તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • What Has Changed Since The Repeal Of Article 370 From Jammu And Kashmir; Along With Infrastructure, Education And Employment, Full Power Was Also Available This Time Around

PM મોદી સાથે આજે 14 પક્ષોની બેઠક:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી શું બદલાયું; ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને રોજગારની સાથે આ વખતે હિમવર્ષામાં પણ મળી સંપૂર્ણ વીજળી

શ્રીનગર3 મહિનો પહેલાલેખક: ઝફર ઈકબાલ
  • કાશ્મીરમાં સુરક્ષકર્મીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ પર હુમલો ચિંતાનો વિષય
  • જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં શિક્ષણ અને રોજગાર વધારવા સરકાર પગલાં લઈ રહી

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 રદ થયાનાં લગભગ બે વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજવાના છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય તણાવને સમાપ્ત કરવા માટે વાટાઘાટો થઈ શકે છે. આ સાથે કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના વિષય પર ચર્ચા થવાની શક્યતા છે.

5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરી તથા રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજિત કર્યું. ત્યાર બાદ રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ હતી. મોટા ભાગના ટોચના નેતાઓ નજરકેદ રહ્યા હતા. કેટલાકને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ જમ્મુ-કાશ્મીરની બહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

હવે મોદીની બેઠકને કેન્દ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં જમ્હુરિયત સ્થાપિત કરવા તમામ પક્ષો સાથે વાત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. વાંચો કલમ 370ને નાબૂદ કર્યાનાં 2 વર્ષ પછી રાજ્યમાં શું પરિવર્તન આવ્યું...

3 ઓગસ્ટ 2019ના રોજ શું-શું બદલાયું
કલમ 370 રદ થયાના માત્ર બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારે બહારના લોકોને કાશ્મીર છોડવાની સૂચના જારી કરી હતી. આ પછી હજારો પ્રવાસીઓ, સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓ કાશ્મીરથી નીકળી ગયા. પ્રતિબંધોને કારણે લગભગ 5.20 લાખ પ્રવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ હતી. સેંકડો કારીગરો, કેબ ડ્રાઇવરો, રિટેલરો અને ખાનગી ક્ષેત્રના કામદારો બેરોજગાર બન્યા હતા.

ડિસેમ્બર 2019માં કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (KCCI)એ આર્થિક અહેવાલમાં જણાવ્યું હતું કે કાશ્મીરના અર્થતંત્રને રૂ. 17,800 કરોડનું નુકસાન થયું છે. 2019માં ઓગસ્ટથી ઓક્ટોબરની વચ્ચે 4.9 લાખ નોકરી ગઈ. આ રાજ્ય માટે બહુ મોટો ઝટકો હતો.

માળખાગત વિકાસ પર સરકારનું ધ્યાન છે
કેન્દ્રશાસિત સરકારે રાજ્યના માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2021-22માં રૂ .4545.06 કરોડના 1235 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એના સિવાય રૂ .7110.78 કરોડના કુલ 2357 માન્ય પ્રોજેક્ટ્સમાંથી રૂ .1555.16 કરોડના 1100 પ્રોજેક્ટ્સ પણ પૂર્ણ થયા છે.

કાશ્મીરી કલા અને હસ્તકલાને પુનર્જીવિત કરવાના પ્રયત્નો શરૂ થયા
દેશના ઊનની શાલની નિકાસમાં જમ્મુ અને કાશ્મીરનું 80% યોગદાન છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી અપાયેલી નવી ઔદ્યોગિક વિકાસ યોજનામાં હસ્તકલા અને હેન્ડલૂમક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્થાનિક વણકર અને કારીગરોને તેમની આજીવિકા ઉત્પન્ન કરવાની સાથે જૂની હસ્તકલાને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સરકાર કાશ્મીરી કાર્પેટ્સ, લાકડાં પર કોતરણીવર્ક, ફૂલકારી, બસોહલી પેઇન્ટિંગ્સ, ટ્વિડ ફેબ્રિક્સ, ચીકરી હસ્તકલા વગેરેની જીઆઈ ટેગિંગ પર કામ કરી રહી છે, જેથી આ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં માર્કેટિંગ કરી શકાય. જમ્મુ-કાશ્મીરનાં હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવાં વૈશ્વિક પ્લેટફોર્મ આપવામાં આવ્યાં છે.

