તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • What Is The Difference Between A Cabinet Minister, A Minister Of State And A Minister Of State (independent Charge)? How Much Power Do They Have? Also Know About The Salary Of Union Ministers

મંત્રીમંડળની માહિતી:કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓમાં શું છે તફાવત? તેમની પાસે કેટલો હોય છે પાવર? કેન્દ્રીય મંત્રીઓની સેલરી અંગે પણ જાણો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
7મી જુલાઈએ મોદી મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
7મી જુલાઈએ મોદી મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
  • કેન્દ્રીય કેબિનેટમાં હાલમાં ફેરફાર અને વિસ્તરણ પછી હવે કેબિનેટ કમિટીઓમાં પણ મહત્ત્વના ફેરફારો કરાયા
  • મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા કેટલાક યુવા નેતા અને પ્રમોશન મેળવનારા નેતાઓને હવે કેબિનેટની કમિટીઓમાં પણ જગ્યા મળી

દેશની રાજનીતિમાં હાલ મોદી કેબિનેટના વિસ્તરણને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો, પરંતુ ચર્ચા હજુ ચાલી રહી છે. PM મોદીએ પોતાના મંત્રીમંડળમાં મોટા ફેરફારો કર્યા અને અનેક જૂના મંત્રીઓને કેબિનેટમાંથી બહારનો દરવાજો દેખાડી દેવાયો છે તો 43 નેતાને સામેલ કરવામાં આવ્યા છે. એ બાદ આ નવા મંત્રીઓની ઉંમર, તેમનો અભ્યાસ, તેમની કાર્યશૈલી જેવી અનેક બાબતો પર ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મંત્રીઓને કેટલી સેલરી મળશે, કયાં કયાં ભથ્થાં મળશે, કઈ કઈ સુવિધાઓ મળે એ પણ જાણવું જરૂરી છે.

મોદી સરકારે મંત્રીમંડળમાં જે ફેરફાર કર્યા છે એમાં કેટલાકને કેબિનેટ કક્ષાના, કેટલાકને રાજ્યકક્ષાના તો કેટલાકને સ્વતંત્ર હવાલો સોંપાયો છે. ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે, જેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર ત્રણ પ્રકારના મંત્રી હોય છે, જેને પાવરની દૃષ્ટિએ ગોઠવીએ તો કેબિનેટ મંત્રી પહેલા નંબરે આવે છે, જે બાદ કેબિનેટના સભ્ય મંત્રીમંડળના તે લોકો, જેના પર મંત્રાલયનું નેતૃત્વ કરવાની જવાબદારી હોય છે.

બીજા નંબરે આવે છે રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર, જેને જુનિયર મંત્રી કહી શકાય છે. જોકે આ મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓને રિપોર્ટ નથી કરતા. એ બાદ ત્રીજા નંબરે આવે છે રાજ્ય મંત્રી, જેઓ કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે. સામાન્ય રીતે તેમને જે-તે મંત્રાલયમાં એક વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે.

કેબિનેટ મંત્રીનું કામ શું હોય છે?
મંત્રીમંડળનો ખાસ ભાગ કેબિનેટ મંત્રીઓની પાસે હોય છે. તેમને એક કે એનાથી વધુ મંત્રાલય પણ વહેંચવામાં આવ્યાં હોય શકે છે. સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટના મંત્રીઓ સામેલ હોય છે. સામાન્ય રીતે દરેક સપ્તાહે કેબિનેટની બેઠક મળે છે. સરકાર કોઈપણ નિર્ણય કે કોઈ અધ્યાદેશ, નવો કાયદો, કાયદા સંશોધન વગેરે બાબતો કેબિનેટની બેઠકમાં જ નક્કી થાય છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અંગે જાણો
મંત્રી પરિષદનો જે ભાગ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓની પાસે હોય છે, તેઓ ફાળે આવેલા મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જોકે દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં તેઓ સામેલ થતા નથી. કેબિનેટ તેમને તેમના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે બોલાવી શકે છે.

