• Gujarati News
  • National
  • Unique Health Card Like Aadhaar Now: PM Modi Likely To Launch National Digital Health Mission Scheme This Month

શુભ સમાચાર:હવે આધાર જેવું યુનિક હેલ્થ કાર્ડઃ વડાપ્રધાન મોદી આ મહિને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન યોજનાનો પ્રારંભ કરે એવી સંભાવના

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • જેમાં તમારો સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ રહેશે, દેશની કોઈપણ હોસ્પિટલમાં જાઓ, તમારા અગાઉના બધા રિપોર્ટ ત્યાં જ મળી જશે
  • કાર્ડમાં ડૉક્ટર, હેલ્થકેર વર્કર, લેબ, કેમિસ્ટની વિગતો પણ નોંધાયેલી હશે

કેન્દ્ર સરકારે યુનિક હેલ્થ આઇડી કાર્ડ બનાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. આ કાર્ડમાં આરોગ્ય સંબંધી બધી જ માહિતી નોંધાયેલી હશે. તમે બીજા રાજ્ય કે શહેરમાં જાઓ તોપણ તમારા મેડિકલ રિપોર્ટ્સ સાથે લઈ જવાની જરૂર નહીં પડે, કેમ કે તમારી પૂરી મેડિકલ હિસ્ટ્રી હેલ્થ કાર્ડમાં નોંધાયેલી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને જ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) લૉન્ચ કરી શકે છે.

એમાં ડૉક્ટર્સ, હોસ્પિટલ, લેબ અને કેમિસ્ટ સુધીની વિગતો નોંધાયેલી હશે. એનો પાઇલટ પ્રોજેક્ટ ગત વર્ષે આંદામાન-નિકોબાર, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ, લદાખ અને લક્ષદ્વીપમાં શરૂ થયો હતો. આ રાજ્યોમાં યુનિક કાર્ડ બનવાનું શરૂ થઇ ચૂક્યું છે. હવે આ યોજના દેશભરમાં લૉન્ચ કરાશે.

તમે OTP શૅર કરશો એ પછી જ ડૉક્ટર તમારા કાર્ડની તમામ વિગતો જોઈ શકશે-આર. એસ. શર્મા, મુખ્ય કાર્યકારી અધિકારી, નેશનલ હેલ્થ ઓથોરિટી

  • હેલ્થ કાર્ડ કેવી રીતે બનશે?

યોજના જાહેર થતાં જ ગૂગલ પ્લેસ્ટોર પર એનડીએચએમ હેલ્થ રેકોર્ડ (પીએચઆર ઍપ) ઉપલબ્ધ થશે. એના દ્વારા રજિસ્ટ્રેશન થશે. યુનિક આઇડી 14 ડિજિટનો હશે.

  • જેમની પાસે સ્માર્ટફોન ન હોય તેઓ હેલ્થ કાર્ડ ક્યાં, કેવી રીતે બનાવડાવી શકશે?

રજિસ્ટર્ડ સરકારી-ખાનગી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, વેલનેસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર વગેરે સ્થળે કાર્ડ બનશે. ત્યાં નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર જેવી સામાન્ય વિગતો પુછાશે.
યુનિક હેલ્થ કાર્ડનો ફાયદો શું?
કાર્ડમાં તમારા આરોગ્ય અંગેની તમામ માહિતી ડિજિટલ ફોર્મેટમાં નોંધાતી રહેશે. આખી મેડિકલ હિસ્ટ્રી અપડેટ હશે. તમે કોઇ હોસ્પિટલમાં સારવાર માટે જશો તો તમને જૂના તમામ રેકોર્ડ ત્યાં જ ડિજિટલ ફોર્મેટમાં મળી જશે. તમે કોઇ બીજા શહેરની હોસ્પિટલમાં જશો તો ત્યાં પણ યુનિક કાર્ડ દ્વારા ડેટા જોઇ શકાશે, જેથી ડૉક્ટર્સને સારવારમાં સરળતા રહેશે, સાથે જ નવા રિપોર્ટ્સ કે પ્રાથમિક તપાસ વગેરેમાં ખર્ચાતો સમય-નાણાં બચી જશે.

  • કાર્ડમાં વિગતો કેવી રીતે નોંધાશે?

કાર્ડ બન્યા બાદ પાછલા તમામ રિપોર્ટ્સ તમારે જાતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે, પણ ભવિષ્યના તમામ રિપોર્ટ્સ ઓટોમેટિકલી અપલોડ થતા રહેશે. દા.ત. કોઇ ડિસ્પેન્સરી કે હોસ્પિટલમાં તમારી તપાસ વગેરે થશે તો તેના રિપોર્ટ્સ તમારા યુનિક આઇડી કાર્ડમાં નોંધાયેલા 14 ડિજિટના યુનિક નંબર દ્વારા કાર્ડ સાથે લિન્ક થઇ જશે. હોસ્પિટલમાં NDHM કર્મી તમારી મદદ માટે હાજર હશે.

  • કાર્ડમાં કઇ-કઇ વિગતો હશે?

તમારા મેડિકલ રેકોર્ડ અંગેની દરેક માહિતી એમાં નોંધાયેલી હશે. ત્યાં સુધી કે ગઇ વખતે કઇ દવાની તમારા પર શી અસર થઇ અને શું નહીં, દવા બદલાઇ તો કેમ બદલાઇ? એનાથી ડૉક્ટરને સારવાર દરમિયાન કેસ સમજવામાં ઘણી સરળતા રહેશે.

  • બીજા શહેરમાં ડેટા કેવી રીતે મળશે?

ડેટા હોસ્પિટલમાં નહીં, પણ ડેટા સેન્ટરમાં હશે, જેને કાર્ડ દ્વારા જોઇ શકાશે. એમ જ માની લો કે તમે ક્યાંય સારવાર માટે જશો તો આ કાર્ડ તમારા માટે આધાર કાર્ડની જેમ મહત્ત્વનું હશે.

  • હેલ્થ ડેટા કોઈપણ જોઈ શકશે?

ના. કાર્ડમાંનો ડેટા ત્યારે જ જોઇ શકાશે કે જ્યારે તમે તેનો ઓટીપી શૅર કરશો અને ઓટીપી ત્યારે જ જનરેટ થશે કે જ્યારે કાર્ડનો 14 ડિજિટનો નંબર રજિસ્ટર્ડ હોસ્પિ.માં કે કમ્પ્યુટરમાં નોંધાશે. એ પછી ઓટીપી અપાતાં સ્ક્રીન પર ડેટા દેખાશે, પણ એને કોપી કે ટ્રાન્સફર નહીં કરી શકાય. પછી બીજા દર્દીનો ડેટા શોધવામાં આવે ત્યારે પહેલા દર્દીનો ડેટા લૉક થઇ જશે, જેને ફરી જોવા માટે ફરી ઓટીપી આપવો પડશે.

  • તો શું ડેટા ટ્રાન્સફર નહીં થઈ શકે?

થઈ શકશે, પણ તમે મંજૂરી આપો ત્યારે જ. કોઇ તમારો ડેટા ટ્રાન્સફર કરવા કે જોવા માગે તો તમારી પાસે ઓટીપી માગશે. તમે મંજૂરી નહીં આપો તો ડેટા નહીં દેખાય.

  • હેલ્થ કાર્ડ બનાવડાવવું ફરજિયાત હશે?

ફરજિયાત નહીં હોય. તમારે કાર્ડ બનાવડાવવું છે કે નહીં એ તમારી ઇચ્છા પર નિર્ભર હશે.