• Gujarati News
  • National
  • Vice Presidential Election 2022; Ground Report From NDA Candidate Jagdeep Dhankhar Village

દીકરાના મોતે ધનખડને તોડી નાખ્યા હતા:બાળપણમાં કપડાના બોલથી રમતા હતા, રાજકારણમાં આવવા જ નહોતા માગતા

6 દિવસ પહેલા

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 6 ઓગસ્ટે વોટિંગ થવાનું છે. આ જ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવાશે. NDAના ઉમેદવાર જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવાનું નક્કી જ માનવામાં આવે છે. આ દરમિયાન ભાસ્કર ટીમ ધનખડના ગામે પહોંચી અને જાણ્યું કે કોણ છે જગદીપ ધનખડ. કેવી રહી તેમની બાળપણથી અત્યારસુધીની સફર...

જયપુરથી અંદાજે 200 કિમી દૂર ઝુંઝુનુ જિલ્લામાં એક નાનકડા ગામના છે...ઉપરાષ્ટ્રપતિપદના દાવેદાર જગદીપ ધનખડ. ભાસ્કર ટીમ તેમના ગામે પહોંચી ત્યારે જોયું કે ખેતરોની વચ્ચે એક સિંગલ રસ્તો જતો હતો. બાજુમાં એક ખેતર અને એમાં બનેલું મકાન. અમુક લોકો બહાર ઊભા હતા.

અમે કાર રોકીને પૂછ્યું, જગદીપ ધનખડના ઘરે જવું છે, રસ્તો બતાવી દો ને. મહિપાલ નામની એક વ્યક્તિ આગળ આવી અને તેણે કહ્યું, તમે યોગ્ય જગ્યાએ જ આવીને ઊભા છો. આ જગદીપ ધનખડનું જ ખેતર છે. મહિપાલ પાસે ઊભેલા વૃદ્ધ હજારીલાલે કહ્યું, જગદીપ મારા નાનપણનો ફ્રેન્ડ છે, અમે સાથે જ ભણ્યા છીએ.

મહિપાલ અને હજારી અમને ખેતરમાં બનેલા મકાનમાં લઈ ગયા. મહિપાલે જણાવ્યું, આ ખેતર અને મકાન જગદીપભાઈનું જ છે. તેઓ અહીં ઘણીવાર આવે છે. હમણાં ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ભાઈસાહેબનું નામ જાહેર થયું, એના સાત દિવસ પહેલાં જ ભાભીજી (જગદીપ ધનખડનાં પત્ની સુદેશ ધનખડ) અહીં આવ્યાં હતાં. સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મોટા અધિકારીઓ માટે તેમણે જાતે જ રસોઈ બનાવી હતી.

જગદીપ ધનખડના સૌથી ખાસ મિત્ર અને પ્રાઈમરી સુધી સાથે ભણેલા સેનામાંથી નિવૃત્ત કોન્સ્ટેબલ હજારીલાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં જ જગદીપ ગામ આવ્યા હતા. ત્યારે મને કહ્યું હતું કે બધા બંગાળ આવ્યા, તમે કદી નથી આવ્યા. ત્યારે એમ જ મારા મોઢામાંથી નીકળી ગયું હતું કે બંગાળ નહીં, દિલ્હી આવીશ. હવે આ વાત સાચી સાબિત થવાની છે.

શાહીથી હાથ રંગેલા જ હોય છે
હજારીલાલે જણાવ્યું હતું કે જગદીપ ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે. મોટા ભાઈ કુલદીપ ધનખડ અને જગદીપથી નાના રણદીપ અને બહેન ઈંદ્રા છે. ચારેયમાં આજે પણ અખૂટ પ્રેમ છે. કુલદીપ તો આજે પણ કંઈક વાંક હોય તો જગદીપને વઢી દે છે અને જગદીપ પણ એને સહજતાથી લે છે. હજારીલાલે જણાવ્યું હતું કે જગદીપ ધનખડ ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર હતા, સાથે સાથે ધમાલમસ્તી પણ ખૂબ કરતા.
હંમેશાં શાહીથી તેમના હાથ રંગાયેલા રહેતા. હોશિયાર તો એટલા હતા કે 2-3 મિનિટમાં જ સ્લેટમાં બંને બાજુ બારખડી અને ઘડિયા લખી દેતા હતા, એટલે જ શિક્ષકોમાં પણ ધનખડ હંમેશાં વહાલા હતા. તેમને રમવાનો પણ ખૂબ શોખ હતો, એટલે જ હંમેશાં ફાટેલાં-તૂટેલાં કપડાં ભેગાં કરીને એમાંથી દડો બનાવતા. ત્યાર પછી બધા છોકરાઓ ભેગા થઈને એનાથી રમતા હતા. પ્રાઈમરી સુધી બંને ગામની જ સ્કૂલમાં ભણ્યા. ત્યાર પછી એક વર્ષ બાજુના ગામમાં ભણ્યા અને પછી ધનખડ ચિતૌડગઢ સૈનિક સ્કૂલ જતા રહ્યા.

