બે દિવસથી મેઘાલયમાં હિંસા શરુ થઇ છે અને હવે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસાના પગલે મેઘાલયના ગૃહમંત્રી લખમેન રીંબુઈએ રાજીનામુ ધરી દીધું છે. ફાટી નીકળેલી હિંસામાં તોડફોડ કરવામાં આવી રહી છે તો મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના આવાસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ હિંસાની શરૂઆત થવા પાછળનું મુખ્ય કારણ છે મેઘાલયના ઉગ્રવાદી અને આદિવાસીઓના હિતો માટે લડતા ચેસ્ટરફિલ્ડ થાંગખિવનું પોલીસ એન્કાઉન્ટર.
કોણ હતો ચેસ્ટરફિલ્ડ થાંગખિવ?
નાનકડા અને પહાડીઓ પર વસેલા મેઘાલય રાજ્યમાં સૌથી વધારે આદિવાસીઓની વસતિ છે. આ આદિવાસીઓમાં ખાસ કરીને જૈતિયા આદિવાસીઓને પોતાનો હક્ક મળે તે માટે 1987માં હાઇનિટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC) ની સ્થાપના કરવામાં આવી. આ ઉગ્રવાદી સંગઠનના ચેરમેન હતા જુલિયસ ડોરફેંગ, કમાન્ડર ઈન ચીફ હતા બેબી મરવીન અને સરકાર તથા સંગઠન વચ્ચેની કડી હતો થાંગખિવ. સરકાર વિરોધી પ્રવૃત્તિઓના કારણે હાઇનિટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. 2007માં જુલિયસે સરકાર સમક્ષ સરેન્ડર કરી દીધુ હતું પણ થાંગખિવે લડત ચાલુ રાખી હતી.
થાંગખિવે કરાવ્યા હતા અનેક આઈઈડી બ્લાસ્ટ
ચેસ્ટરફિલ્ડ થાંગખિવ ખતરનાક ઉગ્રવાદી મનાતો. પોલીસ પણ પકડી શક્તિ નહોતી. મેઘાલયના જંગલમાં તે છુપાઈને નેટવર્ક ચલાવતો. તેમને શિલોન્ગની ભરબજારમાં આઈઈડી બ્લાસ્ટ કરાવ્યો હતો. આ સિવાય પણ અનેક સ્થળોએ ગોળીબાર અને બ્લાસ્ટ કાર્ય હતા. આઈઈડી બ્લાસ્ટ થાંગખિવે જ કરાવાયા હોવાના પોલીસને સજ્જડ પુરાવા મળ્યા હતા.
પોલીસે થાંગખિવનું એન્કાઉન્ટર કર્યું
પોલીસને ત્રણ દિવસ પહેલા 13 ઓગસ્ટે માહિતી મળી હતી કે, થાંગખિવ તેના મવલાઈ પ્રાંતમાં તેમના ઘરે આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તેને પકડવા પહોંચી હતી. વહેલી સવારે તેના ઘરને ઘેરી લેવામાં આવ્યું. ચાર કોન્સ્ટેબલે તેના ઘરમાં પ્રવેશ કર્યો કે તરત થાંગખિવ એક કોન્સ્ટેબલ પર ચાકૂથી હુમલો કરીને જંગલ તરફ ભાગ્યો ત્યારે પોલીસે ગોળી ચલાવી. થાંગખિવને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો જ્યાં મૃત ઘોષિત કરાયો. થાંગખિવના પરિવારે આરોપ લગાવ્યો કે થાંગખિવની પોલીસે હત્યા કરી છે. આ વાત પ્રસરી જતાં જ મેઘાલયમાં હિંસા શરુ થઇ હતી.
2018માં થાંગખિવે કર્યું હતું આત્મસમર્પણ
ઉગ્રવાદી સંગઠન હાઇનિટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC) પર દબાણ વધતાં 18 ઓક્ટોબર, 2018ના દિવસે ચેસ્ટરફિલ્ડ થાંગખિવે એ સમયના નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ત્યસોન્ગ સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ હતું. તેમને હિરાસતમાં લઇ પોલીસે હથિયારો પણ કબજે કરી લીધા હતા. એ પછી તેને સુધારવાની તક આપવામાં આવી પણ તેણે મેઘાલયમાં આઈઈડી બ્લાસ્ટ કરવાનું શરુ કર્યું હતું.
મેઘાલયનો અર્થ થાય છે "વાદળોનો વાસ"
મેઘાલય એ ભારતનું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. સંસ્કૃતમાં આ નામનો અર્થ "વાદળોનો વાસ" એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે. મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે. મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. ખાસીઓ સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ "પહાડી જાતિ" તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.