સોનિયાજીનું શાણપણ:અમારી પાસે જાદુની છડી નથી, આત્મનિરીક્ષણની જરૂરઃ સોનિયા

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CWC બેઠકમાં સોનિયાએ કહ્યું- હવે પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય

સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરોને બે સ્પષ્ટ સંદેશ આપ્યા હતા. સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી અને તેના માટે પાર્ટીના મંચનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. બીજી તરફ ‘પાર્ટી પાસે કોઇ જાદુની છડી નથી’ તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું. જો પાર્ટી કોઇ લક્ષ્ય સિદ્વ કરવા માંગે છે તો નિ:સ્વાર્થ ભાવે સામૂહિક ભાવનાથી કામ કરવું પડશે. પાર્ટીએ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

રાજસ્થાનના ઉદયપુરમાં 13 થી 15 મે સુધી આયોજિત પાર્ટીની ચિંતન શિબિરમાં અધ્યક્ષ પદ મુદ્દે અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે પણ મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર, ગાંધી પરિવાર અધ્યક્ષ પદની હોડમાં પોતાને અલગ રાખવા માંગે છે. પાર્ટીએ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને સાથે લાવવામાં મળેલી નિષ્ફળતા બાદ પાર્ટીને એ બોધપાઠ તો મળ્યો જ છે કે કોંગ્રેસનું અધ્યક્ષ પદ કોઇ બિનગાંધીને સોંપીને દરેક પ્રકારની ટીકાઓ પર પૂર્ણવિરામ લગાવી શકાય છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયો અંતે 10, જનપથ ખાતેથી જ લેવામાં આવશે.

ચિંતન શિબિરમાં દેશભરમાંથી અંદાજે 400 પ્રતિનિધિઓ હાજર રહેશે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ પાર્ટીનું આ પ્રથમ મહાસંમેલન છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે થયેલી મેરેથોન બેઠક બાદ એ મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે જે આ બેઠકોમાં સામે આવ્યા હતા.

આ ચિંતન શિબિર માત્ર ઔપચારિકતા સાબિત નહીં થાય: સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિર માત્ર ઔપચારિકતા સાબિત નહીં થાય તેવી પણ ખાતરી આપી હતી અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ચિંતન શિબિરમાં પાર્ટીના સંગઠનનો નવો યુગ સામે આવશે. પાર્ટી એવા સંગઠનની રચના કરશે જે તેની ચૂંટણીલક્ષી, વૈચારિક અને પાર્ટીના સંચાલનના પડકારો પર ખરું ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...