રાજકારણમાં નહોતા આવવા માગતા જગદીપ
જગદીપના નાનાભાઈ અને રાજસ્થાનના પર્યટક વિકાસ નિગમ (RTDC)ના અધ્યક્ષ રહેલા રણદીપે જણાવ્યું હતું કે છઠ્ઠા ધોરણ પછી તેઓ ચિતૌડગઢ સૈનિક સ્કૂલ જતા રહ્યા. મહારાજા કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાર પછી લૉનું ભણ્યા. વકીલાત શરૂ કર્યાના થોડા જ સમયમાં તેમનું નામ સારા વકીલોમાં ગણાવા લાગ્યું. અમારા બંને ભાઈનાં લગ્ન પણ એક જ દિવસે 1 ફેબ્રુઆરી 1979માં થયા. જગદીપભાઈ ક્યારેય રાજકારણમાં આવવા નહોતા માગતા. તેઓ અમુક નેતાઓના સંપર્કમાં હતા. તેમના કહેવાથી જ 1988-89માં જનતાદળ તરફથી ઝુંઝનુના સાંસદની ચૂંટણી લડ્યા હતા. તેઓ બહુમત સાથે જીત્યા અને પહેલીવાર સાંસદ બનતાં જ કેન્દ્રીય કાયદામંત્રી પણ બન્યા.

14 વર્ષના એકના એક દીકરાના મોતથી તૂટી ગયા હતા
હજારીલાલે જણાવ્યું હતું કે ધનખડ મન-મગજથી ખૂબ મજબૂત હતા. તેમને બે બાળક હતાં. દીકરો દીપક અને દીકરી કામના. દીપક અજમેર મેયો સ્કૂલમાં ભણતો હતો. 14 વર્ષની ઉંમરે ફેબ્રુઆરી 1994માં દીપકને બ્રેન હેમરેજ થઈ ગયું. દિલ્હીમાં તેની ઘણી સારવાર કરી, પરંતુ તેને બચાવી ના શક્યા.
દીકરાના મોત પછી ધનખડ તૂટી ગયા હતા. એમ છતાં તેઓ એ દુઃખ-આઘાતમાંથી બહાર નીકળ્યા અને આખા પરિવારને સંભાળ્યો. એકની એક દીકરી કામમાં તેમની સાથે જ રહેતી હતી.

સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું- સરની સફળતાથી બધા ખુશ છે, સ્કૂલનું પણ નામ થઈ ગયું
જગદીપ ધનખડ જે પ્રાઈમરી સ્કૂલમાં ભણ્યા એ હવે ઉચ્ચ માધ્યમિક થઈ ગઈ છે. સ્કૂલ-પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે જગદીપ સરની સફળતાથી ગામના દરેક લોકો ખૂબ ખુશ છે. સ્કૂલમાં ભણતા બીજાં બાળકોને પણ પ્રોત્સાહન મળશે. ધનખડ સર જ્યારે પણ ગામ આવે છે ત્યારે સ્કૂલ ચોક્કસ આવે છે. આજે જે ઓફિસમાં બેસીને તમારી સાથે વાત કરું છું એ તેમનો જ ક્લાસ છે. ત્યારે સ્કૂલમાં બે જ રૂમ હતા. ભાભીજીને પણ સ્કૂલ સાથે ખૂબ માયા છે. દરેક બાળકો માટે સ્વેટર અને પુસ્તકો મોકલે છે. આ વખતે તો જ્યારે તેઓ આવ્યાં હતાં ત્યારે તેમના હાથેથી ચૂરમું ખવડાવીને મારો જન્મદિવસ ઊજવ્યો હતો.

ગ્રામીણોને વિશ્વાસ છે કે ધનખડની જ જીત થશે
ગામના લોકોએ જણાવ્યું હતું કે જગદીપભાઈની જીત નક્કી છે. જ્યારથી તેમનું નામ ઉપરાષ્ટ્રપતિ માટે પસંદ થયું છે ત્યારથી ગામના મંદિરમાં રોજ તેમની જીત માટે પ્રાર્થના થાય છે. ધનખડ જ્યારે બંગાળના ગવર્નર બન્યા ત્યારે પહેલીવાર ગામ આવ્યા ત્યારે બાજુના ગામમાં આવેલા તેમના કુળદેવીના મંદિરે પણ ગયા હતા. ત્યાં તેમણે ખાસ પૂજા કરાવી હતી અને ભોજનનું પણ આયોજન કર્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ વખતે મંદિરમાં ધનખડ માટે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની જીત પછી અહીં ભવ્ય આયોજન કરવામાં આવશે. જ્યારે અમુક લોકો 6 ઓગસ્ટે દિલ્હી જવાનું પણ આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...