પંજાબ કોંગ્રેસના દિગ્ગજ હિન્દુ નેતા સુનીલ જાખડ આજે ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જાખડનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. જાખડે થોડા દિવસો પહેલા જ નોટિસ મળ્યા બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે. પાર્ટી છોડતા પહેલા તેમણે કોંગ્રેસને ઘણું ખરું-ખોટું કહ્યું હતું. જાખડનો પરિવાર લગભગ 50 વર્ષ કોંગ્રેસમાં રહ્યો હતો. હાલમાં તેમના ત્રીજી પેઢીના ભત્રીજા સંદીપ જાખડ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે.
હિન્દુ હોવાના કારણે CM ન બનાવાયા
સુનીલ જાખડે આરોપ લગાવ્યો હતો કે કેપ્ટન અમરિંદર સિંહને ખુરશી પરથી હટાવવામાં આવ્યા બાદ મોટાભાગના ધારાસભ્યો તેમની તરફેણમાં હતા. આ હોવા છતાં તેમને CM બનાવવામાં આવ્યા ન હતા. તેની પાછળનું કારણ સોનિયા ગાંધીની નજીકના અંબિકા સોની છે. તેમણે કહ્યુ હતુ કે પંજાબમાં શીખ CM જ હોવા જોઈએ. આ પહેલા જાખડને હટાવીને કોંગ્રેસે નવજોત સિદ્ધુને અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારબાદ નારાજ થઈને જાખડે સક્રિય રાજકારણથી દુર રહ્યા હતા.
જાખડે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા
સુનીલ જાખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે હું દોઢ વર્ષ સંસદમાં રહ્યો હતો. વડાપ્રધાન મોદી કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પંજાબ આવ્યા હતા. ત્યારે તેમની સાથે લંગર ખાધું હતુ અને વાત કરવાનો મોકો મળ્યો હતો. હવે તેમણે લાલ કિલ્લા પર હિન્દ કી ચાદર શ્રી ગુરુ તેગ બહાદુર જીના 400મા પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી.
કોંગ્રેસ પર આરોપ લગાવીને છોડી હતી પાર્ટી
સુનિલ જાખડે કોંગ્રેસ છોડતા પહેલા પાર્ટીના નેતાઓ પર મોટા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી નિર્ણય લેતા નથી. તેઓએ મિત્ર અને શત્રુની ઓળખ કરવી જોઈએ. જાખડે અંબિકા સોની પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે પંજાબમાં મોટાભાગે કોંગ્રેસ ઈન્ચાર્જ અંબિકા સોનીની કઠપુતળી બનીને કામ કરી રહ્યા છે. જાખડે કોંગ્રેસની ઉદયપુર ચિંતન શિબિર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.