• Gujarati News
  • International
  • WHO Said Omicron Is Spreading Like Wildfire Around The World; This Mutation Will Lead To A New Dangerous Variant

કોરોના અંગે ચોંકાવનારું નિવેદન:WHOએ કહ્યું- ઓમિક્રોન દાવાનળની જેમ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે; આનાં મ્યૂટેશનથી નવો જોખમી વેરિયન્ટ આવશે

14 દિવસ પહેલા
ફાઈલ ફોટો.

ઓમિક્રોનના જોખમ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ચોંકાવનારું નિવેદન આપ્યું છે. WHOએ કોરોના વાઇરસના નવા અને અત્યારે એક્ટિવ વેરિયન્ટથી પણ જોખમી પ્રકાર સામે આવશે એવી ચેતવણી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓમિક્રોન જેવી રીતે ફેલાઈ રહ્યો છે, એને જોતાં આ વાઇરસમાં મ્યૂટેશનને કારણે વધુ એક નવું જોખમ સામે આવી શકે છે.

ઓમિક્રોન જ્યારે સૌથી પહેલા દુનિયામાં આવ્યો હતો ત્યારે આ વેરિયન્ટ અંગે ગંભીર સંશોધનો સામે આવ્યાં હતાં, પરંતુ સમય જતાં અત્યારે આનું સંક્રમણ પહેલાંના વેરિયન્ટની તુલનામાં ઓછું ગંભીર જણાઈ રહ્યું છે, જેને પગલે કોરોના મહામારી જલદી સમાપ્ત થઈ જશે અને જીવન સામાન્ય થઈ જશે એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું.

ઓમિક્રોનના વધતા જતા કેસ ચિંતાનો વિષય
WHOએ કહ્યું હતું કે હવે ઓમિક્રોનના વધતા જતા કેસને કારણે કોરોના મહામારી હજુ કેટલા સમય સુધી પોતાનો કહેર વરસાવશે એ અંગે કંઈ કહી શકાય નહીં. અત્યારે જે સ્થિતિ છે એ વધુ વણસી શકે છે. WHOનાં વરિષ્ઠ અધિકારી કેથરીન સ્મોલવુડે સમાચાર એજન્સી AFP સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ઓમિક્રોન સંક્રમણની વધતી ટકાવારી લોકોનાં સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પાડશે. એટલું જ નહીં, ઓમિક્રોન જેટલો જલદી ફેલાશે એટલા એનામાં મ્યૂટેશન થશે અને વધુ જોખમી નવો વેરિયન્ટ પણ સામે આવી શકે છે. આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ જોખમી હશે. ઓમિક્રોનનો મૃત્યુદર ઓછો છે, પરંતુ કોને ખબર નવો વેરિયન્ટ કેટલો જોખમી રહેશે!

કેથરીન સ્મોલવુડનો ફાઈલ ફોટો.
કેથરીન સ્મોલવુડનો ફાઈલ ફોટો.

સ્થિતિ હજુ ચિંતાજનક થઈ શકે છે
WHOના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મહામારીની શરૂઆત પછીથી યુરોપમાં 10 કરોડથી વધુ કોવિડ કેસ નોંધાયા છે અને 2021ના અંતિમ સપ્તાહમાં 50 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. કેથરીન સ્મોલવુડે કહ્યું હતું કે આ સ્થિતિ ચિંતાજનક છે. આપણે અત્યારે કોરોનાના અત્યંત જોખમી પડાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલું જ નહીં, પશ્ચિમી યુરોપમાં સંક્રમણની ટકાવારી ઘણી વધારે સામે આવી રહી છે અને આનો સંપૂર્ણ પ્રભાવ લોકોનાં સ્વાસ્થ્ય પર કેવો રહેશે એ હજુ સ્પષ્ટ નથી.

હોસ્પિટલાઇઈઝેશન ઓછું, પરંતુ જોખમ વધારે- કેથરીન
કેથરીને જણાવ્યું હતું કે અત્યારે આમ જોવા જઈએ તો ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાના આંકડા પહેલાંના વેરિયન્ટની તુલનામાં ઘણા ઓછા છે, પરંતુ આ વેરિયન્ટ જે ગતિએ લોકોમાં ફેલાઈ રહ્યો છે, એનાથી એક નવું જોખમ પણ ઊભું થઈ શકે છે. ઓમિક્રોનના કેસ જો આમ જ વધતા રહ્યા તો ઘણા લોકોમાં ગંભીર સંક્રમણ ફેલાઈ શકે છે અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતાં મૃત્યુઆંક પણ વધી શકે છે.

ઓમિક્રોનના વધતા જતા કેસને પગલે યુરોપમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. બ્રિટનમાં મંગળવારે ઓમિક્રોન સંક્રમણની લહેરને કારણે હોસ્પિટલમાં કર્મચારીની અછત સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ત્યારે એક જ દિવસમાં 2 લાખ કોવિડ પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...