સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ એક અરજી રજૂ થઈ તે અંગે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચુડે ત્યાં સુધી કહ્યું કે મેં તાજેતરમાં જ એક સમાચાર લેખ વાંચ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કેસોને લગતી સુનાવણીમાં વિલંબ કરી રહી છે. અમને પણ એક બ્રેક આપો! તમે ન્યાયમૂર્તિઓને કેટલા ટાર્ગેટ કરી શકો છે.
હકીકતમાં ગુરુવારે ઈસાઈ સમુદાય સામે હિંસાને પ્રકાશમાં લાવતી એક અરજી ખંડપીઠ સમક્ષ આવી હતી. આ અરજી ઉપર તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા વકીલે અપીલ કરી હતી. આ અંગે ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચુડે પ્રતિક્રિયા આપી હતી.
કોરોનાને લીધે સુનાવણીમાં વિલંબ થયો હતો
કેસની સુનાવણી 11 જુલાઈના રોજ થવાની હતી, બાદમાં તે 15 જુલાઈના રોજ લિસ્ટેડ કરવામાં આવી. અલબત તેમ છતાં સુનાવણીની પ્રક્રિયા શક્ય બની ન હતી. આ અંગે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું- મને કોરોના થયો હતો, માટે આ કેસને લગતું લિસ્ટીંગ થઈ શક્યું નથી. જોકે આ પ્રકારના સમાચાર કોણ પ્રકાશિત કરી રહ્યું છે? ખંડપીઠમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો પણ સમાવેશ થતો હતો. જોકે, ત્યારબાદ કેસ અંગે સુનાવણી માટે લિસ્ટેડ કરતા ખંડપીઠે કહ્યું ઠીક છે, તેને લીસ્ટમાં લેવી અન્યથા અખબારમાં સમાચાર છપાઈ જશે.
ઈસાઈ સમુદાયના સભ્યો સામે હિંસાને લગતી ઘટના
સુપ્રીમ કોર્ટમાં એપ્રિલ મહિનામાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દેશભરના અનેક રાજ્યોમાં ઈસાઈ સમુદાયના સભ્યો સામે હિંસા તથા મૉબ લિચિંગને અટકાવવા આદેશ આપવાની માગ કરી હતી. અરજી સીનિયર વકીલ ડૉ.કૉલિન ગોંઝાલ્વિસે બેંગ્લુરુ કેથોલિક ચર્ચના આર્કબિશપ ડૉ.પીટર મચાડોએ નેશનલ સૉલિડેરિટી ફોરમ, ધ ઈવેન્ઝેલિકલ ફેલોશિપ ઓફ ઈન્ડિયા તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમા કહેવામાં આવ્યું હતું કે પ્રત્યેક મહિને દેશભરમાં ઈસાઈ સંસ્થાઓ અને પૂજારીઓ સામે સરેરાશ 45થી 50 હિંસક હુમલા થાય છે.
જૂન અને જુલાઈ મહિનામાં સુનાવણી નહીં થવાના સંજોગોમાં મીડિયામાં એવી સમાચાર આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટ ઈસાઈ-વિરોધી હિંસાને લગતી અરજીની સુનાવણીમાં વિલંબ કરી રહી છે. આ પ્રકારના સમાચાર આપવા બદલ ન્યાયમૂર્તિ ચંદ્રચુડે વકીલોની આકરી ઝાટકણી કાઢી હતી.
4 વર્ષ પૂર્વે જ સુપ્રીમ કોર્ટ આદેશ આપી ચુકી છે
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો સામે અનેક દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમા ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ, પીડિતને વળતર, સજા તથા કાયદો લાગૂ કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાનો સમાવેશ થતો હતો. કોર્ટે કહ્યું હતું કે હેટ ક્રાઈમ, ગૌરક્ષા તથા લિંચિંગની ઘટનાઓ જેવા ગુનાઓને શક્ય એટલા જલ્દીથી ખતમ કરવામાં આવવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.