ભારતમાં કોરોનાના કેસ ઝડપી રીતે વધી રહ્યા છે અને હાલત બદતર થતી જઈ રહી છે ત્યારે વેક્સિનને એક મોટું હથિયાર ગણાવાઈ છે. જોકે વેક્સિનેશન અભિયાનમાં અત્યારસુધી અમેરિકા એક મોટો અવરોધ બની ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન તરફથી વેક્સિન બનાવવા માટે વપરાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ કારણે જ વેક્સિન નિર્માતાઓને મોટી તકલીફ પડી રહી હતી. હવે અમેરિકાએ ભારતને રાહત આપી છે.
અમેરિકાએ જણાવ્યું છે કે તે ભારતને વેક્સિન બનાવવા માટે એવા દરેક કાચા માલનો સપ્લાઈ કરશે, જેની જરૂર પડે છે. એમ પણ કહ્યું હતું કે ફ્રન્ટલાઇનવર્કર્સને બચાવવા અમેરિકા તરફથી તાત્કાલિક રેપિડ ડાઈગ્નોસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનીય છે કે વેક્સિન બનાવતી વખતે બેગ, ફિલ્ટર, કેપ જેવા કાચા માલની જરૂર પડે છે. એની સૌથી વધુ નિકાસ અમેરિકા દ્વારા જ કરવામાં આવે છે.
નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી USનો દુનિયામાં વિરોધ થયો હતો
ગત મહિનાથી અમેરિકા તરફથી વેક્સિન માટેના કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં આ નિર્ણયનો દુનિયાભરમાં ભારે વિરોધ થયો હતો. સીરમ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અદાર પૂનાવાલાએ તો અપીલ કરી હતી કે અમેરિકા આ પ્રતિબંધો તાત્કાલિક ધોરણે હટાવે અને કોરોનાની લડાઈમાં એક સક્રિય ભૂમિકા ભજવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.