પશ્ચિમ બંગાળ શિક્ષણ ભરતીકૌભાંડમાં મંત્રી પાર્થ ચેટર્જીની ખાસ અર્પિતા મુખર્જીના ઘરેથી અત્યારસુધીમાં 50 કરોડથી વધુની કેશ અને 5 કિલો ગોલ્ડ મળ્યું છે. નોટોનો ઢગલો ગણવા માટે તપાસ એજન્સીએ નોટ ગણવાનું મશીન મગાવવું પડ્યું હતું. બીજી બાજુ, આટલું ગોલ્ડ મળ્યું હોવાથી દેશના દરેક લોકો આશ્ચર્યચકિત છે. જોકે આ વિશે અર્પિતાએ એવી દલીલ કરે છે કે તેને આ સોના વિશે માહિતી નહોતી. જોકે આ પહેલી એવી ઘટના નથી, જેમાં આટલી કેશ અને ગોલ્ડ મળ્યું હોય. આ પહેલાં કન્નોજના ઈત્તરના વેપારી પીયૂષ જૈનના ઘરેથી પણ આટલી જ કેશ મળી હતી. પીયૂષ જૈનનાં ઠેકાણાં પર ગયા વર્ષે ડિસેમ્બરમાં દરોડા પડ્યા હતા. એમાં અંદાજે 196 કરોડ રૂપિયા કેશ મળી હતી. દરોડામાં 23 કિલો સોનાનાં બિસ્કિટ મળ્યાં હતાં. આવા સમયે એવો સવાલ થાય કે લોકો તેમના ઘરમાં કેટલું સોનું અને કેશ રાખી શકે છે? જો તમને પણ ઘરમાં કેશ અને ગોલ્ડ રાખવાનો શોખ છે તો જાણી લો કે તમે કેટલી લિમિટ સુધીની કેશ અને ગોલ્ડ ઘરમાં રાખી શકો છો...
આ છે સોનું રાખવાનો નિયમ
દેશમાં પહેલાં ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1968 હતો, જે ચોક્કસ માત્રામાં સોનું રાખવા પર નજર રાખવાનો કાયદો હતો, પરંતુ એ કાયદાને જૂન 1990માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. જોકે અત્યારના સમયમાં ઘરમાં ગોલ્ડ રાખવા પર કોઈ લિમિટ રાખવામાં આવી નથી. જોકે એ માટે વ્યક્તિએ ચોક્કસ સોર્સ અને પુરાવા આપવા પડે છે, પરંતુ ઈન્કમનો સોર્સ જણાવ્યા વગર ઘરમાં સોનું રાખવાની લિમિટ નક્કી છે. જો તમે એ મર્યાદામાં ઘરમાં સોનું રાખો તો ઈન્કમ ટેક્સ વિભાગ ગોલ્ડ જપ્ત નહીં કરે.
કેટલું સોનું હોય તો પુરાવા ના આપવા પડે?
સરકારી નિયમ પ્રમાણે, પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ સુધી સોનું રાખી શકે છે, જ્યારે અપરિણીત મહિલા 250 ગ્રામ અને પરિણીત પુરુષ 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે. આ માટે સંબંધિત વ્યક્તિને ઈન્કમ પ્રૂફ આપવાની જરૂર નથી. આ લિમિટમાં કોઈપણ વ્યક્તિ સોનું રાખી શકે છે. જો આ મર્યાદામાં ઘરમાંથી સોનું નીકળે તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એને જપ્ત કરશે નહીં અને એના પુરાવા પણ આપવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ આનાથી વધારે મર્યાદામાં તેમના ઘરે સોનું રાખશે તો તેમણે સોર્સ-પ્રૂફ આપવા જરૂરી છે.
કેટલું સોનું હશે તો જપ્ત કરાશે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) પ્રમાણે, સોર્સની માહિતી અને પ્રૂફ હોય તો તમે ગમે તેટલા દાગીના રાખી શકો છો, પરંતુ ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 132 અંતર્ગત ઈન્કમટેક્સ અધિકારીઓ પાસે એ ઓથોરિટી છે કે તેઓ લિમિટ કરતાં વધારે જ્વેલરી હોય તો એને જપ્ત કરી શકે છે. એ ઉપરાંત ગિફ્ટમાં રૂ. 50 હજાર કરતાં ઓછા સોનાના દાગીના હોય અથવા વારસામાં જ્વેલરી મળતી હોય તો એ ટેક્સના સર્કલમાં નથી આવતી, પરંતુ ત્યારે એ સાબિત કરવું પડે છે કે આ ગિફ્ટ અથવા વારસામાં મળ્યું છે.
શું છે કેશ રાખવાના નિયમ?
ઘરમાં કેશ રાખવાની કોઈ લિમિટ નથી, પરંતુ તમારે એ કેશનો સોર્સ દર્શાવવો પડે છે કે તમે કયા માધ્યમથી આટલી કેશ કમાયા છો. નવા નિયમ પ્રમાણે, ઘરમાં જે કેશ છે એનો સોર્સ દર્શાવવો જરૂરી હોય છે. જો તમે એ સોર્સ ના દર્શાવી શકો તો 137 ટકા સુધી દંડ ભરવો પડે છે.
શું કહે છે નવો નિયમ?
નવા નિયમ પ્રમાણે, એક ફાઈનાન્શિયલ વર્ષમાં કેશમાં 20 લાખ રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન પર દંડ ભરવો પડે છે. CBDT પ્રમાણે, કોઈ એક વર્ષમાં 20 લાખથી વધારે રકમની કમાણી કરે છે તો તેમણે પેનકાર્ડ અને આધાર કાર્ડની માહિતી આપવી પડે છે. જો આ નિયમનું પાલન કરવામાં ના આવે તો રૂ. 20 લાખ સુધીનો દંડ પણ ભરવો પડે છે. એ ઉપરાંત 2 લાખથી વધારે કેશ પણ સાથે રાખી શકાય નહીં. એ ઉપરાંત જો તમે રોકડમાં દાન આપો છો તો એની લિમિટ પણ રૂ. 2000 સુધીની રાખવામાં આવી છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 269-SS પ્રમાણે કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી રૂ. 20 હજારથી વધારાની લોન કેશમાં લઈ શકે નહીં. બેન્કમાંથી 2 કરોડથી વધારે રકમ એકસાથે કાઢતાં TDS લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.