• Gujarati News
  • National
  • Why Did India Announce Free Booster Dose Of Vaccine For 18 59 Year Olds? Know The Reality

કોરોના વાઇરસ એક્સપ્લેનર:ભારતે શા માટે 18-59 વર્ષના લોકોને ફ્રીમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી? જાણો વાસ્તવિકતા

નવી દિલ્હી3 મહિનો પહેલા

ભારત સરકારે બુધવારે 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો માટે કોવિડ-19ની વેક્સિનનો ફ્રી બૂસ્ટર ડોઝ મૂકવાની જાહેરાત કરી છે. આ બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત આવતીકાલ, એટલે કે 15 જુલાઈ શુક્રવારથી થશે અને આગામી 75 દિવસ સુધી આ ડોઝ મળી શકશે, જોકે સરકારે આ અંગે નિર્ણય અચાનક જ આટલા દિવસ પછી કેમ લીધો? એ પાછળ પણ ઘણાં કારણો જવાબદાર છે, એને અહીં વિગતે સમજીએ...

કોવિડ-19 સામે લડવા માટે વધુ એક સુરક્ષાકવચ બનશે
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ વેક્સિન ડ્રાઈવનું આયોજન સરકારે આઝાદી કા અમૃત કાલની ઉજવણીના ભાગરૂપ કર્યું છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ભારત તેની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત કાલ નિમિત્તે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને 15 જુલાઈથી 75 દિવસ સુધી વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ સુવિધા સરકારનાં તમામ સેન્ટર્સ પર ઉપલબ્ધ હશે. આ ડ્રાઈવનો બીજો એક મહત્ત્વનો ઉદેશ એ છે કે દેશમાં કોવિડ-19 સામે લડવા માટે વધુ એક સુરક્ષાકવચ બને. તાજેતરમાં જ સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રિકોશન ડોઝ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટના આંકડા ચોંકાવનારા હતા. આ રિપોર્ટ મુજબ દેશના લગભગ 594 મિલિયન લોકો કોરોનાની વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવામાં મોડા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો ચાલો... આ વાતને વિગતે સમજીએ.

92% જેટલા ભારતીય પ્રિકોશન ડોઝ લેવામાં મોડાઃ રિપોર્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, 92 ટકા જેટલા ભારતીયો જે પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક હતા, તેમણે હજી સુધી તેમના પ્રિકોશન ડોઝ લીધા નથી. આ અંગેની ટૂંકી વિગત એવી છે કે ભારતના 594 મિલિયન લોકો જે બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર હતા તેમણે તેમનો બૂસ્ટર ડોઝ હજી સુધી લીધો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકોને બૂસ્ટર ડોઝ લેવાના બાકી હોવાને કારણે સરકારે 15 જુલાઈથી આગામી 75 દિવસ સુધી ફ્રી પ્રિકોશન ડોઝ આપવા માટેની જાહેરાત કરી છે. આ અંગે એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 18-59 વર્ષની 77 કરોડ વ્યક્તિઓ પૈકી 1 ટકા કરતાં પણ ઓછા લોકોએ અત્યારસુધીમાં પ્રિકોશન ડોઝ લીધો છે.

આ કારણસર સરકારે નિર્ણય લીધો
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગના દેશના લોકોએ તેમનો બીજો ડોઝ 9 મહિના પહેલાં લીધો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અન્ય ઈન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં થયેલા રિસર્ચ મુજબ કોવિડની વેક્સિનના બંને ડોઝ લીધા પછીના લગભગ 6 મહિના જેટલા સમયગાળા પછી શરીરમાં વેક્સિનને કારણે વધેલી એન્ટિબોડીનો સ્તર ધીરે-ધીરે ઘટવા લાગે છે. જો આવા સમયે બૂસ્ટર ડોઝ લેવામાં આવે તો એને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ કારણસર સરકારે આગામી 15 જુલાઈથી 75 દિવસ સુધી 18 વર્ષથી 59 વર્ષ સુધીના તમામ લોકોને સરકારી વેક્સિનેશન સેન્ટર્સ પર ફ્રી બૂસ્ટર ડોઝ આપવાનું આયોજન કર્યું છે.

