દિલ્હીમાં વેક્સિનેશનને વેગવંતુ કરવા માટે કેજરીવાલ સરકારે નવી રણનીતિની તૈયારી હાથ ધરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી હતી કે જો કેન્દ્ર સરકાર અમને સતત વેક્સિનનો પુરવઠો આપતી રહેશે, તો 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 4 સપ્તાહની અંદર વેક્સિનેશન પૂર્ણ થઈ જશે.
કેજરીવાલે કહ્યું હતું કે અમે સંપૂર્ણ વ્યૂહરચનાની સાથે બૂથ સ્તર પર વેક્સિન લગાડવાની તૈયારીઓ હાથ ધરી છે, તેથી જ અમે 'જ્યાં વોટ, ત્યાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરાશે. આ અંતર્ગત લોકો જે સ્થળ પર વોટ આપવા માટે જાય છે ત્યાં જઈને વેક્સિન લગાવી શકે છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે વેક્સિનેશનમાં 45થી વધુ ઉંમરના ઘણા ઓછા લોકો વેક્સિન સેન્ટર પર આવી રહ્યા છે. હવે દિલ્હી સરકાર લોકોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશનની અપીલ કરી રહી છે.
દિલ્હી સરકારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી
કેજરીવાલે કહ્યું હતું કે આ સમગ્ર અભિયાનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અભિયાનની શરૂઆત 70 વોર્ડથી શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કુલ 280 વોર્ડ છે. એવામાં પ્રત્યેક સપ્તાહે 70-70 વોર્ડની અંદર આ અભિયાન ચલાવવામાં આવશે. પ્રથમ દિવસે BLOને તાલીમ અપાશે. ત્યાર પછી આ ઓફિસરો 2 દિવસ સુધી દરેક ઘર સુધી જશે અને લોકો સાથે વાતચીત કરીને તેમને સ્લોટ આપશે. ત્યાર પછી તેઓ વેક્સિન કેટલા વાગ્યે આવીને લેવાની રહેશે એ અંગે પણ સમયની સાથે વિગતવાર માહિતી પૂરી પાડશે.
તેમણે જણાવ્યું હતું કે જે-જે લોકોને સ્લોટ આપવામાં આવ્યો છે, જો એ લોકો વેક્સિનનો ડોઝ લેવા ના આવ્યા, તો ફરીથી તેમના ઘરે જશે અને લોકોને સમજાવવાની કોશિશ પણ કરશે કે વેક્સિન અવશ્ય લેવી જોઈએ.
વેક્સિનના જથ્થાના આધારે 18+નો નિર્ણય
તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમારી પાસે 18-44 વર્ષના લોકો માટે વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે તેમના માટે પણ અમે આ પ્રમાણેનો કાર્યક્રમ ચલાવીશું. તેમણે જનતાને અપીલ કરી હતી કે જ્યારે પણ બૂથ લેવલની ટીમ તેમના ઘરે આવે ત્યારે તમામ મેમ્બરનું સ્વાગત કરજો. લોકો સામે ચાલીને વેક્સિન લેવા માટે આગળ આવે, જેથી અમારું આ અભિયાન સફળ રહે.
ગત દિવસે દિલ્હીમાં 381 કોરોના સંક્રમિત મળ્યા
દિલ્હીમાં રવિવારના રોજ 381 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. 1,189 લોકો સાજા થયા અને 34નાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં 14.29 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 13.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 24,591 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં અત્યારે 5,889 દર્દી સારવાર હેઠળ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.