• Gujarati News
  • National
  • What Is The Relationship Between Modi Adani I Keep Asking The Question; Can't Stop My Voice

રાહુલે કહ્યું- સાવરકર નહીં, હું ગાંધી છું, માફી નહીં માગું:મોદી અને અદાણી અંગે સવાલ પૂછતો રહીશ, સભ્યપદ છીનવીને ડરાવી નહીં શકો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'બધા ચોરોની અટક મોદી કેમ હોય છે...', રાહુલના આ નિવેદનને લગતા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ગુરુવારે બપોરે 12.30 વાગ્યે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી, પરંતુ 27 મિનિટ બાદ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. સજાના 26 કલાક પછી શુક્રવારે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 23 કલાક પછી શનિવારે રાહુલ પ્રિયંકા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને 28 મિનિટ સુધી મીડિયા સાથે વાત કરી હતી.

ભારતમાં લોકશાહી જોખમમા છે...રાહુલે આ લાઈનની સાથે પ્રેસ-કોન્ફરન્સની શરૂઆત કરી હતી. આ પછી તેમણે પૂછ્યું- અદાણી અને મોદીનો સંબંધ શું છે? તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકશાહી પર વાત કરી અને કહ્યું, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે....આ નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. રાહુલે પ્રેસ-કોન્ફરન્સમાં 16 વખત મોદીજી, 9 વખત વડાપ્રધાન અને 38 વખત અદાણીનું નામ લીધું હતું તેમજ આગળનું પ્લાનિંગ પણ જણાવ્યું હતું.

સંસદસભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ પાર્ટી હેડ ક્વાર્ટરમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. રાહુલે કહ્યું- મંત્રીઓએ ખોટા આરોપો લગાવ્યા. જ્યારે સ્પીકરને પૂછવામાં આવ્યું તો તેમણે પણ હસીને કહ્યું - હું કંઈ કરી શકતો નથી.

રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેં સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું છે. આ રૂપિયા કોના છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે મેં સંસદમાં કહ્યું હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને મેં તેમને પુરાવા પણ આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે તમે મારી ભારત જોડો યાત્રા દરમિયાનની મારી કોઈપણ સ્પીચ જોઈ લો. હું કહી રહ્યો છું કે બધા સમાજ એક છે. સૌને સાથે લઈને ચાલવું જોઈએ. ભાઈચારો હોવો જાઈએ. નફરત, હિંસા નહીં. આ OBCનો મામલો નથી, આ નરેન્દ્ર મોદીજી અને અદાણીજીનો સંબંધનો મામલો છે.

રાહુલે વધુમાં કહ્યું હતું કે સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? મેં સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મેળવેલા પુરાવા પણ આપ્યા હતા. અદાણીજી અને મોદીજીના સંબંધ બાબતે કહ્યું હતું. આ સંબંધો નવા નથી, ઘણા જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતમા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી સંબંધો છે. મેં તેમનો વિમાનમાં પ્રવાસનો ફોટો પણ બતાવ્યો હતો. નરેન્દ્ર મોદીજી પોતાના મિત્રની સાથે આરામથી બેઠેલા હતા. મેં એ ફોટો સંસદમાં પણ બતાવ્યો હતો.

હું જેલમાં જવાથી પણ ડરતો નથી
રાહુલે કહ્યું હતું કે મેં સંસદમાં અદાણીકૌભાંડ મામલે પત્ર લખ્યો હતો, પરંતુ કશું જ કરવામાં આવ્યું નહીં. કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતોની મદદ લીધી છે, એવું કશું જ નથી. મેં અનેક વખત પત્ર લખ્યા, પણ કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહીં.
મેં અધ્યક્ષને પણ જણાવ્યું હતું કે મને બોલવા દેવામાં આવતો નથી. આ બાબતે અધ્યક્ષે પણ એવું કહ્યું કે હું કશું જ કરી શકીશ નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે હું જેલમાં જવાથી પણ ડરતો નથી. હું આગળ પણ મોદીજીને પૂછતો રહીશ કે 20 હજાર કરોડ રૂપિયા કોના છે.

હું દેશ માટે લડતો રહીશઃ રાહુલ
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તોપણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં એનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.

ગાંધી ક્યારેય માફી નથી માગતા... હું સાવરકર નથી
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. આ બાબતે તેમણે કહ્યું- મને સમર્થન કરવા માટે હું વિપક્ષની તમામ પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન પર તેમણે કહ્યું- મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી ક્યારેય માફી નથી માગતા.

