હવે કોહલી કેપ્ટન નહીં રહે:દ.આફ્રિકા સામે કારમી હાર પછી વિરાટે ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી, સિલેક્શન કમિટિ દ્વારા વનડે કેપ્ટન તરીકે હટાવાયો હતો

9 દિવસ પહેલા
  • ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો, તેમનો હું આભારી રહીશ- વિરાટ કોહલી

વિરાટ કોહલીએ T-20 પછી ટેસ્ટની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે. તેણે શનિવારે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે. કોહલીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપતા એક ભાવુક સંદેશો પણ શેર કર્યો છે. આની પહેલા BCCIએ લિમિટેડ ઓવરમાં એક જ કેપ્ટન રાખવા મુદ્દે વિરાટને વનડે કેપ્ટન પદેથી હટાવી રોહિતની પસંદગી કરી હતી.

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામા પછી કહ્યું...
મેં 7 વર્ષથી ટીમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવી છે અને આમાં મારું સંપૂર્ણ સમર્પણ આપ્યું છે. મેં આ તમામ ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી છે. દરેક યુગનો એક સમય હોય છે અને મને લાગી રહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે મારો બસ આ ક્ષણો પૂરતો જ સમય હતો. આ દરમિયાન મેં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે અને દરેક મેચમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો- વિરાટ
કોહલીએ પોસ્ટમાં લખ્યું છે કે હું રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ ગ્રુપને ધન્યવાદ કહેવા માગુ છું. તે ઈન્ડિયન ટેસ્ટ ટીમના એન્જિન સમાન રહ્યા છે, જેમની સહાયથી અમે ઘણી સિરીઝ પોતાને નામ કરવામાં સફળ રહ્યા છીએ. આની સાથે કોહલીએ ફેન્સને ધન્યવાદ કહેતા કહ્યું કે તમે પણ મારા વિઝનમાં મારો સાથ આપ્યો છે. તમારા સપોર્ટ અને પ્રેમથી જ અમે ઉત્સાહ પૂર્વક ગેમ રમી શક્યા છીએ. અંતમાં હું મહેન્દ્ર સિંહ ધોનીનો ધન્યવાદ કહેવા માગુ છું. તેમણે મારા પર વિશ્વાસ રાખી મને ઈન્ડિયન ટીમની કમાન સોંપી હતી. ધોનીને આશા હતી કે હું ઈન્ડિયન ટીમને નવી ઉંચાઈઓ સર કરવામાં સહાય કરી શકીશ.

ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો- વિરાટ
ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો- વિરાટ

કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
કોહલી 2014માં ધોનીની ટેસ્ટ કેપ્ટન તરીકે નિવૃત્તિ લીધા પછી કેપ્ટન બન્યો હતો. આની સાથે જ વિરાટના શાનદાર પ્રદર્શનના કારણે તે ભારતનો અત્યારસુધીનો ટેસ્ટ ટીમનો સૌથી સફળ કેપ્ટન પણ રહ્યો છે. વિરાટે 68 ટેસ્ટમાં ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ કરી છે અને આમાંથી 40માં ટીમને જીત મળી છે જ્યારે 17માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં વિરાટની કેપ્ટનશિપમાં 11 ટેસ્ટ મેચ ડ્રો પણ રહી છે.

વિરાટ કોહલી પછી બીજા નંબર પર સૌથી સફળ કેપ્ટનની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવે છે. ધોનીએ 60 ટેસ્ટમાંથી ઈન્ડિયન ટીમને 27માં જીત અપાવી છે. જ્યારે 18માં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે તો 15 ટેસ્ટ ડ્રો રહી છે.

કોહલીએ સ્વેચ્છાએ T-20 કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું
વિરાટ કોહલીએ સ્વેચ્છાએ T-20ની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે BCCIને એવી આશા હતી કે વિરાટ કોહલી વનડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ સ્વેચ્છાએ છોડે. જોકે એમ ન થતા BCCIએ રોહિત શર્માને વનડે ફોર્મેટનો પણ કેપ્ટન બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે કોહલીએ કહ્યું હતું કે તે ટેસ્ટ અને વન-ડેની કેપ્ટનશિપ કરવા માગતો હતો.

કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમનો વનડે ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે 95 વનડે મેચ રમી છે, જેમાંથી 65 જીતી અને 27માં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં 3 એવી મેચ રહી છે જે ટાઈ રહી અથવા નિર્ણય આવી શક્યો નહોતો. વળી કોહલીની કેપ્ટનશિપ દરમિયાન ટીમનો વિનિંગ રેશિયો પણ 68% રહ્યો છે. જોકે તે ટીમને એકપણ ICC ટ્રોફી જીતાડી શક્યો નથી.

RCB કેપ્ટન તરીકે વિરાટની અંતિમ IPL હતી
કોહલીએ કહ્યું હતું કે RCBના કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મારું સમર્થન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.

વિરાટે કહ્યું- હું RCBનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું
વિરાટે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી RCBની કેપ્ટનશિપ કરવી એ એક શાનદાર અને પ્રેરણાત્મક યાત્રા રહી છે. હું આ પ્રસંગે RCBનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. મેનેજમેન્ટ, કોચ, સહયોગી સ્ટાફ, ખેલાડી અને સમગ્ર RCB પરિવારે અનેક વર્ષો સુધી મહત્ત્વની જવાબદારી નિભાવી છે. આ એક સરળ નિર્ણય ન હતો. RCB મારા હૃદયની નજીક છે, કારણ કે અમે શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયત્નો સતત કરતા રહીએ છીએ.

RCBના CEO પ્રથમેશ મિશ્રાએ કહ્યું- નિર્ણયનું સન્માન અને સમર્થન કરી છીએ
RCBના CEO પ્રથમેશ મિશ્રાએ કહ્યું હતું કે વિરાટ કોહલી ખૂબ જ સારા ક્રિકેટર પૈકીનો એક છે. તેનું નેતૃત્વ કૌશલ અદભુત રહ્યું છે. અમે તેના નિર્ણયનું સન્માન અને સમર્થન કરી છીએ. વિરાટને RCB નેતૃત્વ સમૂહમાં તેના અવિશ્વસનીય યોગદાન માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ.

29 વર્ષથી જીતનો દુષ્કાળ યથાવત્; SAએ ટેસ્ટ સિરીઝ જીતી
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી ભારતને હરાવી જીતી લીધી હતી. આ મેચમાં આફ્રિકા સામે 212 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ જીતની સાથે જ એલ્ગર એન્ડ કંપનીએ ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાને નામ કરી લીધી છે. વળી રસપ્રદ વાત તો એ છે કે આ મેદાનમાં માત્ર ચોથી વાર કોઈ ટીમે 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

ઈન્ડિયન ટીમને આ ટૂર જીતવા માટે ફેવરિટ ગણવામાં આવતી હતી. પરંતુ એક-બે બેટર સિવાય મિડલ ઓર્ડર અને ઓપનર્સના ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ સેના આ સિરીઝ પોતાને નામ કરી શકી નહોતી. 1992માં ભારતે પહેલીવાર દક્ષિણ આફ્રિકા પ્રવાસ કર્યો હતો, જેમાં છેલ્લા 30 વર્ષોમાં ઈન્ડિયન ટીમ એકપણ સિરીઝ ત્યાં જીતી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...