• Gujarati News
 • National
 • What Is The Difference Between Article 144, Curfew, Public Curfew And Lockdown? Simply Put, Know Everything That Is Really Needed Right Now

કલમ 144, કર્ફ્યુ, જનતા કર્ફ્યુ અને લોકડાઉન વચ્ચે શું ફરક? સરળ શબ્દોમાં જાણો એ દરેક બાબતો, જે હાલ ખાસ જરૂરી છે

New Delhi2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જનતા કર્ફ્યુ એ કાયદા દ્વારા લાદવામાં આવેલો ફરજિયાત કર્ફ્યુ નથી પરંતુ અનિવાર્ય સંજોગો મુજબ સ્વૈચ્છિક સમજદારીથી તેનું પાલન કરવાનું હોય છે
 • લોકડાઉન એ ગંભીર પરિસ્થિતિમાં લોકોની આવનજાવન મર્યાદિત કરવા માટે લાગુ કરાય છે, જેમાં ઘરમાં રહેવું ફરજિયાત હોય છે

નેશનલ ડેસ્ક, અમદાવાદઃ કોરોનાનો કહેર વધી રહ્યો છે તેની સમાંતરે પ્રશાસન દ્વારા અગમચેતીના કડક પગલાંઓ પણ લેવાઈ રહ્યા છે. પ્રત્યક્ષ સંપર્કના કારણે ફેલાતો રોગચાળો હોવાથી મોટાભાગના લોકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. ગુજરાતના દરેક મોટા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રવિવારે જનતા કર્ફ્યુ રાખવા માટે સ્વયં વડાપ્રધાને અપીલ કરી છે. તેમજ આગામી દિવસોમાં જો સ્થિતિ વધુ વણસે તો લોકડાઉન પણ કરવું પડે. એ સંજોગોમાં આ ચારેય શબ્દો, તેનાં અર્થઘટન અને ગંભીરતા સમજવા ખાસ જરૂરી છે.

કલમ 144 એટલે શું?

 • CRPCની ધારા-144 શાંતિ સ્થાપવા અથવા કો ઈમર્જન્સીની સ્થિતિમાંથી બચવા માટે લાગુ કરવામાં આવે છે.
 • જ્યારે સુરક્ષા સંબંધિત કોઈ જોખમ સર્જાય છે ત્યારે આ કલમ લાગુ કરવામાં આવે છે.
 • આ ધારા લાગુ થતા પાંચ અથવા વધારે વ્યક્તિ ભેગી થઈ શકતી નથી.
 • સ્થાનિક જિલ્લા અધિકારી દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવે છે. ધારા 144 લાગુ કર્યા બાદ જરૂર પડે તો ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી શકે છે. હથિયારો રાખવા કે ધારણ કરવા પર પ્રતિબંધ હોય છે.
 • ધારા-144 બે મહિનાથી વધારે સમય માટે લગાવી શકાય નહીં. જો રાજ્ય સરકારને લાગે કે વ્યક્તિના જીવન પરથી જોખમ દૂર કરવા હજુ પણ તેની જરૂર છે તો તેની અવધી લંબાવવામાં આવી શકે છે.
 • આ સ્થિતિમાં ધારા-144 લગાવવાની શરૂઆતી તારીખથી છ મહિનાથી વધારે સમય સુધી તેને લગાવી શકાય નહીં.
 • ગેરકાયદેસર રીતે ભેગા થતા કોઈ પણ વ્યક્તિ સામે તોફાનમાં સામેલ થવાનો કેસ દાખલ થઈ શકે છે. અને આ માટે વ્યક્તિને મહત્તમ ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.

કર્ફ્યુ એટલે શું?

 • લોકોના બહાર નીકળવાથી થઈ શકતી સંભવિત અશાંતિ કે જાહેર મુશ્કેલી ખાળવા માટે પ્રશાસન દ્વારા કર્ફ્યુ લાદવામાં આવે છે.
 • વિશિષ્ટ સંજોગોમાં કર્ફ્યુ લાદવા માટે પ્રશાસનને કાનૂની અધિકારી મળેલો છે.
 • કર્ફ્યુ દરમિયાન જનતાએ ફરજિયાતપણે ઘરમાં રહેવું પડે છે અને કર્ફ્યુનો ભંગ કરવા બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
 • કર્ફ્યુ દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, મીડિયા જેવી આવશ્યક સેવાઓ પણ સંજોગો મુજબ બંધ કરી શકાય છે.
 • અનિવાર્યતા હોય તો પણ પોલીસ પરમિશન વગર બહાર નીકળી શકાતું નથી. પોલીસ કર્ફ્યુ પાસ આપે પછી જ આગળ જઈ શકાય છે.

