• Gujarati News
  • National
  • What Will Be The Cost Of Covishield Covacin Once Approved? How Much Is The Service Charge?

શું હશે કોવેક્સિન-કોવિશિલ્ડની કિંમત:માર્કેટ અપ્રૂવલ પછી 275 રૂપિયામાં એક ડોઝ મળી શકે છે, 150 રૂપિયા સર્વિસ ચાર્જ પણ લાગશે

4 મહિનો પહેલા
  • SIIએ 25 ઓક્ટોબરે કોવિશિલ્ડને માર્કેટમાં ઉતારવાની મંજૂરી માગી હતી
  • ભારત બાયોટેકે પણ કોવેક્સિન માટે નિયમિત મંજૂરીની માગ કરી હતી

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની અસર ઓછી કરવા માટે કોરોના વેક્સિનનું યોગદાન મહત્વનું રહ્યું છે. વેક્સિન બનાવનારી બંને કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અને ભારત બાયોટેકે હવે DCGI પાસે પોતાની વેક્સિનને રેગ્યુલર માર્કેટમાં વેચવા માટે મંજૂરી માગી છે. એટલે કે કંપનીઓ હવે પોતાની વેક્સિન ડાયરેક્ટ માર્કેટમાં ઉતારવા માગે છે. જો કે આ વેક્સિનની ખુલ્લાં બજારમાં શું કિંમત હશે, તેને લઈને પણ અવઢવ ચાલી રહી છે. આ વચ્ચે સરકારી સૂત્રોએ વેક્સિનના ભાવને લઈને કેટલાંક ખુલાસાઓ કર્યાં છે.

શું હોય શકે છે વેક્સિનની કિંમત?
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કોવિશિલ્ડ અને કોવેક્સિનને માર્કેટમાં ઉતારવાની મંજૂરી પછી તેની કિંમત 275 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી થઈ શકે છે. જો કે વેક્સિનના ડોઝ પર 150 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે. એટલે કે વેક્સિન ડોઝની કિંમત ઓપન માર્કેટમાં 425 રૂપિયાની આસપાસ રહેશે તેવી શક્યતા છે.

સામાન્ય લોકોને પરવડે તેવી કિંમત રાખવામાં આવે- NPPA
NPPAને એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે વેક્સિન સામાન્ય લોકો માટે અફોર્ડેબલ રહે તે માટે તેની કિંમત નક્કી કરવામાં આવે. હાલના સમયમાં ખાનગી હોસ્પિટલમાં કોવેક્સિનના એક ડોઝની કિંમત 1200 રૂપિયા અને કોવિશિલ્ડના પ્રતિ ડોઝની કિંમત 780 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ સામેલ છે. બંને વેક્સિનને હાલ દેશમાં ઈમરજન્સી યુઝની મંજૂરી મળી છે. એટલે કે હાલ તેને માર્કેટમાંથી ખરીદીને લઈ ન શકાય. આ વેક્સિન માત્ર હોસ્પિટલ અને નક્કી કરાયેલા વેક્સિન કેન્દ્ર પર જ લગાડવામાં આવે છે.

CDSCOએ બંને વેક્સિનને માર્કેટમાં ઉતારવાની ભલામણ કરી હતી
કેન્દ્રીય ઔષધી માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની કોરોના મામલા પર બનેલી વિશેષજ્ઞ સમિતિએ 19 જાન્યુઆરીએ કેટલીક શરતોની સાથે વયસ્ક વસતિ માટે કોવિશિલ્ડ અને કોવેક્સિનને નિયમિત રૂપે માર્કેટમાં ઉતારવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 25 ઓક્ટોબરે ભારતના ઔષધિ મહાનિયંત્રકને એક આવેદન આપ્યું હતું. જેમાં કોવિશિલ્ડને માર્કેટમાં ઉતારવાની મંજૂરી માગવામાં આવી હતી. થોડાં સપ્તાહ પહેલાં ભારત બાયોટેકે પણ કોવેક્સિન માટે નિયમિત મંજૂરીની માગ કરતા ક્લીનિક ડેટાની સાથે સાથે નિર્માણ અને નિયંત્રણ સંબંધી સંપૂર્ણ જાણકારી રજૂ કરી હતી. કોવેક્સિન અને કોવિશિલ્ડને ગત વર્ષે 3 જાન્યુઆરીએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

દેશમાં વેક્સિનેશનની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોવિડ-19 વેક્સિનેશનનો આંકડો 163.49 કરોડને પાર પહોંચી ગયો છે. 15-18 વર્ષની ગ્રુપના 50%થી વધુ યુવાનોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાડવામાં આવ્યો છે. 50 લાખથી વધુ વૃદ્ધો, હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...