• Gujarati News
  • National
  • What's Going On In Muzaffarnagar, The Stronghold Of The Tikait Brothers, And Baghpat, The Region Of Ralod?

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી - 2022:ટિકૈત બંધુઓના ગઢ મુઝફ્ફરનગર અને રાલોદના ક્ષેત્ર બાગપતમાં શું ચાલી રહ્યું છે?

નવી દિલ્હી/મેરઠ/મુઝફ્ફરનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો રદ થવાનો સંતોષ, શેરડીની ચૂકવણી, રખડતાં પશુઓ મોટો મુદ્દો
  • 38% મુસ્લિમ વસતી મોટું ફેક્ટર, ભાજપે હિજરતને મુદ્દો બનાવ્યો

દિલ્હીથી યમુનોત્રી માર્ગ પર યુપીનો પહેલો જિલ્લો છે બાગપત. અહીંની છપરોલી બેઠકથી 1936માં ચૌ.ચરણ સિંહ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને પછી વડાપ્રધાન બન્યા પણ 2017માં તેમના દીકરા અજિત સિંહ ભાજપની લહેરને પારખી ના શક્યા. તે હવે દુનિયામાં નથી અને રાલોદની કમાન તેમના દીકરા જયંત સંભાળી રહ્યા છે જેમને ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતના અશ્રુઓમાં રાજકીય જમીન સિંચવાની જલધારા દેખાઈ રહી છે. સપા સાથે ગઠબંધન કરી તેમણે ભાજપ વિરોધી તાકાતોને એકજૂટ કરવા પ્રયાસ કર્યો પણ શું કાયદો રદ કરાયા બાદ ખેડૂત આંદોલનની અસર ચૂંટણી પર જોવા મળશે?

વૃદ્ધ ખેડૂત ચંદ્રવીર તોમર કહે છે કે આંદોલનને કેવી રીતે ભૂલી શકીએ. ચૌધરી સાહેબના પૌત્ર જયંતને એટલી તાકાત આપવી જ પડશે કે ખેડૂતોના અવાજમાં દમ જળવાઈ રહે. પણ છપરોલી વળાંક પર વરસાદ વચ્ચે ખેતરમાં પાવડો ચલાવી રહેલા યશપાલ ધામા ખેડૂત આંદોલનની કોઈ અસર થશે તેવું માનતા જ નથી. કહે છે કે કાયદાનો અંત આવી ગયો, વાત ખત્મ. નારાજ રહેશે તો વિકલ્પ શું છે? તે માને છે કે આંદોલન બાદ ભાજપ માટે પડકાર જરૂર છે પણ નારાજગી પોલિંગ સુધી દૂર થઈ જશે. કોચિંગ સેન્ટરની બહાર ઊભેલા સંજીવ તોમર નોકરીઓ ન મળતા નિરાશ છે અને સમાજમાં ધર્મના આધારે વિભાજન અને ભ્રષ્ટાચારથી ચિંતિત દેખાય છે. કહે છે કે આટલા એન્કાઉન્ટર બાદ પણ ગુનાખોરી ક્યાં બંધ થઈ રહી છે? જ્યારે તેમની સામે ઊભેલો સુમિત કહે છે કે 5 વર્ષમાં યુપીમાં વહુ, દીકરીઓ પર કોઈએ બદ નજર નથી નાખી. અપરાધીઓને દંડિત કરાયા, તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓના વશની વાત નહોતી. પણ એક ક્રેશર પર હુક્કો પી રહેલા ચૌધરી જબર સિંહ મોંહથી ઊડતા ધૂમાડા તરફ ઈશારો કરી કહે છે કે આ વખતે હવા પલટી રહી છે પણ યશવીર માટે ખેતરોમાં ઘૂસી પાક નષ્ટ કરી દેનારા રખડતા અને જંગલી પ્રાણીઓ એક મોટી સમસ્યા છે.

તે યાદ અપાવે છે કે શેરડીના ભાવ 5 વર્ષમાં ફક્ત 25 રૂપિયા વધ્યા, ખેડૂતોને શું મળ્યું? જય સિંહ માને છે કે પરિવર્તન તો થશે પણ તેમ છતાં સુરક્ષા અને અપરાધ તો મુદ્દો જ રહેશે. મેરઠના કિઠૌરમાં એક ગોળ બનાવતા મજૂર શફીકને લાગે છે કે મોંઘવારીએ મજૂરોને મારી નાખ્યા છે. સિલિન્ડર તો મળ્યું પણ તેને ભરાવીએ ક્યાં? દરેક વસ્તુ મોંઘી છે અને કામ ધંધો ચાલતો નથી. મહાવીર કહે છે કે હાલ માહોલ બદલાશે અને બહેનજી ચૂંટણીમાં જોરદાર એન્ટ્રી કરશે.

ખેડૂતોના ગઢ મેરઠમાં સોતીગંજની ચર્ચા ખેડૂતોના મુદ્દા પર હાવી
બાગપતના મેરઠમાં પ્રસિદ્ધ કઢાઈની દૂધની દુકાન પર બેસેલા સંજીવને લાગે છે કે 5 વર્ષમાં કોઈ ગુનો નથી બન્યો પણ હાજી નસીમ યાદ અપાવે છે કે લૂંટની ઘટનાઓ તો હજુ પણ બની રહી છે. મેરઠના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત આંદોલનની અસર ભાજપની ધડકન પણ વધારી રહી છે. અહીં વિરોધીઓ અવાજ ઊઠાવે તો સમર્થકો સ્મિત કરીને કહે છે કે સમય સાથે બધુ ઠીક થઈ જશે. મેરઠ કોલેજના પ્રોફેસર ડૉ. સતીશ પ્રકાશ કહે છે કે હાથીની ચાલ કોઈપણ સમયે બાજી પલટી શકે છે.

