સ્વતંત્રતા દિવસ પહેલાં પાકિસ્તાન દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાની પૂરી કોશિશો કરવામાં આવી રહી છે. પંજાબની સરહદે પાકિસ્તાન સતત પોતાનાં હથિયારો ભારતમાં પહોંચે એના પ્રયત્નો કરી રહ્યું છે. પંજાબના અમૃતસરમાં પાકિસ્તાને ડ્રોન મારફત હથિયારો મોકલવામાં આવ્યાં, જોકે ગામવાસીઓની સતર્કતાથી પંજાબ પોલીસે એ હથિયારોને જપ્ત કરી લીધાં છે. પાકિસ્તાને સાત થેલીમાં IED, હેન્ડગ્રેનેડ અને કારતૂસ મોકલ્યાં હતાં. સૂચનાના આધારે પંજાબ પોલીસે આ હથિયારોને જપ્ત કરી પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.
પંજાબના પોલીસ DGP દિનકર ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને સૂચના મળી હતી કે અમૃતસર પાસે આવેલા એક ગામમાં 7-8 ઓગસ્ટની રાત્રે ડ્રોન જોવા મળ્યું હતું. એની સાથે જ લોકોએ કંઇક પડવાનો અવાજ પણ સાંભળ્યો હતો. ત્યાર પછી અમને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળવાની પણ જાણકારી મળી હતી અને પછી શોધખોળ શરૂ કરવા પર સાત થેલીમાં IED, હેન્ડગ્રેનેડ અને કારતૂસ મળ્યાં હતાં. આ વાતની જાણકારી નેશનલ સિક્રેટ એજન્સીઓને પણ આપવામાં આવી છે. આજૂબાજુના વિસ્તારોમાં શોધખોળની પ્રક્રિયા વધુ કડક બનાવી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસ આ વિષયને લઈને ઘણી સતર્ક છે અને જે પણ જાણકારી મળશે એને સંબંધિત એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે.
પાકિસ્તાને ડ્રોન મારફત ટિફિન-બોમ્બ મોકલ્યો
રાત્રે આકાશમાં ડ્રોનના ઊડવા અને કંઈક પડવાનો અવાજ ગ્રામજનોને સૌપ્રથમ સંભળાયો હતો. ત્યાર બાદ આ મામલાની જાણ તરત જ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ-ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને IED ટિફિન-બોમ્બ, પાંચ હેન્ડગ્રેનેડ અને 100થી વધુ કારતૂસ મળી આવ્યાં હતાં. આ ઘટના 7-8 ઓગસ્ટની રાત્રે બની હતી.
કેન્દ્ર સરકારને માહિતી આપવામાં આવી
આ ઘટનાની જાણકારી પંજાબ પોલીસે કેન્દ્ર સરકારને આપી છે. સ્વતંત્રતા દિવસ પહેલાં પાકિસ્તાન પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પોતાની સક્રિયતા વધારી ચૂક્યું છે. પાકિસ્તાન સતત ડ્રોન ભારત તરફ મોકલી રહ્યું છે. એની પહેલાં પણ પંજાબના અમૃતસરમાં પાકિસ્તાન હથિયાર નાખી ચૂક્યું છે.
મેતલા પોસ્ટ પાસે પણ ડ્રોન દેખાયું
પંજાબના ડેરા બાબા નાનકમાં ભારત-પાકિસ્તાન સરહદે મેતલા પોસ્ટ પાસે ગયા ગુરુવારની રાત્રે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં દાખલ થયું હતું. સરહદે તહેનાત BSFના જવાનોએ જેવું ડ્રોન જોયું એવું તરત જ એના પર ફાયરિંગ ચાલુ કરી દેતાં ડ્રોન પાકિસ્તાન સરહદે પરત જતું રહ્યુ હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.