• Gujarati News
  • National
  • WHO's Chief Scientist Dr. Soumya Swaminathan's Clear Point Vaccine Also Works On Omicron

દુનિયામાં ઓમિક્રોનના ભયને પગલે હાશકારો:WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથનની સ્પષ્ટતા- ઓમિક્રોન પર પણ રસી કારગર, બાકી હોય તે જલદી લઈ લે

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • અનેક દેશોમાં જીનોમ સિક્વેન્સિંગ નથી કરાતું, ત્યાં આ વેરિયન્ટ હશે તોપણ ખબર નહીં પડે
  • ટ્રાવેલ પ્રતિબંધો પણ બિનજરૂરી, સ્ક્રીનિંગ-સર્વેલન્સ વધુ જરૂરી

કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે યુરોપિયન દેશોમાં મચેલા હોબાળાની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવાના નિર્ણયનો પુનર્વિચાર શરૂ કર્યો છે. રાજ્યોએ પણ સ્થાનિક સ્તરે પગલાં લેવાના શરૂ કર્યાં છે. મધ્યપ્રદેશે 100% ક્ષમતા સાથે સ્કૂલો ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન.

શું કહ્યું ડો. સૌમ્યાએ?
અનેક રાજ્યોએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા છે, પરંતુ દુનિયાભરમાં મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, ‘હાલ હોબાળો એ વાતથી ફેલાઈ રહ્યો છે કે ઓમિક્રોન પર રસી કારગત નથી. ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો ત્યારે પણ એવું જ કહેવાતું હતું કે એ રસીને બિનઅસરકારક બનાવી દે છે. જોકે એવું નથી. કોઈપણ વેરિયન્ટ એવો ના થઈ શકે, જે રસીને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દે. જો શરીરમાં વાઈરસના કોઈપણ વેરિયન્ટ માટે તૈયાર કરાયેલી રસીને કારણે એન્ટિબોડી હોય, તો એ વાઈરસથી બચાવશે જરૂર. કહેવાનો અર્થ એ છે કે રસી દરેક વેરિયન્ટની મારક ક્ષમતાને થોડીઘણી તો ઘટાડી જ શકે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેમણે મોડું કર્યા વિના લઈ લેવી જોઈએ.’

કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવા ડૉ. સ્વામીનાથન બે ઉપાય સૂચવે છે. પહેલો- જીનોમ સિક્વેન્સિંગ અને બીજો- તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ અને સર્વેલન્સ.

જાણો, ઓમિક્રોન મુદ્દે ડૉ. સ્વામીનાથનનાં કયાં સૂચનો છે?
1. જીનોમ સિક્વેન્સિંગ 5% તેમજ તમામનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી: કુલ કોરોના પોઝિટિવ લોકોના 5%નું જીનોમ સિક્વેન્સિંગ થવું જરૂરી છે. એ સ્થળોનું વધુ સિક્વેન્સિંગ થાય, જ્યાં અચાનક દર્દીઓની સંખ્યા વધી હોય અથવા તો સતત વધુ કેસ આવતા હોય. ભારત જેવા મોટા દેશોમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક રાજ્યના જીનોમ સિક્વેન્સિંગનું પૂરતું પ્રતિનિધિત્વ હોય. ત્યારે જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે.
2. વિદેશી પ્રવાસીઓ પાસે નેગેટિવ રિપોર્ટ હોય તોપણ ચાર દિવસ પછી ફરી તપાસ થાય: કોઈ વેરિયન્ટને કારણે કોઈ દેશના પ્રવાસીઓ પર પ્રતિબંધનો નિર્ણય સંપૂર્ણ કારગર નથી. જરૂરી નથી કે આફ્રિકન દેશોમાં જ આ વેરિયન્ટ હોય. આ યાદીમાં રોજ નવા દેશ ઉમેરાઈ રહ્યા છે, એટલે તમામ દેશના પ્રવાસીઓનું સ્ક્રીનિંગ અને સર્વેલન્સ થાય. પ્રવાસીઓ પાસે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ હોય તોપણ તેનો ચાર દિવસ પછી ફરી ટેસ્ટ કરો.

હવે જુઓઃ WHOની તર્જ પર આપણી તૈયારી કેટલી મજબૂત છે
જીનોમ સિક્વેન્સિંગ... સૌથી વધુ સિક્વેન્સિંગ મહારાષ્ટ્રમાં, અનેક રાજ્ય સેમ્પલ નથી મોકલતાં. ભારતમાં જીનોમ સિક્વેન્સિંગ થઈ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી સહિત પાંચેક રાજ્યને છોડીને જીનોમ સિક્વેન્સિંગ ખૂબ ઓછું છે. અનેક રાજ્યોએ તો સિક્વેન્સિંગ માટે સેમ્પલ લેવાનું પણ બંધ કરી દીધું છે. ફક્ત મહારાષ્ટ્ર એવું રાજ્ય છે, જ્યાં કુલ સિક્વેન્સિંગ 10 હજારથી વધુ છે. આમ છતાં એ કુલ કેસના 1% પણ સિક્વેન્સિંગ નથી કરી શક્યું. નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યા પછી ફરી જીનોમ સિક્વેન્સિંગ પર ભાર મુકાઈ રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવા કહ્યું હતું. આ સાથે કુલ ટેસ્ટમાં આરટી-પીસીઆર વધારવાનું સૂચન કર્યું હતું.

સિક્વેન્સિંગમાં અગ્રણી રાજ્યો

મહારાષ્ટ્ર19328
કેરળ6962
દિલ્હી5764
પ. બંગાળ3882
તેલંગાણા3582

...અને આ પાછળ

ગુજરાત1906
રાજસ્થાન1640
મધ્યપ્રદેશ1545
બિહાર336

ટ્રાવેલ પ્રતિબંધોઃ રાજ્યોએ નિયમો કડક કર્યા, આં.રાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવા પુનર્વિચાર કરાશે

કર્ણાટક સહિત અનેક રાજ્યોએ ‘એટ રિસ્ક’ શ્રેણી ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવાના નિર્ણય મુદ્દે પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશથી આવતા પ્રવાસીઓને લગતી મોનિટરિંગ અને ટેસ્ટિંગ ગાઈડલાઈન પણ કડક કરવાના સંકેત આપ્યા છે. જોકે હાલ ભારતમાં જીનોમ સિક્વેન્સિંગમાં પ્રવાસીઓનો રેશિયો ઓછો છે. જે 68 હજાર નમૂના તપાસ્યા છે એમાંથી ફક્ત પાંચ હજાર જ વિદેશથી આવ્યા હતા. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને અલર્ટ રહેવાનું કહ્યું છે.

ભારતમાં હમણાં સુધી ઓમિક્રોન ન હતો
એનસીડીસીએ જૂનાં સેમ્પલ ફરી તપાસીને કહ્યું છે કે અત્યારસુધી ભારતમાં ઓમિક્રોન નહોતો. દ. આફ્રિકાથી બેંગલુરુ આવેલા બે પ્રવાસી પોઝિટિવ આવ્યા હતા. તેમનામાં પણ ઓમિક્રોન નહીં, ડેલ્ટા વેરિયન્ટ હતો.

અન્ય સમાચારો પણ છે...