• Gujarati News
  • National
  • Vaccine Crisis In The Country Remains, Vaccination At The Centre's Vaccine Festival Fell By 12% Instead Of Increasing

વેક્સિન ઉત્સવથી વેક્સિન જ ગુમ:દેશમાં વેક્સિન સંકટ યથાવત્, કેન્દ્રના વેક્સિન ઉત્સવમાં વેક્સિનેશન વધવાને બદલે 12% ઘટ્યું

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • દેશભરમાં વેક્સિનનું સંકટ યથાવત્, વેક્સિનેશનમાં આવેલા ઘટાડાએ સરકારના દાવાની પોલ ખોલી
  • દેશમાં વેક્સિન ઉત્સવ દરમિયાન વેક્સિનેશન વધવાને બદલે 12% ઘટ્યું

દેશભરમાં વેક્સિનનું સંકટ યથાવત્ છે. ઘણાં રાજ્યો ખુલ્લેઆમ કહી ચૂક્યાં છે, પરંતુ કેન્દ્ર સરકાર એ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે રાજ્ય સરકારોએ વેક્સિનના અભાવ અંગે વાત કરી ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન પોતે આ આંકડા રજૂ કરવા ઊતર્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ક્યાંય પણ વેક્સિનની અછત નથી.

જોકે વેક્સિનેશનમાં આવેલા ઘટાડાએ આ દાવાની પોલ ખોલી દીધી છે; એ પણ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરમાં વેક્સિનેશન વધારવા માટે વેક્સિન ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

મોદીએ 11થી 14 એપ્રિલ દરમિયાન દેશભરમાં વેક્સિન ઉત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ખૂબ પ્રચાર-પ્રસાર થયો. કેન્દ્રીય મંત્રીથી લઈને ધારાસભ્ય સુધી લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી, પરંતુ પરિણામ એની વિરુદ્ધ જોવા મળ્યું. 11થી 14 એપ્રિલ દરમિયાન વેક્સિનેશન વધવાને બદલે 12% ઘટ્યું.

1.13 કરોડથી ઘટીને 99 લાખ થઈ ગયું વેક્સિનેશન
વેક્સિન ઉત્સવ દરમિયાન, એટલે કે 11થી 14 એપ્રિલની વચ્ચે દેશભરમાં વેક્સિનના 99.64 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પહેલાં 7થી 10 એપ્રિલની વચ્ચે 1.13 કરોડ, 3થી 6 એપ્રિલની વચ્ચે 1.10 કરોડ અને 30 માર્ચથી 2 એપ્રિલની વચ્ચે 99.99 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આંકડાથી સ્પષ્ટ થાય છે કે વેક્સિન ઉત્સવના જ વેક્સિનેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે આ ઉત્સવનો ઉદ્દેશ વેક્સિનેશન વધારવાનો હતો.

5 દિવસ પહેલાં મોદીએ કરી હતી દેશભરમાં અપીલ
મોદીએ 11 એપ્રિલે વેક્સિન ઉત્સવની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે 'આજે 11 એપ્રિલે જ્યોતિબા ફૂલે જયંતીથી આપણે દેશવાસી વેક્સિન ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ ઉત્સવ 14મી એપ્રિલ એટલે કે બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી સુધી ચાલશે. તેમણે લોકોને વેક્સિન અપાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું દેશવાસીઓને 4 વસ્તુનું પાલન કરવા વિનંતી કરું છું - જેમણે વેક્સિન લેવામાં મદદની જરૂર છે તેમને મદદ કરો. COVID સારવાર માટે લોકોને સહાય કરો. માસ્ક પહેરો અને અન્યને પ્રેરણા આપો. જો કોઈ પોઝિટિવ જોવા મળે છે, તો પછી એ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવો.'

આરોગ્યમંત્રીનો દાવો- ક્યાંય પણ વેક્સિનની અછત નથી
વેક્સિનેશનમાં થયેલા ઘટાડા વચ્ચે હર્ષવર્ધને બુધવારે કહ્યું હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. ભારત સરકાર દરેક રાજ્યને વેક્સિન આપે છે. આ રાજયોનું કામ છે કે તેઓ વેક્સિનેશન કેન્દ્રોને સમયસર વેક્સિનની સપ્લાઇ કરે.

આ રાજ્યોએ વેક્સિનના અભાવનો આરોપ લગાવ્યો હતો
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, પંજાબ, તેલંગણા, રાજસ્થાન અને ઓડિશાએ વેક્સિન પુરવઠાની અછતના આરોપ લગાવ્યા હતા. આ મામલે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ડો. હર્ષવર્ધનને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે વેક્સિનના અભાવને કારણે 700 વેક્સિનેશન કેન્દ્રોને બંધ કરવા પડ્યાં છે. પંજાબના મુખ્યમંત્રીએ પણ વેક્સિનનો સપ્લાઇ વધારવાની માગ કરી હતી.