યુવાનોમાં શિક્ષણ અને રોજગાર વધારવા
જમ્મુ-કાશ્મીરના યુવાનો સુધી પહોંચવા માટે સરકાર પગલાં પણ લઈ રહી છે. જમ્મુ કાશ્મીરની દરેક પંચાયતમાં યુવા પેઢીની તમામ ચિંતાઓને દૂર કરવા યુથ ક્લબ હશે. પ્રથમ તબક્કામાં 4290 પંચાયતોના 22,500 યુવાનો જોડાશે. સરકાર આ પહેલ પર 12 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

જમ્મુ અને શ્રીનગરમાં બે અત્યાધુનિક કોચિંગ સેન્ટર્સ ટૂંક સમયમાં સિવિલ સર્વિસીઝ, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ પ્રદાન કરવા માટે કાર્ય શરૂ કરશે. સરકાર ખાસ તૈયાર કરેલી સ્વ રોજગાર યોજનાના માધ્યમથી ડેન્ટલ સર્જનો, પેરામેડિક્સને આર્થિક સહાય પણ કરશે.

બેક ટુ વિલેજ કાર્યક્રમ અંતર્ગત 50 હજાર યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવું
ઉપ-રાજયપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે રાજ્યના મહત્ત્વાકાંક્ષી બેક ટુ વિલેજ કાર્યક્રમના આગલા તબક્કામાં સરકાર 50 હજાર યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આવા યુવાનોને રોજગારની તકો આપવામાં આવશે. માટે નાણાકીય સહાય આપવામાં આવશે, એની યોજના ટૂંક સમયમાં બધાની સામે હશે. આ સાથે અમે 25 હજાર નોકરીનું વચન આપ્યું હતું.

અત્યારસુધી વિવિધ વિભાગોમાં ભરતી માટે 18,000 પદો માટેની જાહેરાતો બહાર પાડવામાં આવી છે. વધુ હોદ્દાની ઓળખ કરવામાં આવી રહી છે. સિંહાએ કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરના લોકો, ખાસ કરીને યુવાનોને સશક્ત બનાવવા માગીએ છીએ. અહીં પ્રથમ વખત ગ્રાઉન્ડ સ્તરે લોકશાહી ખીલી રહી છે. નિર્ણય પ્રક્રિયામાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. યુવાનોને ખાતરી આપીશું કે તેમણે વધુમાં વધુ તકો મળે.

3500 મેગાવોટના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થયું
ઉપ-રાજયપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે આર્થિક સંકટ હોવા છતાં રાજ્યમાં વીજ પ્રણાલીમાં સુધારો લાવવા માટે દર વર્ષે 3,500 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. રાજ્યમાં ટ્રાન્સમિશન, વિતરણ નેટવર્ક અને ઉત્પાદનક્ષમતાને મજબૂત બનાવવા માટે ચોવીસ કલાક કામ ચાલી રહ્યું છે.

એનું પરિણામ શિયાળા દરમિયાન દેખાઈ રહ્યું હતું, જ્યારે પ્રથમ વખત કાશ્મીર ખીણમાં લોકોએ હિમવર્ષા દરમિયાન પણ અવિરત વીજપુરવઠો મેળવ્યો હતો. આગામી 4 વર્ષમાં રાજ્યમાં 3500 મેગાવોટ પ્રોજેક્ટ્સ જમીન પર હશે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એક મોટી ચિંતા છે
5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો પાછો ખેંચ્યા પછી અહીંની આંતરિક સુરક્ષા પર ઊડી અસર જોવા મળી છે. આ અંતર્ગત યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને ઘૂસણખોરીના પ્રયત્નોમાં ઘટાડો આવ્યો છે. ઘણા આતંકવાદીઓ અને તેમના કમાન્ડરને સમાપ્ત કરવામાં આવ્યા છે. જોકે સુરક્ષા દળો અને રાજકીય પક્ષોના નેતાઓ પર હુમલો ચિંતાનો વિષય છે.

જૂનની મોટી આતંકવાદી ઘટનાઓ

  • 22 જૂને નૌગામમાં બે આતંકીએ પોલીસ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડાર પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.
  • 17 જૂને આતંકીઓએ શ્રીનગરના સૈદપોરામાં તેના ઘર નજીક એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી.
  • 2 જૂને આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ પંડિતાની હત્યા કરી હતી.