રાહુલ ગાંધીનો ફિટનેસ ફન્ડા:એક કલાકમાં 7 કિમી ચાલ્યા, માત્ર એક જ વખત પાણી પીધું; તેમને ફિટ રાખે છે આ 4 બાબતો

એક મહિનો પહેલા

શનિવારે અમેઠીની પદયાત્રામાં રાહુલ ગાંધીએ થાક્યા વિના એક કલાકમાં 7 કિમીનું અંતર કાપ્યું. આ પછી લોકો 51 વર્ષીય રાહુલની ફિટનેસ પર વિશ્વાસ કર્યા વગર ન રહી શક્યા. બહુ ઓછા લોકો જાણે છે કે રાહુલ અકિડોના માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ હોલ્ડર છે.

ચૂંટણી સમયે પણ તેઓ દરરોજ જીમમાં જાય છે અને વર્કઆઉટ કરે છે. સવારે ઉઠીને સાયકલ ચલાવવા જાય છે. આ જ કારણ છે કે 50 વર્ષ થયા હોવા છતા તેઓ એકદમ ફિટ છે. આ કારણે કહી શકીએ કે રાહુલ જ PM મોદીના ફિટ ઈન્ડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે.

રાહુલે 9 સેકેન્ડમાં 13 પુશઅપ્સ કર્યા હતાં

તમિલનાડુના કન્યાકુમારીની એક સ્કૂલમાં રાહુલ ગાંધીની પુશઅપ્સ કર્યાની તસવીરો સામે આવી હતી. અહીં સ્કૂલના વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને અપીલ કરી તેમને સ્ટેજ પર આવીને પુશઅપ્સ કરવાનું કહ્યું. તેમણે માત્ર 9 સેકન્ડમાં 13 પુશઅપ્સ કર્યા. આ પછી રાહુલે સિંગલ હેન્ડ એટલે કે માત્ર એક હાથથી પુશઅપ્સ કર્યા.

સિક્યોરિટી ગાર્ડ્સને દૂર કરી સાઈક્લિંગ કરે છે

બોક્સર વિજેન્દર કુમાર સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ રમતગમતમાં તેમની રુચિ અંગે ખુલાસો કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની અકીડો તસવીરો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને બેડમિન્ટન અને ફૂટબોલ રમવામાં પણ રસ છે. તેમની સિક્યોરીટી છોડીને સાયકલ ચલાવતા હોવાની તસવીરો સામે આવી છે.

સ્વિમિંગ કરીને પોતાને ફિટ રાખે છે

તેમને સ્વિમિંગ અને સ્કુબા ડાઈવિંગ પણ ગમે છે. કેરળમાં રાહુલે તરવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી. તેઓ માછીમારોની સમસ્યા સમજવા કોલ્લમ પહોંચ્યા હતા. રાહુલ દરિયામાં બોટ પર પણ ગયા હતા. માછલી પકડવા માટે જાળ નાખવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ પણ કુતુહલ દેખાડતા બાકીના માછીમારોની સાથે પાણીમાં કૂદી પડ્યા હતા. જો કે, રાહુલ માત્ર એક સ્ક્વિડ (માછીમારી માટે વપરાતી માછલી) પકડી શક્યા.

દાળ-ભાત, રોટલી-શાક પસંદ છે

માત્ર રમતો જ નહીં. રાહુલ ગાંધીના નાસ્તાની વાત કરીએ તો તેઓ હેલ્ધી બ્રેકફાસ્ટમાં ઈડલી-ઢોંસા, સાંભાર અને ડ્રાયફ્રૂટ્સ ખાવાનું પસંદ કરે છે. પોતાને ફિટ રાખવા માટે તેઓ લીંબુનો શરબત પણ પીવે છે. દાળ, ભાત, રોટલી અને શાકભાજી ઉપરાંત તેમને સાઉથ ઈન્ડિયન ભોજન પણ પસંદ છે.

અમેરિકાની હાવર્ડ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે
રાહુલ ગાંધીએ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં MPHIL કર્યું છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે. 2004માં જ્યારે તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા ત્યારે તેમણે પોતાના સોગંદનામામાં પ્રોફેશન કોલમમાં 'ખેડૂત' લખ્યું હતું. જોકે, 2009માં તેને બદલીને 'સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ' કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...