• Gujarati News
  • Dvb original
  • Vishnu Dayal, Infamous For His Eye popping Scandal, Became An MP For The Second Time In A Row. If He Becomes CM, Prakash Mishra Will Lose By One Lakh Votes

રાજનીતિમાં જનારા 10 DGPની કહાણી:આંખ ફોડવાના કાંડને લઈને બદનામ થયેલા વિષ્ણુ દયાલ સતત બીજી વખત સાંસદ બન્યા, યુમનામ સીધા જ ડે. સીએમ બન્યા તો પ્રકાશ મિશ્રા એક લાખ મતથી હારી ગયા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિખિલ કુમાર, ડી.કે. પાંડે, પ્રકાશ મિશ્રા, યુમનામ જયકુમાર સિંહ અને વિષ્ણુ દયાલ રામ (ઉપરથી નીચે) બધા ડીજીપી રહી ચૂક્યા છે. - Divya Bhaskar
નિખિલ કુમાર, ડી.કે. પાંડે, પ્રકાશ મિશ્રા, યુમનામ જયકુમાર સિંહ અને વિષ્ણુ દયાલ રામ (ઉપરથી નીચે) બધા ડીજીપી રહી ચૂક્યા છે.
  • ડી. કે. પાન્ડે 1984ની બેચના IPS અધિકારી છે, તેઓ CRPFના ADG પણ રહી ચૂક્યા છે, નિવૃત્ત થયા પછી ભાજપમાં જોડાયા, પણ ટિકિટ ન મળી
  • મણિપુરના DGP રહેલા યુમનામ કુમારને તેમની પાર્ટી એનપીપીએ 6 વર્ષ માટે બરતરફ કર્યા છે

ગુપ્તેશ્વર પાંડે, જે થોડા કલાક પહેલાં બિહારના ડીજીપીથી ભૂતપૂર્વ ડીજીપી થયા. આજકાલ તેમનું વર્ચસ્વ છે. મંગળવારે તેમણે નિવૃત્તિના પાંચ મહિના પહેલાં જ વીઆરએસ લીધું છે. રાજકીય વર્તુળોમાં તેમની ચૂંટણી અંગે હવે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. માનવામાં આવે છે કે તેઓ એનડીએ બેઠક પર વાલ્મીકિનગરથી વિધાનસભાની ચૂંટણી અથવા લોકસભા પેટા-ચૂંટણી લડી શકે છે. જોકે તેમણે હજી સુધી તેમનાં પત્તાં ખોલ્યાં નથી.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગેનાં તેમનાં નિવેદનોથી પ્રકાશમાં આવેલા ગુપ્તેશ્વર પાંડેએ અગાઉ 2009માં રાજીનામું આપ્યું હતું અને બક્સર લોકસભા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. જોકે છેલ્લી ક્ષણે ભાજપે બેઠકના ઉમેદવાર લાલમુનિ ચૌબેને ટિકિટ આપી હતી, જે બાદ તેણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું.

ગુપ્તેશ્વર પાંડેની વીઆરએસ લેવાની ઘટનાને ચોક્કસપણે રાજકીય માઇલેજ મળી રહી છે, પરંતુ એવું નથી કે પહેલીવાર કોઈ ડીજીપી રાજકારણમાં પ્રવેશ્યા હોય. ભૂતકાળમાં, ડઝનથી વધુ ડીજીપીએ રાજકારણમાં ભાગ્ય અજમાવ્યું છે. ઘણા સફળ થયા છે, ઘણા નિરાશ પણ થયા છે.

1. વિષ્ણુ દયાલ રામ : આંખ ફોડવા કાંડ મામલે ચર્ચામાં આવ્યા, 2019માં સતત બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા

1980ના દાયકામાં આંખ ફોડવાના કાંડને કારણે બિહારમાં રાજકારણ ખૂબ જ ગરમાયું હતું. ત્યાર બાદ ગુનેગારોની આંખોમાં એસિડ નાખવામાં આવ્યું હતું. 30થી વધુ ગુનેગારોની આંખો ફોડવાની ઘટના સામે આવી હતી. મોટા ભાગની ઘટના ભાગલપુરમાં બની છે. ત્યારે વિષ્ણુ દયાલ રામ, એટલે કે વી.ડી. રામ ભાગલપુરના એસપી હતા. તેના પર આ ઘટનાનો આરોપ હતો, જેની સીબીઆઈ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પણ તેમની વિરુદ્ધ કોઈ પુરાવાઓ મળ્યા ન હતા. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2003માં બનેલી ગંગાજળ ફિલ્મ આ ઘટના પર આધારિત હતી.