મુઝફ્ફરનગર : ટિકૈત બંધુઓના ગઢમાં જાટ-મુસ્લિમ સમીકરણ તથા ખેડૂતો મુદ્દો

દિલ્હીથી દહેરાદૂન જનારા હાઈવે પર મેરઠ બાદ ખેડૂતોનો સૌથી પ્રભાવશાળી જિલ્લો છે મુજફ્ફરનગર, જ્યાં 2013ના રમખાણો બાદ 2014ની લોકસભા, 2017ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી દીધો. તેનાથી અલગ કરી શામલી જિલ્લો પણ બનાવ્યો. બંને જિલ્લામાં આશરે 38 ટકા મુસ્લિમ વસતી પણ ભાજપની આંધીમાં અપ્રભાવી થઈ ગઈ હતી. ટિકૈત બંધુઓ ઉપરાંત જાટોમાં ભાજપનો મોટો ચહેરો ડૉ. સંજીવ બાલિયાન મુજફ્ફરનગરથી છે તો યોગીના શેરડી મંત્રી સુરેશ રાણા શામલી જિલ્લાના થાના ભવનથી સીટથી આવ્યા છે. રમખાણો બાદ બગડેલા જાટ-મુસ્લિમ સમીકરણ ભાજપ માટે સંજીવની બન્યો હતો જે ખેડૂત આંદોલનના બહાને ફરીથી બની ગયું છે.

અસલ પરીક્ષાની ઘડી આ સમીકરણો અને ખેડૂત આંદોલનની અસરની છે. સિસૌલીના વૃદ્ધ ઈસમ સિંહ કહે છે કે ચૂંટણી નજીક જોઈ કાયદો પાછો ખેંચાયો. આંદોલન દરમિયાન 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો, તેમને બચાવી શકાયા હોત. વીજળીનો રેટ અડધો કરવો ચૂંટણી સ્ટંટ છે. રાજકીય પક્ષોને ખેડૂતોથી કોઈ લેવા દેવા નથી. પણ ભાજપ તેમાં પહેલા ક્રમે છે. જોકે ભાૈરાકલાં ગામના રાજદીપ બાલિયાન માને છે કે ખેડૂત આંદોલનની અસર નથી. ભાજપે કાયદો વ્યવસ્થા પર કામ કર્યું છે. અપરાધ ઘટ્યો છે. દરેક વસ્તુના બે પાસા હોય છે. વિપક્ષ 2017ની તુલનાએ મજબૂત છે પણ ભાજપ આગળ છે. ખેડૂત આંદોલનનો ગુસ્સો હજુ પણ છે.

મોંઘવારી પણ મુદ્દો છે. મુજફ્ફરનગર અને શામલીમાં ખેડૂત વિરોધીઓને એક સીટ પણ મળી જાય તો ગનીમત છે. શામલીમાં પણ આ વખતે લોકો અલગ મુદ્દા પર વાત કરી રહ્યા છે. ભાજપ જ્યાં રમખખાણો અને કૈરાનાથી હિજરતની યાદ અપાવી રહ્યો છે ત્યાં વિપક્ષી દળો રાજકીય ભાઈચારાનો માર્ગ બનાવી રહ્યા છે. થાનાભવનના રાવ આજે પણ શેરડીની બાકી ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે. તે કહે છે કે અમારા વિસ્તારના શેરડી મંત્રી પણ અમારા જ જિલ્લાની ખાંડની મિલો ગત વર્ષની ચૂકવણી દબાવીને બેઠી છે.

યશવીર ગુર્જર તો એટલી હદે નારાજગી વ્યક્ત કરે છે કે ચૂંટણી છતાં ખેડૂતોને શેરડીના બાકીના લેણાની ચૂકવણીની યાદ નથી અપાવાઈ રહી. અહીં કૈરાનામાં વેપારી વર્ગ એક સૂરમાં યોગીના ગુણગાન કરે છે. અહીં અમુક દિવસો પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિજરત બાદ પાછા ફરેલા અમુક પરિવારોને જઈને મળ્યા હતા.

હાથીના મૌનથી દલિતો મૂંઝવણમાં, ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર ચર્ચામાં
સહારનપુર, મુજફ્ફરનગર, મેરઠ અને શામલીના દલિતો મુંઝવણમાં છે. દલિત ચિંતક રામકુમાર કહે છે કે આ બેચેની બહેનજીના ખામોશ રહેવાથી છે પણ બસપા આંદોલનનું રાજકારણ નથી કરતી. જે દિશામાં હાથી ગરજશે, દલિત એ જ દિશામાં ચાલશે પણ સહારનપુરના પિંજોરા ગામમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરના રાજકીય દળ આઝાદ સમાજ પાર્ટીને લઈને પણ લોકો ઉત્સાહિત છે. પણ રાજકીય સમીક્ષકો માને છે કે દલિતોમાં રાજકીય જાગૃકતાનો લાભ હંમેશા બસપાને મળ્યો છે.અન્ય સમાચારો પણ છે...