બિહારના ભાગલપુરમાં બે પક્ષો વચ્ચેની લડાઈ જોઈ અને રેકોર્ડિંગ કરી રહેલા એક યુવકનું ગોળી લાગવાથી મૃત્યુ થયું હતું. યુવક પોતાના ઘરના ધાબા પરથી મોબાઈલ ફોનમાં ઝઘડાનો વીડિયો લઈ રહ્યો હતો. આ દરમિયાન ગોળીબાર થતા તે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તેનો આ વીડિયો પણ સામે આવ્યો છે.
લગભગ દોઢ મિનિટના વીડિયોમાં બંને પક્ષો વચ્ચેની લડાઈ જોઈ શકાય છે. જેમાં કેટલાક લોકોના હાથમાં રાઈફલ જોવા મળી રહી છે. એટલામાં કોઈનો અવાજ પણ આવે છે કે પાછળ હટો, ગોળી ચાલશે. થોડીવાર પછી ગોળીનો અવાજ આવે છે અને યુવક નીચે પડી જાય છે.
ઘટના નવગાછિયાના રાજેન્દ્ર નગર કોલોનીની છે. જ્યાં હોળી રમતા સમયે અચાનક બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ઊંચા અવાજે ગીત વાગવા મુદ્દે શરૂ થયેલી લડાઈમાં પહેલા મારામારી થઈ અને પછી અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. જેમાં ધાબા પર ઉભેલા એક યુવકને ગોળી વાગી. ઇજાગ્રસ્તને તાત્કાલિક માયાગંજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું.
સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, બધા હોળીની મજા માણી રહ્યા હતા. આથી ચેરમેનના પતિ ડબલ્યુ યાદવ સાથે આવેલા વોર્ડ કાઉન્સિલર કોઈ વાતને લઈને બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ડબલ્યુ યાદવ અને તેમના સમર્થકો રાઈફલ લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન ડબલ્યુ યાદવે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ધાબા પર ઉભેલા યુવકને ગોળી વાગી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધ્યો હતો. જે બાદ તે વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. સ્થાનિક પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ચેરમેનના પતિ ડબલ્યુ યાદવ ઘટના બાદથી ફરાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.