ગાજિયાબાદના મોદીનગરમાં બુધવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી. અહીં સ્કૂલ-બસમાં બેઠેલા ચોથા ધોરણના એક બાળકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીને કારણે બની હતી. રસ્તામાં તેની તબિયત બગડી તો તે બસની બારીમાંથી માથું બહાર કાઢીને ઊલટી કરતો હતો. આ દરમિયાન અચાનક જ ડ્રાઈવરે બસને બેદરકારીથી વળાંક લેતાં બાળકનું માથું લોખંડના ગેટ(એન્ટ્રી ગેટની દીવાલ) સાથે અથડાયું હતું. માર એટલો જોરદાર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ઘટના પછી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
મોદીનગરની સુરત સિટી કોલોનીમાં નીતિન ભારદ્વાજ, પત્ની નેહા, પુત્ર અનુરાગ અને પુત્રી અંજલિ સાથે રહે છે. તેમનો 11 વર્ષીય પુત્ર અનુરાગ ભારદ્વાજ મોદીનગર-હાપુડ રોડ સ્થિત દયાવતી પબ્લિક સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો. અનુરાગ સ્કૂલ-બસથી અવરજવર કરતો હતો.
અચાનક જ બસ ઝડપથી વાળી હતી
બુધવારે સવારે સાત વાગ્યે અનુરાગ સ્કૂલ-બસમાં બેસીને જતો હતો. બસ હાપુડ માર્ગ પર પહોંચી તો અચાનક જ અનુરાગને ઊલટી થવાની શરૂ થઈ ગઈ હતી. અનુરાગ બારીમાંથી માથું બહાર કાઢીને ઊલટી કરતો હતો. આ દરમિયાન ડ્રાઈવરે મોદીપોન પોલીસચોકીની સામે સ્કૂલ તરફ આવતા રોડ પર અચાનક જ બસને ઝડપથી વળાવી હતી. એને કારણે લોખંડન ગેટ સાથે અનુરાગનું માથું ભટકાયું હતું. અનુરાગે જોરથી બૂમ પાડતાં બસ-ડ્રાઈવરે બસને રોકી હતી. જોકે આ ટક્કર જ એટલી જોરદાર હતી કે અનુરાગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
માતા-પિતા દોડતાં-દોડતાં સ્કૂલે પહોંચ્યાં
પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. માતા-પિતા ભાગતાં-ભાગતાં સ્કૂલે પહોંચ્યાં હતાં. તેઓ બાળકનો મૃતદેહ જોઈને જ ભાંગી પડ્યાં હતાં. વાલીએ ડ્રાઈવરની બેદરકારીનો ગુસ્સો સ્કૂલના પ્રિન્સિપાલ પર ઉતાર્યો હતો અને તેમના પર ચપ્પલ ફેંક્યાં હતાં. આ દરમિયાન બચાવ માટે વચ્ચે પડેલા ટીચર્સને પણ તેમણે માર્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને શાંત કર્યા હતા. હાલ પોલીસે પ્રિન્સિપાલને કસ્ટડીમાં લઈ લીધા છે.
સીઓએ કહ્યું- બસ-ડ્રાઈવરની તપાસ ચાલુ
મોદીનગરના સીઓ સુનીલ કુમાર સિંહે કહ્યું હતું કે બસને વળાવતી વખતે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. બસ-ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.