• Gujarati News
  • Business
  • Rupee Performs Weakest In 2021 Among Various Asian Currencies, Burden On Ordinary Citizens' Pockets Will Increase

અહેવાલ:વર્ષ 2021માં એશિયાના વિવિધ ચલણો પૈકી રૂપિયાનું પર્ફોમ્સ સૌથી નબળું રહ્યું, સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારણ વધશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • અમેરિકી ડોલરની તુલનામાં ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય રૂપિયો 1.9 ટકા નબળો પડ્યો છે

ભારતીય ચલણ રૂપિયો એશિયામાં સૌથી નબળા દેખાવ સાથે વર્ષ 2021ને વિદાય આપી શકે છે. હકીકતમાં ભારતીય રૂપિયાની મૂલ્યમાં ઘટાડાનું વલણ છે. એક અહેવાલ પ્રમાણે એશિયાના બજારમાં રૂપિયો એશિયાના બજારોમાં સૌથી નબળો દેખાવ નોંધાવનાર કરન્સી બની ગયો છે. તેની પાછળ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી મોટાપાયે વેચવાલી કારણરૂપ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ભારત તેની જરૂરિયાતના આશરે 80 ટકા ક્રુડ ઓઈલની આયાત કરે છે. US ડોલર સામે રૂપિયો નબળો પડતા ખર્ચ વધારે થશે. આ સંજોગોમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થશે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારણ વધશે.

વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી ડોલરની તુલનામાં ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય રૂપિયો 1.9 ટકા નબળો પડ્યો છે. આ અવધિમાં ભારતીય રૂપિયો પ્રતિ ડોલર 74 હતો,જે હવે 76ની સપાટી પર પહોંચી ગયો છે. ત્યા સુધી કે પાકિસ્તાની રૂપિયો અને શ્રીલંકાના ચલણ જેવા એશિયાના નાના ચલણની તુલનામાં રૂપિયો એકંદરે નબળો રહ્યો છે.

તેનાથી વિપરીત છેલ્લા 12 મહિના દરમિયાન મોટાભાગના એશિયાઈ ચલણો ડોલર સામે મજબૂતી નોંધાવી છે. અન્ય ચલણોની વાત કરવામાં આવે તો ચીનની રેનમિંબી, ફિલિપાઈન્સની પેસો, દક્ષિણ કોરિયાના ચલણ વોન, મલેશિયાના ચલણ રિંગિત તથા થાઈલેન્ડના ચલણ બાટમાં પણ મજબૂતી જોવા મળી છે.

420 કરોડ ડોલરની નિકાસ
અહેવાલ પ્રમાણે રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 420 કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા 31,920 કરોડ રોકાણ પાછું ખેંચ્યું છે. એશિયામાં કોઈ શેરબજારમાંથી રોકાણ આટલા પ્રમાણમાં પાછું ખેંચવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના નવા સંક્રમણ ઓમિક્રોનને લીધે ભારતીય સેરબજારમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે.

તાઈવાનનો ડોલર સૌથી સારું ચલણ
તાઈવાનનો ડોલર આ વર્ષે એશિયામાં સૌથી સારું પ્રદર્શન કરનારા ચલણ છે. તે અમેરિકાના ડોલરની તુલનામાં 6.4 ટકા મજબૂત થયો છે. ત્યારબાદ ચીનનું ચલણ રેનમિંબી વર્ષ દરમિયાન ડોલર સામે 6.2 ટકા મજબૂત થયું છે. એવી જ રીતે ફિલિપાઈન્સનું ચલણ પેસો પણ આ વર્ષ દરમિયાન 5.2 ટકા મજબૂતી નોંધાવી છે.