કેરળમાં કોરોના સાથે હવે 'ટોમેટો ફ્લૂ'નો નવો ખતરો ઊભો થયો છે. અત્યારસુધીમાં 80થી વધુ બાળકો એની ઝપેટમાં આવી ગયાં છે. નાનાં બાળકો આનો વધુ શિકાર બની રહ્યાં છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો એને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો એનું સંક્રમણ ફેલાઈ શકે છે.
ટોમેટો ફ્લૂને લઈને તબીબોમાં હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે કે વાઇરલ તાવ, ચિકનગુનિયા કે ડેન્ગ્યુની આડઅસર તો નથી. આ રોગ માત્ર કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.
કેરળનાં પડોશી રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ માટે કોઈમ્બતોરમાં મેડિકલ ટીમો તહેનાત કરવામાં આવી છે. કેરળ આવતા લોકોનું તામિલનાડુ-કેરળ સરહદ પર વાલાયર ખાતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં તપાસ અને સારવાર માટે 24 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. એ રાજ્યની આંગણવાડીઓમાં જશે અને પાંચ વર્ષથી નીચેનાં બાળકોની તપાસ કરશે.
ટોમેટો ફ્લૂ શું છે
ખરેખર ટોમેટો ફ્લૂ એક પ્રકારનો તાવ છે. એ કેરળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યો છે. એનાથી સંક્રમિત બાળકોના શરીર પર લાલ ચકામાં અને ફોલ્લીઓ થઈ જાય છે. શરીર પર ચકામાંનો રંગ લાલ હોય છે, તેથી એને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. એનાં મુખ્ય લક્ષણો લાલ ચકામાં અને ફોલ્લીઓ છે, જેને કારણે દર્દીને સ્કિન ઈન્ફેક્શન અને અપચો પણ થઈ શકે છે. ચેપગ્રસ્ત બાળકોમાં ભારે તાવ, શરીરમાં દુખાવો, સાંધામાં સોજો, થાક, પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા, હાથ, ઘૂંટણનો રંગ બદલાવો, ઉધરસ, છીંક અને વહેતું નાક જેવાં લક્ષણો જોવા મળે છે.
ટોમેટો ફ્લૂ સાથે શું કાળજી રાખવી?
જો કોઈ બાળક ટોમેટો ફ્લૂના કોઈપણ લક્ષણો દર્શાવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. આ સાથે ધ્યાનમાં રાખો કે ચેપગ્રસ્ત બાળકને ફોલ્લીઓ થાય છે અને એને ખંજવાળશો નહીં. આ સાથે સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવો. આ સાથે ડોક્ટરો સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને યોગ્ય આરામ કરવાની સલાહ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.