રાજ્ય મંત્રી અંગે જાણો
મંત્રી પરિષદનો જે ભાગ કેબિનેટ મિનિસ્ટરની અંડરમાં કામ કરે છે તેઓ રાજ્ય મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીની અંડરમાં એક કે તેથી વધુ રાજ્ય મંત્રી હોય છે. આ ઉપરાંત એક મંત્રાલયની અંદર અનેક વિભાગો હોય છે, જે રાજ્ય મંત્રીઓની વચ્ચે વહેંચવામાં આવે છે, જેથી તેઓ કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં મદદ કરી શકે.

ભારતના મંત્રીઓ કઈ રીતે અને શું કામ કરે છે એ તો જાણ્યું, પરંતુ આ કામના બદલામાં તેમને શું વેતન મળે છે એ જાણવું પણ જરૂરી છે.

કેન્દ્રીય મંત્રીઓને કેટલી સેલરી મળે છે?
આમ તો મંત્રીઓને મૂળ વેતન મળે છે. આ ઉપરાંત અનેક પ્રકારનાં ભથ્થાંના પણ તેઓ હકદાર હોય છે. જો મૂળ વેતનની વાત કરવામાં આવે તો દર મહિને મંત્રીઓને માનદ વેતન તરીકે 1,00,000 રૂપિયા મળે છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓને 2,000 રૂપિયા સરકારી ભથ્થું, દરરોજના હિસાબે મળે છે. જ્યારે રાજ્યમંત્રીને 1000 રૂપિયા અને ડેપ્યુટી મંત્રીને 600 રૂપિયા પ્રતિ દિવસ મળે છે.

આ ઉપરાંત કાર્યાલયના ખર્ચ માટે 60,000 રૂપિયા કાર્યાલય ભથ્થું મળે છે. આ મંત્રી સાંસદ પણ હોય છે, એવામાં પોતાના સંસદીય વિસ્તારનાં કાર્યો માટે 70,000 રૂપિયા ભથ્થું મળે છે. આ રકમમાં સમયાંતરે વધારો પણ થતો જ રહે છે.

સાથે મળે છે આ સુવિધાઓ
સેલરી ઉપરાંત મંત્રીઓને અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે. મંત્રીઓને રહેવા માટે બંગલો કે ઘર, યાત્રા કરવા માટે ટ્રાવેલિંગ એલાઉન્સ, ટ્રેન માટે પાસ, ટેલિફોનનો ખર્ચ અને ગાડી ખરીદવા માટે યોગ્ય રકમ પણ મળે છે. આ સિવાય સૌથી ખાસ વાત એ છે કે જ્યારે મંત્રીઓનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે તો તેમને પેન્શન, નિઃશુલ્ક રેલયાત્રા અને ચિકિત્સા સુવિધાઓ પણ મળે છે તેમજ મંત્રીના નિધન બાદ તેમના આશ્રિતને 50 ટકા પેન્શન આપવામાં આવે છે.

દર પાંચ વર્ષે મંત્રીઓના પગારમાં થશે વધારો
સાંસદો પોતાના વેતનને લઈને યોગ્ય સમયે સંશોધન કરવા માટે કાયદો પસાર કરતા હતા, જેને કારણે અનેક વખત વિવાદની સ્થિતિ પણ ઊભી થઈ હતી. વર્ષ 2018માં ફાઇનાન્સ એક્ટ, 2018 થકી કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. આ એક્ટ મુજબ સાંસદોના વેતન, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં દર પાંચ વર્ષે વધારો કરવામાં આવશે, જેનો આધાર ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં આપવામાં આવેલો મુદ્રાસ્ફિતી સૂચકાંક રહેશે.

કેબિનેટ કમિટીઓમાં પણ યુવા ટીમ
કેન્દ્રીય કેબિનેટમાં હાલમાં ફેરફાર અને વિસ્તરણ પછી હવે કેબિનેટ કમિટીઓમાં પણ મહત્ત્વના ફેરફારો કરાયા છે. હાલમાં જ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા કેટલાક યુવા નેતા અને પ્રમોશન મેળવાનારા નેતાઓને હવે કેબિનેટની કમિટીઓમાં પણ જગ્યા મળી છે, જેમાં ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજુ, અનુરાગ ઠાકુર જેવાં નેતાઓને કેબિનેટની કમિટીઓમાં જગ્યા મળી છે.

અન્ય સમાચારો પણ છે...