રાજનીતિ મારા માટે ફેશનનો વિષય નથી, મારા માટે તપસ્યા છેઃ રાહુલ
રાજનીતિ મારા માટે ફેશનનો વિષય નથી. સાચું બોલવું એ મારા માટે નવી વાત નથી. આ મારા જીવનની તપસ્યા છે. ભલે મને અયોગ્ય ઠેરવે. મને મારે, જેલમાં નાખે, પણ હું મારી તપસ્યા કરતો જ રહીશ. આ દેશે મને પ્રેમ આપ્યો છે. માટે મારે દેશ માટે પણ આ બધી બાબતનો સામનો કરવો જ પડશે.

આ પહેલાં પ્રિયંકા ગાંધી રાહુલ સાથે પાર્ટી ઓફિસ પહોંચ્યાં હતાં. આ દરમિયાન કાર્યકરો નારા લગાવતા જોવા મળ્યા હતા. પ્રેસ-કોન્ફરન્સમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, અભિષેક મનુ સિંઘવી, જયરામ રમેશ અને વેણુગોપાલ હાજર રહ્યા છે.

ગિરિરાજે કહ્યું- લાલુજીએ રાહુલને શ્રાપ આપ્યો હતો
આ પહેલાં રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવા મામલે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું નિવેદન સામે આવ્યું હતું. ગિરિરાજે કહ્યું, 'જ્યારે ચારાકૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદનું સભ્યપદ રદ થવાનું હતું. એ સમયે રાહુલ લાલુને મળ્યા નહોતા. રાહુલે ત્યારે આવા કેસમાં અપીલની જોગવાઈ સાથે સંબંધિત વટહુકમને ફાડી નાખ્યો હતો. એ સમયે લાલુજીએ રાહુલને શ્રાપ આપ્યો હતો.

યૂથ કોંગ્રેસ પણ આજે દેશભરમાં જુદાં જુદાં સ્થળે પ્રદર્શન કરશે. આ સિવાય કોંગ્રેસે સોમવારથી દેશભરમાં બંધારણ બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની રણનીતિ માટે મલ્લિકાર્જુન ખડગે આજે મહત્ત્વની બેઠક પણ કરશે. એમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે.

ગિરિરાજ જે વટહુકમની વાત કરી રહ્યા છે, રાહુલે એને 2013માં ફાડ્યો હતો

રાહુલ ગાંધીએ વટહુકમની કોપી ફાડી નાખી હતી.
રાહુલ ગાંધીએ વટહુકમની કોપી ફાડી નાખી હતી.

2013માં જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે જો સાંસદ/ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેનું સભ્યપદ તાત્કાલિક અસરથી સમાપ્ત થઈ જશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે મનમોહન સરકાર વટહુકમ લાવી હતી, જેથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય બિનઅસરકારક બની જાય.

24 સપ્ટેમ્બર, 2013ના રોજ કોંગ્રેસ સરકારે વટહુકમના ખૂબીઓ બતાવવા માટે એક પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી. આ જ પ્રેસ-કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પહોંચ્યા અને જણાવ્યું હતું કે આ વટહુકમ બકવાસ છે અને એને ફાડીને ફેંકી દેવો જોઈએ. તેમણે વટહુકમની કોપી ફાડી નાખી હતી. એ પછી આ વટહુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

લોકસભાની વેબસાઇટ પરથી રાહુલનું નામ હટાવાયું
રાહુલનું સંસદસભ્યપદ શુક્રવારે રદ કરી દેવામાં આવ્યું. લોકસભા સચિવાલયે પત્ર જાહેર કરીને આ અંગેની જાણકારી આપી હતી, સાથે જ લોકસભાની વેબસાઈટ પરથી રાહુલનું નામ હટાવી દીધું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. 2019માં રાહુલે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.

અમેઠીમાં ચાલી રહી હતી રાહુલને ચૂંટણી લડાવવાની તૈયારી
કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને ફરી 2024ની ચૂંટણી અમેઠીથી લડાવવાની તૈયારી કરી રહી છે. રાહુલ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રાજેશ તિવારી સતત અમેઠીના ગામડાંમાં ફરી રહ્યા છે અને પ્રધાનો અને બ્લોક પ્રમુખો સાથે બેઠકો કરીને રાહુલની ચૂંટણી લડવા માટેની રણનીતિ બનાવી રહ્યા છે, પરંતુ જો તેમને હાઈકોર્ટમાંથી રાહત નહીં મળે તો બે વર્ષની કેદ અને પછી 6 વર્ષ માટે ગેરલાયક ઠરવાને કારણે તેઓ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

અમેઠીમાં કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગત વખતે પોતાના ખાસ લોકોના કારણે ચૂંટણી હારી ગયા હતા, પરંતુ આ વખતે તેઓ જો લડશે તો ચોક્કસ જીતશે. જ્યાં સુધી રાહુલની ચૂંટણી લડવાની વાત છે તેઓ 2024ની ચૂંટણી અમેઠીથી જ લડશે. અમે તૈયારીઓમાં વ્યસ્ત છીએ. અમે નક્કી કર્યું છે કે અમે જ્યાં પણ હોઈશું, અમે સરકાર સામે વિરોધ કરીશું. 'રઘુપતિ રાઘવ રામ' ગાઇને નિર્ણયનો વિરોધ કરીશું.