વિષ્ણુ દયાલ રામ ઝારખંડના પલામુના સાંસદ છે. 1973 બેચના આઈપીએસ અધિકારી વિષ્ણુ બે વાર ઝારખંડના ડીજીપી રહી ચૂક્યા છે. એકવાર 2005થી 2006 અને બીજી વખત 2007થી 2010 સુધી. વિષ્ણુ, જે બિહારના બક્સર જિલ્લાના છે, નિવૃત્તિ પછી લગભગ ચાર વર્ષ બાદ 2014માં ભાજપમાં જોડાયા હતા અને ઝારખંડની પલામુ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. આ પછી તેઓ 2019માં સતત બીજી વખત સાંસદ બન્યા. તેઓ અનેક સંસદીય સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.

2. યુમનામ જયકુમારસિંહ : DGP બાદ સીધા જ ડે. સીએમ બન્યા પણ ત્રણ વર્ષ બાદ જ સરકાર સામે બળવો કર્યો

આ વર્ષે જૂન મહિનામાં જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો હતો, ત્યારે મણિપુરમાં એનડીએ પોતાની સરકારને બચાવવા સખત ઝઝૂમી રહી હતી. મહાગઠબંધનના 9 ધારાસભ્યોએ તેમની જ સરકાર સામે બળવો કર્યો હતો. ડેપ્યુટી સીએમ યુમનામ જયકુમાર આ બળવાના સૂત્રધાર હતા, જે બાદ એનડીએ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. જેમ તેમ કરીને સરકાર બચી તો ગઈ, પણ યુમનામને છૂટા કરી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં એનપીપીએ તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.

65 વર્ષીય યુમનામ જયકુમાર સિંઘની ગણતરી પૂર્વોત્તરના ટોચના નેતાઓમાં આવે છે. તેઓ હાલમાં ઉરિપોક વિધાનસભા વિસ્તારથી નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ધારાસભ્ય છે. આ પહેલાં તેઓ મણિપુરના નાયબ મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. 1976 બેચના આઈપીએસ અધિકારી યુમનામ 2007થી 2012 સુધી મણિપુરના ડીજીપી હતા. નિવૃત્તિના લગભગ 5 વર્ષ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2017માં ઉરિપોક બેઠક જીત્યા પછી, તેઓ એન. વિરેન સિંહની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.

3. ડી.કે. પાંડે: નિવૃત્તિ પછી ભાજપમાં જોડાયા, ટિકિટ માટે દાવો કર્યો, પણ તેમને ચૂંટણી લડવાની તક મળી નહીં

ડી. કે. પાંડે 1984 બેચના આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે. તેઓ CRPFના ADG પણ રહી ચૂક્યા છે. 2015માં તેમને ઝારખંડના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તેઓ માર્ચ 2019 સુધી ઝારખંડના ડીજીપી રહ્યા હતા. નિવૃત્તિ પછી પાંડે ઓક્ટોબર 2019માં ભાજપમાં જોડાયા હતા.

ડી.કે. પાંડે કાંઠા વિસ્તારમાં પોતાના બનાવેલા ઘરને લઈને હંમેશાં ચર્ચામાં રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાનું ઘર ગેરકાયદે જમીન પર બનાવ્યું છે. આ મામલે તપાસ ચાલી રહી છે. થોડા દિવસો પહેલાં તેની પુત્રવધૂએ પણ દહેજની પજવણીનો આરોપ લગાવ્યો હતો.

4. નિખિલ કુમાર : એક વખત સાંસદ અને બે વખત રાજ્યપાલ બન્યા, પિતા બિહારના મુખ્યમંત્રી હતા

નિખિલ કુમારનો પરિવાર જૂનો રાજકીય ઇતિહાસ ધરાવે છે. તેમના પિતા સત્યેન્દ્ર નારાયણ સિંહ બિહારના મુખ્યમંત્રી અને ઔરંગાબાદ લોકસભાથી છ વખત સાંસદ રહી ચૂક્યા છે. બિહારના વૈશાલી જિલ્લાના વતની, 1963 બેચના આઈપીએસ અધિકારી નિખિલ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), આઇટીબીપી અને આરપીએફના DGP રહ્યા છે. 2001માં તેઓ નિવૃત્ત થયા. ત્યાર બાદ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા.

તેમણે કોંગ્રેસમાંથી ઔરંગાબાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ત્યાર બાદ તેઓ 2009માં નાગાલેન્ડ અને 2013માં કેરળના રાજ્યપાલ બન્યા. 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળી નથી, જે બાદ કોંગ્રેસે તેમને રાજ્યસભાના ઉમેદવાર બનવાની ખાતરી આપી હતી, પરંતુ તેમને તક મળી નથી.

