રેકેટનો પર્દાફાશ:રાજ્યસભા સભ્ય કે રાજ્યપાલ બનવું છે? તો 100 કરોડ આપો!

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CBI દ્વારા ‘નકલી સીબીઆઈ’ના છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ
  • સરકારી સંગઠનોમાં ચેરપર્સન, મંત્રાલયોમાં િનમણૂકની ‘સ્કીમ’

સીબીઆઈએ રૂ. 100 કરોડ લઈને રાજ્યસભાની સીટ અપાવનારા અને રાજ્યપાલ બનાવવાના નામે ઠગાઈ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ અનેક રાજ્યમાં ફેલાયેલા આ રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓ પૈસાની લેવડદેવડ કરતા પહેલા જ ઝડપી લીધા હતા. આ ‘સ્કીમ’ ચલાવતા આરોપીઓ રાજ્યસભાના સભ્ય કે રાજ્યપાલ પદની જ નહીં, સરકારી સંગઠનોમાં ચેરપર્સન અને વિવિધ મંત્રાલયના વિભાગોમાં નિમણૂક કરાવવાની લાલચ આપીને પણ ઠગાઈ કરતા હતા.

આ તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું છે કે, આ મામલે એક કેસ કરાયો હતો. તેથી તપાસ અધિકારીઓ છેલ્લા કેટલાક સપ્તાહથી એક ફોન ઈન્ટરસેપ્ટ કરીને કૉલ સાંભળતા હતા. બાદમાં સીબીઆઈએ આ કેસમાં દરોડા પાડીને મહારાષ્ટ્રના કરમાલકર પ્રેમકુમાર બંદગર, કર્ણાટકના રવીન્દ્ર નાયક, દિલ્હીના મહેન્દ્ર અરોરા, અભિષેક બુરા અને મોહમ્મદ અજીજ ખાન અને બીજા અજ્ઞાત લોકોની ધરપકડ કરી છે.

જોકે, એક આરોપી કાર્યવાહી વખતે ભાગી ગયો હતો. કરમાલકર પોતાને સીબીઆઈ અધિકારી ગણાવતો હતો, જેના અનેક રાજકીય-સરકારી હસ્તીઓ સાથે સંબંધ હતા. આ દરમિયાન અભિષેક બુરાએ કરમાલકર સાથે તેના કનેક્શનનો ઉપયોગ કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ વિકસાવ્યા હતા. આ સંબંધોનો ઉપયોગ તેમણે આવી નિમણૂકો કરવા અને લોકોને છેતરવા માટે કર્યો હતો.

આરોપીઓ સામેની ફરિયાદમાં સીબીઆઈએ કહ્યું છે કે, રૂ. 100 કરોડ જેવી માતબર રકમના બદલામાં રાજ્યસભાનું સભ્યપદ આપવાની લાલચ આપવી ગંભીર બાબત છે. કરમાલકર દરેક છેતરપિંડીમાં પોતાને સીબીઆઈ અધિકારી તરીકે રજૂ કરતો. મોહમ્મદ એજાજ ખાન સહિતના આરોપીઓ સામે પણ તેણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે રજૂ કરીને આ પ્રકારના કામ લાવવાનું કહ્યું હતું, જેથી તેઓ મોટી રકમના બદલામાં સોદો કરી શકે. બાદમાં બંદગર, નાયક, અરોરા અને એજાજ ખાન વચેટિયા અભિષેક બુરા થકી ‘ક્લાયન્ટ’ને પ્રભાવિત કરવા રાજકીય હસ્તીઓ તેમજ આઈએએસ અધિકારીઓના નામનો ઉપયોગ કરતા હતા.

સીબીઆઈને એવું પણ માલુમ પડ્યું છે કે, કરમાલકર નકલી સીબીઆઈ અધિકારી બનીને વિવિધ પોલીસ અધિકારીઓને પોતાના પરિચિતોનું કામ કરાવવાનું પણ કહેતો હતો. આ રીતે તેમણે અનેકવાર પોલીસ તપાસ પણ પ્રભાવિત કરી હતી. કરમાલકરનો હેતુ વધુને વધુ ‘ક્લાયન્ટ’ લાવીને મોટી છેતરપિંડી કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...