જયરામે કહ્યું- આ સમજીવિચારીને કરેલું કાવતરું છે
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવું એ સુનિયોજિત કાવતરું છે. 7 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે લોકસભામાં ભાષણ આપ્યું હતું. ભાષણના 9 દિવસ પછી 16 ફેબ્રુઆરીએ તેમની સામેના માનહાનિના કેસમાં ફરિયાદીએ હાઈકોર્ટમાંથી સ્ટે પાછો ખેંચી લીધો હતો. 27 ફેબ્રુઆરીએ 1 વર્ષ પછી ફરી ચર્ચા શરૂ થઈ. 17 માર્ચે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને 23 માર્ચે સજાની જાહેરાત કરવામાં આવી હતી. શું આ માત્ર સંયોગ છે?

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે આપણી રગોમાં શહીદોનું લોહી છે, જે આ દેશ માટે વહ્યું છે. અમે મક્કમ થઈને લડાઈ લડીશું, અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ અદાણી-મોદી સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. સરકાર આનો જવાબ આપવા માગતી નથી. રાહુલ સામેની કાર્યવાહી આ સવાલનું પરિણામ છે.

લોકસભા સચિવાલયે આ પત્ર જાહેર કર્યો છે...

હવે આગળ શું, 3 મહત્ત્વના પોઈન્ટ
1. લીગલ એક્સપર્ટ અનુસાર, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદીય સીટ વાયનાડને ખાલી જાહેર કરી છે. ઈલેક્શન કમિશન હવે આ સીટ પર ચૂંટણીની જાહેરાત આપી શકે છે. દિલ્હીમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા પણ કહેવામાં પણ આવી શકે છે.

2. જો રાહુલ ગાંધીની સજાનો ચુકાદો ઉપરી અદાલત યથાવત્ રાખે છે તો તેઓ આવવારાં 8 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. 2 વર્ષની સજા ભોગવ્યા પછી તેઓ છ વર્ષ માટે અયોગ્ય રહેશે.

3. રાહુલ ગાંધી હવે સુરત કોર્ટના ચુકાદાને પડકારી શકે છે. કોંગ્રેસે એ કાર્યવાહીની કાયદેસરતા પર પણ સવાલ ઉઠાવ્યા છે કે ચૂંટણીપંચ સાથે પરામર્શ કરીને માત્ર રાષ્ટ્રપતિ જ સાંસદને ગેરલાયક ઠેરવી શકે છે.

રાહુલ ગાંધીની ટીમ હવે સુરત કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. જો સુરત કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલને ત્યાં સ્વીકારમાં નહીં આવે તો સીધા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. સુરત કોર્ટના ચુકાદા સામે રાહુલને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

આ તસવીર સુરત એરપોર્ટની છે. સજા સંભળાવ્યા પછી રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા હતા.
આ તસવીર સુરત એરપોર્ટની છે. સજા સંભળાવ્યા પછી રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા હતા.

હવે જાણીએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ કેમ રદ થયું
2019 લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું, 'ચોરોની સરનેમ મોદી છે. તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે, ભલે તે લલિત મોદી હોય કે નીરવ મોદી.'

આ પછી સુરત પશ્ચિમના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીએ અમારા આખા સમાજને ચોર કહ્યા છે અને આ અમારા સમાજની માનહાનિ છે. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. છેલ્લી વખતે ઓક્ટોબર 2021માં કોર્ટમાં હાજર થયા હતા એ દરમિયાન તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

રાહુલ આજે સવારે પણ લોકસભા પહોંચ્યા હતા, અહીં તેમણે અદાણી મુદ્દે વાત કરી હતી.
રાહુલ આજે સવારે પણ લોકસભા પહોંચ્યા હતા, અહીં તેમણે અદાણી મુદ્દે વાત કરી હતી.

રાહુલ ગાંધી પર માનહાનિના 4 અન્ય કેસ ચાલી રહ્યા છે, જેના પર ચુકાદો બાકી

1. 2014માં રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. એક સંઘ કાર્યકર્તાએ રાહુલ પર IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના ભિવંડી કોર્ટમાં ચાલી રહ્યો છે.

