સરકારનો મોટો નિર્ણય:સતત વધતી કિંમતો વચ્ચે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંની ખરીદી લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી થઈ છે.

ઘઉંની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે, સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઘઉંને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશની ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. તેમજ પડોશી દેશો અને ગરીબ દેશોને ટેકો આપવા માટે પણ આવું કરવું જરૂરી હતું. આ દરમિયાન, અમે તમને જણાવી દઈએ કે જે દેશોને પહેલાથી જ તેની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેઓ તેની નિકાસ કરવાનું ચાલુ રાખશે.

ઘઉંની ખરીદી લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી થઈ છે
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ 13 મેના રોજ જારી એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ નોટિફિકેશની તારીખ કે તે પહેલા જે માલસામાન માટે લેટર્સ ઓફ ક્રેડિટ (એલઓસી) જારી કરવામાં આવ્યા છે, તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવમાં ભારે વધારો થયો છે. ભારતમાં પણ સ્થાનિક સ્તરે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં સરકારી ખરીદીની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે. અને ઘઉંની ખરીદી લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી થઈ છે. તેનું કારણ એ છે કે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા વધારે ભાવ બજારમાં મળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંની કિંમતમાં મોટો વધારો થયો છે
જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંની કિંમત 40 ટકાથી વધુનો વધારો થયો છે, જેના કારણે ઘઉંની નિકાસ વધી છે. તેને અનુલક્ષીને સ્થાનિક સ્તરે વધતી માંગ વચ્ચે ઘઉં અને ઘઉંના લોટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધી લોટના ભાવમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે. તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે, DGFTએ અન્ય એક સૂચનામાં જણાવ્યું હતું કે ડુગળીના બિયારણની નિકાસ નીતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી મર્યાદિત શ્રેણીમાં રાખવામાં આવેલ છે. અહીં જણાવી દઈએ કે અગાઉ ડુંગળીના બીજની નિકાસ પણ પ્રતિબંધિત શ્રેણીમાં હતી.

અન્ય સમાચારો પણ છે...