જોશીમઠ | ઉત્તરાખંડનું એ પવિત્ર નગર, જ્યાં શિયાળાની ઋતુમાં ભગવાન બદ્રીનાથ બિરાજે છે. વિકાસ કહીએ કે આંધળો વિકાસ, પૌરાણિકતા, ધરોહર અને સંસ્કૃતિને કંઈ રીતે વિનાશની તરફ લઈ જાય છે, જોષીમઠ તેનું જીવતા જાગતું ઉદાહરણ છે. વર્ષોથી અહીંયાના લોકો, કેટલાક જાણકાર અને પર્યાવરણવિદ, સરકારને વિનંતી કરી રહ્યા છે, પરંતુ કોઈના પણ કાન સુધી અવાજ પહોંચ્યો નથી.
ઉત્તરાખંડનાં ઘણાં નગરો ડેમ અને ટનલની ક્રુર બાથમાં જકડાઈ ગયાં છે. એન્જીનીયરોએ જોશીમઠ સાથે તો હદ જ કરી દીધી છે. જોશીમઠના બરાબર નીચેથી ટનલ કાઢવામાં આવી છે. તેને તપોવન ડેમની ટનલ કહેવાય છે. જે પહાડ પર આ શહેર વસેલું છે, તે નીચેની તરફ સરકી રહ્યું છે. અનેક મકાનો ધસી પડ્યા છે. ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ છે. રસ્તા વચ્ચે મોટા-મોટા હોલ પડી ગયા છે.
રસ્તાઓ પર લાંબી, ઊંડી તિરાડો પડી ગઈ છે. આ તિરાડોમાંથી કાટમાળ ઉપર આવી રહ્યો છે. જોકે તપોવન ડેમની ટનલ જોશીમઠના નીચેથી થઈ હેલંગ ખીણમાં અલકનંદા નદીમાં ખુલે છે. પરંતુ ગયા વર્ષે જ્યારે ઋષિ ગંગામાં પુર આવ્યું હતું ત્યારે મોટા પ્રમાણમાં કાટમાળ આ ટનલમાં ઘુસી ગયો હતો. આ કારણે અલકનંદામાં જ્યાં આ ટનલ ખુલતી હતી ત્યાંથી તેનું મોઢું બંધ થઈ ગયું છે.
કાટમાળ કે પાણી ત્યાંથી બહાર નીકળી શકતું નથી. કેટલાક વૈજ્ઞાનિક કહે છે કે, આ જ કારણે ટનલમાં ગેસ બની રહ્યો હશે અન તે જ અંદર રહેલા કાટમાળને ઉપરની તરફ ફેંકી રહ્યો હશે, જે જોશીમઠમાં બહાર નીકળી રહ્યો છે. અહીંના લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો તેમના વડવાઓએ બનાવેલા મકાનો છોડી ભાડાના ઘરમાં રહેવા માટે મજબુર બન્યા છે. તેમના આંગણાના ચહેરા ઉપર તીરાડો ઉભરી આવી છે. તેમના રસોડામાંથી ચીસો પડી રહી છે. તેમના ચૂલા ઉદાસીમાં સળગી રહ્યા છે.
સરકાર અને તંત્રની હાલત એ છે કે જ્યારે પણ કોઈ મોટી તિરાડ ઉભરી આવે છે કે કોઈ મોટો હોલ નીકળી આવે છે ત્યારે કેટલાક ઓફિસરો અહીંયા વીઝીટ કરે છે. ભીડ એકઠી કરે છે અને મુલાકાતના નામે ફરજ પુરી કરી દે છે. પછી અહીંયાના લોકોને તેમના જ હાલ પર છોડી દેવામાં આવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવું જ ચાલતું રહ્યું, અને કોઈ યોગ્ય પગલા ભરવામાં નહીમ આવે તો જોશીમઠ જેવું પૌરાણિક નગર ધ્વસ્ત થઈ જશે. લોકોને ભલે અન્ય જગ્યાએ ખસેડવામાં આવે, પરંતુ એક પૌરાણિક સ્થળને આપણે ગુમાવી બેસીશું. વૈજ્ઞાનિક કહે છે કે જોશીમઠ મોરેનની ઉપર વસેલું છે. મોરેન ખરેખરમાં, ગ્લેશિયરનો ઉપરનો ભાગ હોય છે.
એટલે જ્યારે ગ્લેશિયરનો બરફ ઓગળી જાય છે. ત્યારે તે સરકે છે. પરંતુ તેના ઉપર લાખો ટન માટી અને શિલાઓ આવી જાય છે. એક પ્રકારનો પહાડ જ બની જાય છે. આ જ મોરેન હોય છે. જો કે સમયની સાથે તે પણ સરકશે. આસપાસ આવી રહેલા પ્રોજેકટ્સ, ડેમ તે સમયને ટુંકાવી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.