2. 2016માં રાહુલ ગાંધી વિરુદ્ધ આસામના ગુવાહાટીમાં કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદકર્તા અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 16મી સદીના આસામના વૈષ્ણવ મઠ બરપેટા સતરામાં સંઘ સભ્યોએ તેમને પ્રવેશ આપવા દીધો નહોતો. આનાથી સંઘની છાપ બગડી હતી. આ કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.

3. 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ ઝારખંડની રાજધાની રાંચીમાં એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ રાંચીની સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. રાહુલ વિરુદ્ધ IPC ધારા 499 અને 500 હેઠળ 20 કરોડ રૂપિયાની માનહાનિ કેસ દાખલ છે. આમાં રાહુલના એ નિવેદન પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં તેમણે 'મોદી ચોર છે' કહ્યું હતું.

4. 2018માં જ રાહુલ ગાંધી પર મહારાષ્ટ્રમાં એક માનહાનિનો કેસ દાખલ થયો હતો. આ કેસ મઝગાંવ સ્થિત શિવરી કોર્ટમાં દાખલ છે. રાહુલ પર આરોપ છે તે તેમણે ગૌરી લંકેશની હત્યાને BJP અને સંઘની વિચારધારા સાથે જોડી.

હવે જાણો કયા કયા નેતાઓને સદસ્યતા ગુમાવવી પડી...

લાલુ યાદવ: ઘાસચારા કૌભાંડ બાદ સંસદનું સભ્યપદ ગુમાવ્યું

લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી અને દેશના રેલવેમંત્રી રહી ચૂક્યા છે.
લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી અને દેશના રેલવેમંત્રી રહી ચૂક્યા છે.

વર્ષ 2013માં ચારા કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ યાદવને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી તેમના સાંસદ ગયા હતા તેમજ લાલુ સજા પૂરી થયાનાં 6 વર્ષ સુધી ચૂંટણી લડી શક્યા નથી.

રશીદ મસૂદ: MBBS સીટ કૌભાંડમાં 4 વર્ષની સજા બાદ સંસદસભ્યપદ ગુમાવ્યું

રશીદ મસૂદને કોંગ્રેસે યુપીમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા.
રશીદ મસૂદને કોંગ્રેસે યુપીમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા.

કોંગ્રેસના સાંસદ રશીદ મસૂદે MBBS સીટ કૌભાંડમાં તેમની સભ્યતા ગુમાવી દીધી છે. કાઝી રશીદ કોંગ્રેસમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા. કોંગ્રેસે તેમને યુપીથી રાજ્યસભામાં મોકલ્યા હતા. જ્યારે રાજ્યસભાના સાંસદ હતા, ત્યારે તેઓ MBBS સીટ કૌભાંડમાં દોષી સાબિત થયા હતા. કોર્ટે તેને 2013માં ચાર વર્ષની સજા સંભળાવી હતી.

અશોક ચંદેલ આજીવન કારાવાસ ભોગવીને વિધાનસભામાં ગયા
હમીરપુરના ભાજપના ધારાસભ્ય અશોક કુમાર સિંહ ચંદેલની સદસ્યતા વર્ષ 2019માં લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ જતી રહી હતી. 19 એપ્રિલ 2019ના રોજ હાઈકોર્ટે તેમને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.

કુલદીપ સેંગરઃ આજીવન કેદ બાદ વિધાનસભાનું સભ્યપદ ખતમ
ઉન્નાવમાં એક સગીરા સાથે સામૂહિક બળાત્કારના કેસમાં બાંગરમાઉના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દોષિત ઠેરવ્યા બાદ તેમની વિધાનસભાનું સભ્યપદ ખતમ કરી હતી. સજાની જાહેરાતના દિવસથી એટલે કે 20 ડિસેમ્બર 2019ના રોજથી જ વિધાનસભાના મુખ્ય સચિવ દ્વારા તેમનું સભ્યપદ સમાપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

અબ્દુલ્લા આઝમ: 2 વર્ષની સજા બાદ વિધાનસભામાં ગયા
આ વર્ષે ફેબ્રુઆરીમાં મુરાદાબાદની વિશેષ અદાલતે 15 વર્ષ જૂના કેસમાં સપા નેતા આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને બે વર્ષની સજા સંભળાવી હતી. આ પછી તેમની વિધાનસભા જતી રહી હતી. યુપી વિધાનસભા સચિવાલયે 2 દિવસ પછી જ અબ્દુલ્લા આઝમની સીટ ખાલી જાહેર કરી દીધી હતી.