સરકારે આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી આજે વીડિયો-કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં થયેલી ઈન્વેસ્ટર સમિટમાં વર્ચ્યુઅલી સામેલ થયા હતા. તેમણે સમિટમાં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. તેમણે કહ્યું હતું કે પોલિસી અંતર્ગત માત્ર ગાડીની ઉંમર જોઈને એને સ્ક્રેપ નહીં કરાય, પરંતુ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ હશે એવી ગાડીઓને પણ સ્ક્રેપ કરવામાં આવશે, એટલે કે ગાડી 10 વર્ષ જૂની હશે ત્યારે પણ એને સ્ક્રેપ કરી શકાશે. સરકાર એ માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મોદી સરકારે ફાઈનાન્શિયલ યર 2020-21ના બજેટમાં સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી.
સ્ક્રેપેજ પોલિસીમાં જૂની ગાડીને સ્ક્રેપમાં આપવાથી એક સર્ટીફિકેટ મળશે. આ સર્ટિફિકેટથી નવી ગાડી ખરીદતી વખતે રજિસ્ટ્રેશનમાં પૈસા આપવા પડશે નહીં. એ ઉપરાંત રોડ ટેક્સમાં પણ અમુક છૂટ આપવામાં આવશે. નવી કારથી મેઈન્ટેન્સમાં પણ બચત થશે. જૂની ગાડીઓમાં રોડ પરથી હટતાં એક્સિડન્ટનું જોખમ પણ ઘટશે. જૂની ગાડીઓથી પ્રદૂષણ પણ અટકશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
તો હવે સમજીએ કે સરકાર દ્વારા આ પોલિસી કેમ લાવવામાં આવી? આ પોલિસીથી કારના માલિકે શું ફાયદો થશે? કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપિંગ લાયક છે કે નહીં? સ્ક્રેપિંગ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ અમે તમને અહીં જણાવી રહ્યા છીએ...
સ્ક્રેપેજ પોલિસી શું છે?
આ પોલિસીમાં 15 અને 20 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને 15 વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને 20 વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર-માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે.
કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપને લાયક છે કે નહીં
જો તમારી પાસે કાર છે અને એ 15થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે.
કાર સ્ક્રેપ કરતા કાર-માલિકને શું ફાયદા થશે?
કાર-માલિક યોગ્ય સમયે ઓની ગાડી સ્ક્રેપ કરાવશે તો તેને નવી ગાડી ખરીદવામાં રાહત આપવામાં આવશે. કાર સ્ક્રેપ થયા પછી તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ નવી કાર ખરીદતી વખતે શો-રૂમમાં દર્શાવવું પડશે. એને કારણે ગ્રાહકને 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ માસિક અથવા ફેસ્ટિવલ સીઝનમાં મળતાં ડિસ્કાઉન્ટ કરતાં અલગ હશે. એ સાથે જ ગાડીની રજિસ્ટ્રેશન ફીમાંથી પણ છુટકારો મળશે. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25 ટકાની છૂટ આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાં 15 ટકાની છૂટ આપવામાં આવશે.
સ્ક્રેપેજપ પોલિસીથી સરકારને શું ફાયદો થશે?
ગુજરાત ઓટો ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ 2200 કરોડથી વધુ
ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને 2200 કરોડથી વધુ છે, જેમાં સરેરાશ દર મહિને 23000થી વધુ પેસેન્જર વાહનો (કાર) અને 60000થી વધુ ટૂ-વ્હીલરનું વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતાં વાહનોમાં અમદાવાદનો હિસ્સો 25-30 ટકા રહ્યો છે. અમદાવાદ આસપાસના 100 કિલોમીટરમાં ટોચની ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી થઇ રહી છે. સ્ક્રેપેજ પોલિસીની સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ઓટો-એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં હબ છે જે ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પણ હબ બનીને ઊભરશે.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં રૂ.500 કરોડનું રોકાણ આવશે
પેટ્રોલની સતત વધી રહેલી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રાધાન્ય આપતાં નાની-નાની કંપનીઓ પ્રવેશ કરી રહી છે. ગુજરાતમાં સરેરાશ 5-6 કંપની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને બાઇકનું વેચાણ કરી રહી છે. એકાદ વર્ષમાં 500 કરોડથી વધુનું રોકાણ આવે તેવા સંકેતો છે, પરંતુ જ્યાં સુધી પૂરતી માત્રામાં ચાર્જિંગ સ્ટેશન નહિ વિકસિત થાય ત્યાં સુધી આ સેક્ટરનો ગ્રોથ ઝડપી બને તેમ નથી. ઇલેક્ટ્રિક સ્કૂટરનો વ્યાપ વધે એ માટે ઇમેટ્રિક્સમાઇલ પીબીએસ પોલિસી 2.0 અંતર્ગત ગુજરાતનાં મોટાં શહેરોમાં મૂકવામાં આવશે.
સ્ક્રેપેજ પોલિસીની જરૂર કેમ પડી?
દેશમાં 15થી 20 વર્ષ જૂની કાર ઘણી છે. આ ગાડીઓથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ આટલી જૂની કાર રોડ પર ફરે એ યોગ્ય નથી. તેમાં ના તો સીટબેલ્ટ હોય છે, ના એરબેગ્સ જેવી એડવાન્સ સેફ્ટી હોય છે. આ સંજોગોમાં ગાડીઓ પોતાની સાથે બીજાને પણ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. નવાં વાહનોથી થતાં એક્સિડન્ટમાં માથામાં ઈજા થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે, તેથી જ સરકારે આટલી જૂની ગાડીઓ સ્ક્રેપમાં આપવાની પોલિસી લાગુ કરી છે.
સ્ક્રેપ પોલિસીથી 50 હજાર નવી રોજગારી સર્જાશે
આ પોલિસીથી 10 હજાર કરોડનું રોકાણ થશે અને 50 હજાર નવી નોકરીઓ આવશે. દુનિયાની તમામ ઓટો બ્રાંડ પણ ભારતમાં છે. આ પોલિસીથી દેશના ઓટો સેક્ટરની ઈકોનોમી 4 લાખ કરોડ રૂપિયાથી વધીને 6 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
જૂની ગાડી સ્ક્રેપમાં નહીં આપો તો શું થાય
સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર 6 મહિનામાં રિન્યુ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેક ગણી વધારવાનો પ્રસ્તાવ છે.
તમારી જૂની કારનું શું થશે?
સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે, પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે, જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.
ગત વર્ષે કુલ 2.15 કરોડ ગાડીઓનું વેચાણ થયું હતું
નાણાકીય વર્ષ 2020માં ભારતીય ઓટોમેટિવનું માર્કેટ 18 ટકા જેટલું ઓછું રહ્યું છે. 2020માં કુલ 2.15 કરોડ ગાડીઓનું વેચાણ થયું હતું, જેમાં 7.17 લાખ કોમર્શિયલ ગાડીઓનું વેચાણ થયું હતું, એટલે કે 29 પર્સેન્ટનો ઘટાડો નોંધાયો હતો. ત્રણ પૈડાંવાળી ગાડીઓનું માર્કેટ 29 ટકા ઘટીને 6.36 લાખ રહ્યું છે. આ રીતે જ પેસેન્જર કાર અને ટૂ-વ્હીલર વાહનોનું માર્કેટ પણ ઘટ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.