બ્લ્યૂ વેરિફાઈડ બેજ. એટલે કે, બ્લ્યૂ ટિક. ટ્વિટર અકાઉન્ટ પર દેખાતી આ બ્લ્યૂ ટિક ચર્ચામાં છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને RSS પ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના અનેક નેતાઓના ટ્વિટર અકાઉન્ટ પરથી આ બ્લ્યૂ ટિક અચાનક હટી ગઈ અને વિવાદ થતાં ગણતરીના કલાકોમાં રિસ્ટોર થઈ ગઈ. આ સમયે એ સમજવું છે કે, કેવા સંજોગોમાં કંપની બ્લ્યૂ ટિક હટાવે છે?
બ્લ્યૂ ટિક હટાવવાના નિયમ શું છે?
જો કોઈ અકાઉન્ટ લાંબા સમયથી એક્ટિવ ન હોય તો કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે. પોલિસી મુજબ કંપની નોટિસ વગર પણ બ્લ્યૂ ટિક હટાવી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સરકારી હોદ્દા પર હોય અને આ સમયે અકાઉન્ટ વેરિફાય કર્યું હોય અને જ્યારે તે જ વ્યક્તિ હોદ્દા પરથી જાય ત્યારે વેરિફિકેશન હટાવી શકાય છે. જો કોઈ અકાઉન્ટથી વારંવાર ટ્વિટર પોલિસીનો ભંગ થતો હોય તો કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે. જો કોઈ વ્યક્તિ બાર ડિસ્પ્લે નેમ, બાયો અને પ્રોફાઈલ ફોટો બદલીને લોકોને ભ્રમિત કરતાં હોય ત્યારે પણ કંપની બ્લ્યૂ ટિક હટાવી શકે છે. મહત્ત્વનું છે કે, પોલિસીના નિયમ ભંગના કિસ્સામાં બ્લ્યૂ ટિક હટાવવાની પ્રક્રિયા ઓટોમેટિક થતી નથી.
નાયડુ, ભાગવતે ક્યારે ટ્વિટ કર્યું?
આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી છેલ્લું ટ્વિટ 23 જુલાઈ 2020ના રોજ એટલે કે લગભગ 11 મહિના પહેલા થયું હતું. જ્યારે RSS પ્રમુખ મોહન ભાગવતે અત્યાર સુધીમાં ક્યારેય ટ્વિટ કર્યું જ નથી. ભાગવત વર્ષ 2019થી ટ્વિટર અકાઉન્ટ ધરાવે છે. જો કે તેની સામે પ્રણવ મુખરજી, અહેમદ પટેલ, ઋષિ કપુર અને ઈરફાન ખાન જેવા દિવંગત નેતા અને અભિનેતાના ટ્વિટર અકાઉન્ટ પર હજુય બ્લ્યૂ ટિક છે.
બ્લ્યૂ ટિક હટાવવાનો મતલબ શું?
બ્લ્યૂ ટિક હટાવવાનો મતલબ છે કે, કંપનીએ એ અકાઉન્ટને અનવેરિફાય કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.