• Gujarati News
  • National
  • Warning On Corona Capsule; Molnupiravir Oral Antiviral Treatment For COVID Senior Citizens But Not Reproductive Age

ડોક્ટરને પૂછ્યા વગર દવા ના લેતા:મોલનુપિરાવિર વૃદ્ધોને આપવી જોઈએ, પરંતુ સગીર વયની યુવતીઓએ ના લેવી, કારણ વગર આ દવા લેવી જોખમી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એન્ટીવાઇરલ ડ્રગ્સ મોલનુપિરાવિરના ઉપયોગ વિશે નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ મંગળવારે અમુક સૂચનો જાહેર કર્યાં છે. NTAGIના ચેરમેન ડૉ. એન.કે. અરોરાએ કહ્યું હતું કે મોલનુપિરાવિર ડ્રગ દર્દીઓને હોસ્પિટલાઈઝેશન અને ICUમાં દાખલ થતા રોકી શકે છે.

તેમણે કહ્યું હતું કે આ દવા વૃદ્ધોને આપવી જોઈએ. ખાસ કરીને એવા વૃદ્ધો, જેઓ પહેલેથી ગંભીર બીમારીઓથી પીડિત છે, પરંતુ સાથે જ તેમણે એવી પણ સલાહ આપી હતી કે આ દવા પ્રજનનની ઉંમર (સામાન્ય રીતે 18થી 50 વર્ષ)વાળા લોકોને ના આપવી જોઈએ. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોલનુપિરાવિર કારણ વગર લેવી જોખમી સાબિત થઈ શકે છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ એન્ટીવાઇરલ ડ્રગના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. હેલ્થ એક્સપર્ટનો દાવો છે કે આ દવા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર પણ અસરકારક છે.

વેક્સિન નહીં, ઓરલ ડ્રગ છે મોલનુપિરાવિર
મોલનુપિરાવિરને શરદી-ખાંસી અને તાવના દર્દીઓ માટે બનાવવામાં આવી છે. આ વેક્સિન નથી, પરંતુ ઓરલ ડ્રગ છે. આ દવાને ફાર્મા કંપની મર્ક અને રિઝબેકે બનાવી છે. એનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. આ દવા 18 વર્ષથી વધુ ઉંમરના કોરોનાથી સંક્રમિત દર્દીઓને આપી શકાય છે. મોલનુપિરાવિર દવા વાઇરસના જિનેટિક કોડમાં ફેરફાર કરીને એનું ઈન્ફેક્શન અટકાવે છે. આ કેપ્સ્યૂલનો એક કોર્સ છે.

કેટલી અસરકારક છે મોલનુપિરાવિર
ઈન્દરોના ભંડારી હોસ્પિટલના એક ડોક્ટર રવિ દોશીના જણાવ્યા પ્રમાણે, જે દર્દીઓમાં પ્રાથમિક કોરોનાનાં લક્ષણો હતાં એમાં મોલનુપિરાવિર આપવાથી સ્થિતિમાં સુધારો આવ્યો છે. ડોક્ટરોનું માનવું છે કે શરૂઆતમાં આ દવા આપવામાં આવે તો એનાથી સંક્રમણ વધુ ફેલાતું રોકી શકાય છે. આ સ્થિતિમાં આ દવા 70 ટકા અસરકારક છે.

અમેરિકા અને બ્રિટનમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે
મોલનુપિરાવિરનો ઉપયોગ અત્યારે બ્રિટન અને અમેરિકામાં થઈ રહ્યો છે. બ્રિટિશ હેલ્થ એજન્સીઓએ દાવો કર્યો છે આ દવા સેફ અને ઈફેક્ટિવ છે. ભારતમાં આ કેપ્સ્યૂલ માત્ર તે દર્દીઓને આપવામાં આવશે જેમનું ઓક્સિજન લેવલ 93 ટકા કરતાં વધારે છે છતાં તેમનામાં ગંભીર કોરોનાનાં લક્ષણો છે. આ દવા ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર નહીં આપી શકાય.

અમેરિકામાં 12 વર્ષ કરતાં વધુની ઉંમરના લોકોને અપાય છે પેક્સલોવિડ

અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 દવા પેક્સલોવિડને પણ મંજૂરી આપી દીધી છે. આ કોરોના સામે લડતી દુનિયાની પહેલી ઓરલ એન્ટીવાઇરલ પિલ છે. પેક્સલોવિડને મંજૂરી આપવાના એક દિવસ પછી જ અમેરિકાએ મોલનુપિરાવિરને પણ મંજૂરી આપી દીધી હતી. પેક્સલોવિડ ગંભીર બીમારીની સ્થિતિમાં 12 વર્ષનાં બાળકો અને મોટાને આપી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...