કેનેડા અને અમેરિકા પછી ભારતમાં પણ 2થી 18 વર્ષના એજ ગ્રુપ માટે કોરોનાની સ્વદેશી વેક્સિન તૈયાર થઈ જશે. અધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ડ્રગ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન(CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ મંગળવારે 2થી 18 વર્ષની ઉંમરવાળાઓ પર ભારત બાયોટેકની કોવેક્સિનના સેકન્ડ અને થર્ડ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.
આ ટ્રાયલ AIIMS દિલ્હી, AIIMS પટના અને મેડિટ્રિન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુરમાં 525 પર કરવામાં આવશે. સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ મંગળવારે હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્રસ્તાવ પર વિચાર કર્યો.
ડેટા મોનિટરિંગ બોર્ડને આપવો પડશે, બીજા ફેઝનો ટ્રાયલ ડેટા
સૂત્રોના જણાવ્યા મુજબ, એક્સપર્ટ્સ કમિટીએ કંપનીને ત્રીજા ફેઝની ટ્રાયલ માટે CDSCO પાસેથી અનુમતિ લેતાં પહેલાં ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડને બીજા ફેઝના સુરક્ષા ડેટા ઉપલબ્ધ કરવવાના નિર્દેશ આપ્યા છે. આ પહેલાં 24 ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને ભારત બાયોટેકને રિવાઈઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ પ્રોટોકોલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કોવેક્સિન રસીનો ઉપયોગ દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ માટે 18+ માટે કરાઈ રહ્યો છે.
અમેરિકામાં 12થી 15 વર્ષના ટીનએજર્સ માટે વેક્સિનને મંજૂરી
આ પહેલાં સોમવારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(US-FDA)એ 12થી 15 વર્ષનાં બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. અત્યારસુધી આ વેક્સિન 16 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાઈ રહી હતી.
આ પહેલાં કેનેડા બાળકોની આ પહેલી વેક્સિનને પરવાનગી આપી ચૂક્યું છે. આમ કરનાર આ વિશ્વનો પ્રથમ દેશ છે. એમ કહેવાઈ રહ્યું છે કે 12થી 15 વર્ષ સુધીનાં બાળકોના વેક્સિનેશનથી અમેરિકામાં મોટી સંખ્યામાં સ્કૂલ અને સમર કેમ્પ ખૂલવાના રસ્તાઓ સાફ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.