થયાં હોય. તો આવો, આજે અમે તમને જણાવીએ કે એવી ઘટનાઓ ક્યારે બની, જ્યારે જયા બચ્ચને જાહેરમાં જ ગુસ્સો કરી દીધો હોય...

ગેંગરેપ દોષિતો માટે લિંચિંગની માગણી કરી
બે વર્ષ પહેલાં હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે રેપ એન્ડ મર્ડરની થયેલી ઘટનાથી ગૃહમાં હોબાળો થયો હતો. આ દરમિયાન જયા બચ્ચન ગૃહમાં ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં. તેમણે ત્યારે નિર્ભયા ગેંગરેપનો પણ ઉલ્લેખ કરીને દોષિતોને જાહેરમાં મોતની સજા આપવાની વાત કરી હતી. રાજ્યસભામાં જયાએ કહ્યું હતું કે નિર્ભયા હોય કે કઠુઆ, સરકારે જવાબ દેવો જોઈએ અને જે લોકોએ આવું કર્યું છે તેમનું જનતાની સામે જ લિંચિંગ થવું જોઈએ.

રવિકિશન પર ભડક્યાં હતાં જયા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ પછી બોલિવૂડમાં ડ્રગ્સ મામલે હોબાળો શરૂ થઈ ગયો હતો. અભિનેતા રવિ કિશને સંસદમાં કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડ્રગ્સ અને નશાનો અડ્ડો બનતો જાય છે, બોલિવૂડને નશાથી મુક્ત કરવાની જરૂર છે. એ સમયે જયા બચ્ચને સંસદમાં તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. જયા બચ્ચને રવિ કિશન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે થાળીમાં ખાઓ છો એમાં જ છેદ કરો છો.

સેલ્ફી લેનાર ફેન્સને માર્યો હતો ધક્કો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ગૌતમ ચૌધરીના સમર્થનમાં જયા બચ્ચન રોડ શો કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક કાર્યકર્તા કાર સામે સેલ્ફી લેવા પહોંચ્યો ત્યારે જયા બચ્ચન ગુસ્સે થઈ ગયાં હતાં. જયાએ કાર્યકર્તાને ધક્કો માર્યો હોવાનો તેમના પર આરોપ છે. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો.

ફોટોગ્રાફર પર ઉતાર્યો ગુસ્સો
જયા બચ્ચન ઘણી વાર ઐશ્વર્યાનાં વખાણ કરતાં જોવા મળ્યાં છે. એકવાર જયા બચ્ચન ઐશ્વર્યા માટે ફોટોગ્રાફર પર ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં. વર્ષ 2013માં જયા બચ્ચન અને ઐશ્વર્યા સુભાષ ઘાઈની પાર્ટીમાં પહોંચ્યાં હતાં. પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે અમુક ફોટોગ્રાફર્સ તેમના ફોટા પાડવા માગતા હતા. ત્યારે એક ફોટોગ્રાફરે ઐશ્વર્યાને એશ...એશ કહીને બૂમો પાડી હતી. આટલું સાંભળતાં જ જયા બચ્ચન ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ ગયાં હતાં અને તેને ધમકાવતાં કહ્યું હતું...એશ ક્યાં હોતા હૈ? શું એ તારી સ્કૂલ ફ્રેન્ડ છે? ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે તમને લોકોનું સન્માન કરતા આવડવું જોઈએ. તમે ઐશ્વર્યા મેમ નથી બોલી શકતા?

ફોટોગ્રાફરને જંગલી કહ્યો
2014ની ચૂંટણીમાં જ્યારે જયા વોટ આપીને નીકળી રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર તેમના ફોટો પાડવા લાગ્યા હતા. ત્યારે પણ જયા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને ફોટોગ્રાફરને કહ્યું હતું, કેવું જંગલી જેવું બિહેવ કરો છો. ત્યારે અભિષેક બચ્ચને જયાને શાંત કર્યા હતા.

હવે ભાજપને આપી દીધો શ્રાપ
રાજ્યસભામાં ગઈકાલે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગઈકાલે ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા ભાજપ સાંસદો સાથે સપા સાંદસ જયા બચ્ચનને ઝઘડો થઈ ગયો હતો. આ દરમિયાન જયા બચ્ચન ભાજપના સાંસદો પર ગુસ્સે થઈ ગયા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે મારા પર અંગત ટિપ્પણી કરવામાં આવી છે. હું તમને શ્રાપ આપું છું કે થોડા સમયમાં જ તમારા ખરાબ દિવસો શરૂ થવાના છે. તમે લોકો અમારું ગળું જ દબાવી દો, તમે જ સંસદ ચલાવો.

જયા બચ્ચનને ગુસ્સો કેમ આવે છે?
હવે સવાલ એ ઊભો થાય છે કે જયા બચ્ચનને આટલો ગુસ્સો કેમ આવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોફી વિથ કરણમાં આ વિશે અભિષેક બચ્ચન અને શ્વેતાએ આ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની માતાને ક્લોસ્ટ્રોપોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ હોય છે જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને પરેશાન થઈ જાય છે. તે વ્યક્તિને ઘણીવાર ગુસ્સો આવે છે. આવી સ્થિતિ મોટા ભાગે બજારમાં, ભીડ વચ્ચે અથવા લિફ્ટમાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...