ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને જ્યારે ધર્મ સંસદ સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ઈન્ટરવ્યુથી વચ્ચે જ ઊભા થઈ જઈને મૌર્યએ કહ્યું હતું કે ધર્મ સંસદ ચૂંટણી મુદ્દો નથી અને ધર્માચાર્યોને તેમના સ્ટેજ પરથી તેમની વાત કહેવાનો અધિકાર છે.
બીબીસી હિન્દીને આપેલા ઈન્ટરવ્યુમાં યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશ પ્રસાદ મૌર્યને હરિદ્વાર અને રાયપુરમાં કરવામાં આવેલી ધર્મ સંસદ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. ઈન્ટરવ્યુના અંતમાં તેમણે માઈક કાઢીને ફેંકી દીધું હતું. બીબીસીના જણાવ્યા પ્રમાણે, મૌર્યએ તેમના સુરક્ષાકર્મીને બોલાવીને ઈન્ટરવ્યુના ફૂટેજ પણ ડિલિટ કરાવ્યા હતા, પરંતુ જોકે એને છેલ્લે રિકવર કરી લેવામાં આવ્યા હતા.
જે ધર્મ સંસદ વિશે સવાલ કરવામાં આવ્યો હતો એ બંને ચર્ચાનો વિષય બન્યા હતા, કારણ કે એકમાં મુસ્લિમો તો બીજામાં મહાત્મા ગાંધી વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યાં હતાં અને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. મૌર્યએ પહેલાં એવું કહ્યું હતું કે BJPને કોઈપણ પ્રકારનું સર્ટિફિટેક આપવાની જરૂર નથી, તેઓ સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે છે.
ધર્મ સંસદ સાથે જોડાયેલા સવાલ વિશે મૌર્યએ કહ્યું હતું કે ધર્માચાર્યોને તેમના સ્ટેજ પરથી તેમની વાત કહેવાનો અધિકાર છે. તમે માત્ર ધર્મ આચાર્યોની વાત કેમ કરો છે. અન્ય ધર્મો દ્વારા પણ કેવાં કેવાં નિવેદનો આપવામાં આવે છે એ વિશે પણ તમારે વાત કરવી જોઈએ.
સંતોને એમની બેઠકમાં શું વાત કરવી એ તેમનો વિષય છે: મૌર્ય
મૌર્યએ ઈન્ટરનવ્યુમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી 370 હટાવતાં પહેલાં કેટલા લોકોને ત્યાંથી ભાગવું પડ્યું એની વાત કેમ નથી થતી. ડેપ્યુટી સીએમે કહ્યું હતું કે ધર્મ સંસદ ભારતીય જનતા પાર્ટીની નહોતી. સંતો તેમની બેઠકમાં શું વાત કરે છે એ તેમનો વિષય છે.
શું ધર્મ સંસદ સાથે જોડાયેલા લોકો યુપી ચૂંટણી માટે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આ સવાલના જવાબ વિશે મૌર્યએ કહ્યું હતું કે એવું કોઈ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન નથી થતો. મૌર્યએ કહ્યું હતું કે ધર્મ સંસદમાં કોઈના નરસંહારની વાત નથી કરાઈ અને આ મુદ્દો ચૂંટણી સાથે નથી જોડાયેલો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.