ખેડૂતોનું સમર્થન વરુણ ગાંધીને મોંઘું પડ્યું:મેનકા-વરુણ ગાંધીની બીજેપીની રાષ્ટ્રીય કારોબારીમાંથી હકાલપટ્ટી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુને મળી જગ્યા

17 દિવસ પહેલા

વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને ભારતીય જનતા પાર્ટીની વર્કિંગ કમિટીથી હટાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે યુપીના લખીમપુર ખીરી હિંસા મામલે વરુણ ગાંધીએ સતત ટ્વિટ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બીજેપી સાંસદે લખીમપુર ઘટના વિશે સતત ટ્વિટ કર્યા હતા અને ખેડૂતોને ટાર્ગેટ કરવાની વાતે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે પાર્ટી સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રમાણેના પરિવર્તન થતાં રહેતા હોય છે.

વરુણ ગાંધી વીડિયો ટ્વિટ કરી વિવાદમાં ફસાયા
નોંધનીય છે કે, લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવાની ઘટના વિશે બીજેપી સાંસદ વરુણ ગાંધીએ બુધવારે એક વીડિયો શેર કર્યો હતો. ગુરુવારે તેમણે આ ઘટનાનો બીજો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પહેલાવાળા વીડિયોથી સારી ક્વોલિટી છે. તેમાં ઘટના ક્રમ વધારે સ્પષ્ટ જોવા મળે છે. જોકે હજી આ વીડિયો વિશે કોઈ ચોક્કસ ખુલાસો થયો નથી. લખીમપુરી ખીરી હિંસાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જેમાં ચાર ખેડૂતો છે. હિંસા ત્યારે થઈ જ્યારે એક બ્લેક એસયુવી પ્રદર્શન કરતાં અમુક લોકોને કચડીને આગળ નીકળી ગઈ હતી. વરુણ ગાંધીએ વીડિયો ટ્વિટ કરતાં ગુરુવારે લખ્યું હતું કે, નિર્દોષ ખેડૂતોનું લોહી વહાવનાર લોકોનો ન્યાય કરવો જોઈએ.

વરુણ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, આ વીડિયો કાચ જેવો સ્પષ્ટ છે. પ્રદર્શનકારીઓની હત્યા કરીને તેમને ચૂપ ના કરાવી શકીએ. નિર્દોષ ખેડૂતોનું લોહી વહાવનાર લોકોનો ન્યાય કરવો જોઈએ. દરેક ખેડૂતના મગજમાં ઉગ્રતા અને નિર્દયતાની ભાવના ઘરે કરે તે પહેલાં તેમને ન્યાય અપાવો જોઈએ. પીલીભીતથી સાંસદ વરુણ ગાંધીએ બુધવારે પણ ઘટનાનો એક વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, લખીમપુરખીરીમાં ખેડૂતોને ગાડીથી કચડવાનો આ વીડિયો કોઈની પણ આત્માને હચમચાવી દે તેવો છે. પોલીસ આ વીડિયોને ધ્યાનમાં લઈને આ ગાડીના માલિક, તેમાં બેઠેલા લોકોની ઓળખ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરે.

કમિટીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુને મળી જગ્યા
બીજેપીની વર્કિંગ કમિટી સમિતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુન ચક્રવર્તીને જગ્યા મળી છે. માનવામાં આવે છે કે, આ બંને વ્યક્તિએ બીજેપી માટે જે કામ કર્યું છે અને પોતાના રાજ્યોને મજબૂત બનાવ્યા છે તેનુ તેમને આ ઈનામ મળ્યું છે. પરંતુ જે રીતે વરુણ ગાંધીને હટાવવામાં આવ્યા છે તેનાથી એ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, કોઈ પણ વ્યક્તિ પાર્ટીની છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તે સહન કરવામાં નહીં આવે.

મોદી-અડવાણી-અમિત શાહ પણ સમિતિના સભ્યો
બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુલરી મનોહર જોષી સહિત 80 નેતાઓને રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપ મહાસચિવ અરુણ સિંહ તરફથી જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત સભ્ય અને 179 સ્થાઈ આમંત્રિત સભ્ય પણ રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ધારાસભ્ય પક્ષના નેતા, પૂર્વ ઉપમુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોર્ચા અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી સંગઠન સામેલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના કેટલા મંત્રી

  • ભૂપેન્દ્રભાઈ પટેલ
  • પુરુષોત્તમ રુપાલા
  • મનસુખ માંડવિયા
  • ડૉ. ભારતીબેન શિયાળ
  • રમીલાબેન બારા
  • વિજયભાઈ રુપાણી
  • નીતિનભાઈ પટેલ
  • સી.આર પાટીલ
  • રત્નાકર
અન્ય સમાચારો પણ છે...