ભારતે બૂસ્ટર ડોઝ વચ્ચેના 9 મહિનાના અંતરને ઘટાડીને 6 મહિના કર્યું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત 6 જુલાઈના રોજ કોવિડની વેક્સિનના બીજા ડોઝ અને ત્રીજા પ્રિકોશનરી ડોઝ વચ્ચેના સમયગાળાને 9 મહિનાથી ઘટાડીને 6 મહિનાનો કર્યો હતો. આ અંગે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે તમામ રાજ્યના હેડને લેખિતમાં જાણ કરી હતી. તેમણે આ અંગે વિવિધ રાજ્યોને આપેલી સૂચનામાં જણાવ્યું હતું કે ઈમ્યુનાઈઝેશન પરના નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપની સ્ટેન્ડિંગ ટેક્નિકલ સબ-કમિટીના નિર્દેશ મુજબ આ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી છે. આ અંગેના પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ખાનગી વેક્સિનેશન સેન્ટર પર 18-59 વર્ષની ઉંમરની વ્યક્તિઓ પ્રિકોશન ડોઝ બીજો ડોઝ લીધાના 6 મહિના પછીથી અથવા તો 26 અઠવાડિયાં પછીથી મુકાવી શકશે.

વૈજ્ઞાનિકોએ કોવિડ-19ને નિષ્ક્રિય કરવાની નવી રીત શોધી
કોવિડ-19ના કેટલાક વેરિયન્ટનો ચેપ રસી હોવા છતાં પણ લાગી રહ્યો છે, ત્યારે વૈજ્ઞાનિકોએ કોવિડ-19ને નિષ્ક્રિય કરવાની નવી રીત પણ શોધી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સિન્થેટિક પેપ્ટાઈડ્સનો એક વર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, એ કોવિડનો સેલ્સમાં પ્રવેશ અટકાવી દે છે. આ સિવાય એ વિરિયન્સને પણ બાંધી દે છે. એેને પગલે એનું ઈન્ફેક્શન જ અટકી જાય છે.

આ માટે તૈયાર કરવામાં આવેલી ટીમમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના બી. ખત્રી, આઈ પ્રેમાનિક, એસકે મલાડી, આરએસ રાજમની, પી ઘોષ, એન સેનગુપ્તા, એસ દત્તા, જે ચેટ્ટરજી, સીએસઆઈઆર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો. ટેક્નોલોજીના આર. રહીસુદ્દીન, એસ. કુમાર, એસ. કુમારન, આરપી રિન્જે હતા. આ તમામે રિસર્ચ કર્યું હતું અને આ પદ્ધતિ યોગ્ય હોવાના નિષ્કર્ષ પર આવ્યા હતા.

તમારે બૂસ્ટર ડોઝ અત્યારે જ શા માટે લેવો જોઈએ?
હાલ બૂસ્ટર ડોઝ લેવાનો ફાયદો એ છે કે આ ડોઝ સરકાર તરફથી 15 જુલાઈથી ફ્રીમાં આપવામાં આવશે. આ ડોઝ લેવાથી આપણને વાઈરસ સામે વધુ સુરક્ષા મળશે. બીજી મહત્ત્વની વાત એ છે કે કેસની સંખ્યા અને ઈન્ફેક્શનનું પ્રમાણ હાલ ઘટ્યું હોવા છતાં પ્રથમ અને બીજા ડોઝ પછી સમયની સાથે આપણામાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે, ત્યારે જો હાલ આ ડોઝ લેવામાં આવશે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી જશે.

હાલ ઓમિક્રોન અને એના જ કેટલાક વેરિયન્ટ્સ, જેવા કે BA.4 અને BA.5ના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે બૂસ્ટર ડોઝ લેવાથી શરીરને આ વાઈરસનો પ્રતિકાર કરવામાં પણ મદદ મળશે.

આગામી 75 દિવસ સુધી ફ્રીમાં મળનારી વેક્સિનને કોણ-કોણ લઈ શકે?
આગામી 15 જુલાઈથી એટલે કે શુક્રવારથી 18-59 વર્ષની ઉંમરની તમામ વ્યક્તિઓ કોવિડની વેક્સિનનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...