5. પ્રકાશ મિશ્રા : નિવૃત્તિ પછી ભાજપમાં જોડાયા, પણ એક લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો

1977 બેચના IPS અધિકારી અને ઓડિશાના ભૂતપૂર્વ ડીજીપી પ્રકાશ મિશ્રા પણ વિવાદોમાં રહ્યા છે. 2012થી 2014 સુધી તેઓ ઓડિશાના ડીજીપી રહ્યા હતા. સપ્ટેમ્બર 2014માં, ઓડિશા સરકારે તેમના પર વિજિલન્સ ચાર્જ લગાવ્યો હતો અને તેમને ડીજીપી પદ પરથી હટાવ્યા હતા. રાજકારણ એ સમયે ઉગ્ર હતું. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઓડિશા સરકારને ઘેરી લીધી હતી અને તેના પર આ ષડ્યંત્ર દ્વારા પરેશાન કરવાનો આરોપ લાગવાયો હતો, જે બાદ આખો મામલો કોર્ટમાં ગયો હતો. જૂન 2015માં કોર્ટે સરકારના આક્ષેપોને ફગાવી દેતાં પ્રકાશ મિશ્રાને રાહત મળી હતી.

ત્યાર બાદ તેઓ 2014થી 2016 સુધી CRPએફના DGP રહ્યા હતા. તેઓ નિવૃત્તિ પછી 2019માં ભાજપમાં જોડાયા હતા. તેમને કટક બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ મળી, પણ તેઓ જીતી શક્યા નહીં. તેમને બીજેડીના ઉમેદવાર ભર્તુહરિ મહતાબ સામે એક લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ અધિકારીઓ સિવાય અન્ય ડીજીપી પણ હતા, જેમણે રાજકારણમાં ભાગ્ય અજમાવ્યું હતું. જોકે તેમાંથી મોટા ભાગનાને સફળતા અને ખ્યાતિ ન મળી, જેની તેમણે આશા હતી.

6. સુનીલકુમાર

1987ની બેચના IPS અધિકારી રહેલા સુનીલકુમાર હાલમાં જ JDUમાં સામેલ થયા છે. આ વખતે વિધાનસભામાં તેઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સુનીલકુમાર હોમગાર્ડ અને ફાયર સર્વિસીસના DGP રહી ચૂક્યા છે. આ વર્ષે જુલાઈમાં સુનીલકુમાર નિવૃત્ત થયા છે. ગોપાલગંજના વતની પૂર્વ DGP સુનીલકુમારના ભાઈ અનિલ કુમાર કોંગ્રેસનાં ધારાસભ્ય છે.

7. અજિતસિંહ ભટોટિયા

1968ની બેચના IPS અધિકારી રહેલા અજિતસિંહ ભટોટિયા હરિયાણાના પૂર્વ ડીજીપી રહી ચૂક્યા છે. નિવૃત્ત બાદ 2005માં ભાજપમાં સામેલ થયા હતા. ત્યાર બાદ 2010માં કોંગ્રેસમાં જોડાયા. જોકે કોંગ્રેસમાં પણ વધુ સમય ન રહ્યા અને 2014માં તેઓ એએમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

8. આર. નટરાજ

આર. નટરાજ તામિલનાડુની બેઠક પરથી ધારાસભ્ય છે. 1975ની બેચના આઈપીએસ અધિકારી રહેલા નટરાજની ગણતરી તેજ અધિકારીઓમાં થતી હતી. તામિલનાડુના ડીજીપી રહી ચૂકેલા નટરાજ 2014માં એઆઈડીએમકેમાં જોડાયા હતા. ત્યાર બાદ 2016માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.

9. એચ.આર. સ્વાન

1957ની બેચના IPS અધિકારી રહેલા એચ.આર સ્વાનનું મૃત્યુ આ વર્ષના મે માહિનામાં થયું હતું. હરિયાણાના DGP રહી ચૂકેલા સ્વાન 1996માં ભાજપમાં જોડાયા હતા. તેમણે 1996 અને 1998માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પણ તેઓ જીત્યા ન હતા. 2004માં તેમણે ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.

10. વિકાસ નારાયણ રાય

વિકાસ નારાયણ રાય હરિયાણાના DGP રહી ચૂક્યા છે. 1977 બેચના IPS અધિકારી રહેલા વિકાસ 2012માં નિવૃત્ત થયા. ત્યાર બાદ 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ હંમેશાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...