જનતા કર્ફ્યુ એટલે શું?

 • જનતા કર્ફ્યુ શબ્દ જ એ સુચવે છે કે તે સ્વયંભૂ છે.
 • કાયદા દ્વારા ફરજિયાતપણે લાદવામાં આવેલો કર્ફ્યુ નથી. પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને જનતા પોતે જ દેશના જવાબદાર નાગરિક તરીકે સ્વૈચ્છિક રીતે ઘરમાં રહેવાનું પસંદ કરે છે.
 • કોરોના જેવા ચેપી સંક્રમણના કિસ્સામાં પરસ્પરનો સંપર્ક ટાળવા માટે જનતા કર્ફ્યુ રાખવો એ એક સમજદારીભરી અપીલ છે.
 • જનતા કર્ફ્યુ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાથી કોઈ કાનૂની કાર્યવાહી નથી થતી. પરંતુ આ સ્વૈચ્છિક સમજદારી છે કે એટલો સમય ઘરમાં જ રહીએ.
 • એમ છતાં જીવન જરૂરી આવશ્યકતા અર્થે ઘરની બહાર નીકળવાનું થાય તો ઓળખના પૂરાવા સાથે નીકળી શકાય છે. કામ પૂરું કરીને તરત ઘરે જતાં રહેવાય એ જવાબદાર નાગરિક તરીકે વધુ યોગ્ય ગણાશે

લોકડાઉન એટલે શું?

 • આપતકાલીન પરિસ્થિતિમાં ચોક્કસ વિસ્તારના લોકોને એ જ વિસ્તાર પૂરતાં મર્યાદિત કરી દેવા માટે લાગુ કરવામાં આવતી વ્યવસ્થા લોકડાઉન કહેવાય છે.
 • કોરોના એ વધુ વ્યક્તિઓના સંપર્કથી ફેલાતો રોગ છે. આથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહે અને રોગચાળો ફેલાતો અટકાય એ જ લોકડાઉનનો હેતુ છે.
 • લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવાની મનાઈ હોય છે. પરંતુ અનાજ, દૂધ, દવા કે મેડિકલ સહાયતા જેવા હેતુથી બહાર નીકળી શકાય છે પરંતુ એ માટે ચોક્કસ કારણ દર્શાવવું જરૂરી છે.
 • વૃદ્ધો કે બાળકોની સહાયતાના હેતુથી પણ બહાર નીકળી શકાય છે. અધિકૃત વ્યક્તિઓ (એટલે કે પોલીસ વ.)ની પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ આપવા અનિવાર્ય છે. અન્યથા કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
 • હાલમાં ચીન, ઈટાલી, ડેનમાર્ક, અલ સાલ્વાડોર, ફ્રાન્સ, સ્પેન, ન્યુઝિલેન્ડ જેવા દેશોએ અમૂક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરેલ છે અને કોરોના સંદર્ભે તેનાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
 • અમેરિકાએ 9/11ના હુમલા પછી સર્જાયેલી અંધાધૂંધીને થાળે પાડવા 3 દિવસનો લોકડાઉન જાહેર કર્યો હતો. એ પછી 2013માં બોસ્ટન શહેરમાં આતંકવાદી હુમલા પછી આતંકીઓને પકડવા માટે પણ લોકડાઉન જાહેર કર્યું હતું.
 • પેરિસમાં 2015માં આતંકવાદી હુમલો થયો ત્યારે સંદીગ્ધોને પકડવા માટે બ્રુસેલ્સમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
 • લોકડાઉન દરમિયાન હેલ્થ, ડિફેન્સ, લો એન્ડ ઓર્ડર, મીડિયા જેવી અનિવાર્ય સેવાઓ જારી રહે છે પરંતુ એ સેવાઓ સાથે સંકળાયેલા લોકોએ પણ ઓળખપત્ર વગર બહાર નીકળી શકાતું નથી.
અન્ય સમાચારો પણ છે...