• Gujarati News
  • National
  • Union Minister Giriraj And Deputy Chief Minister Said Cancel The Match, Rajiv Shukla Said This Is Not Possible

કાશ્મીરમાં બિહારી લોકોના મોતથી ભારત-પાક મેચનો વિરોધ:કેન્દ્રીય મંત્રી ગિરિરાજ અને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- મેચ રદ કરો, રાજીવ શુક્લાએ કહ્યું- આ શક્ય નથી

પટના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં 4 બિહારી લોકોને મારી નાંખવામાં આવ્યા છે

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં બિહારી લોકોના મોત મુદ્દે રાજકારણ ગરમાયું છે. તેના વિરોધમાં ભારત-પાકિસ્તાન મેચને રદ્દ કરવાની પણ માગ થઈ છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે સવારે મેચ અંગે પ્રશ્ન સર્જ્યાં તો બપોર સુધીમાં બિહારના ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદે પણ મેચ રદ્દ કરાવની માગ કરી હતી. સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન હોવા જોઈએ. મેચ પણ યોજાવી જોઈએ નહીં. મારું માનવું છે કે જો બન્ને દેશ વચ્ચે સંબંધ સારા નથી તો મેચ અંગે પણ પુનઃવિચારણા કરવી જોઈએ.

બીજી બાજુ તારકિશોર પ્રસાદે જણાવ્યું કે મને લાગે છે કે એવી બાબતો (ICC T20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાનની મેચ)ને અટકાવવી જોઈએ, જેથી પાકિસ્તાનને સંદેશ મળે કે તે આતંકવાદનું સમર્થન કરતું રહેશે તો ભારત કોઈ પણ પ્રકારના મુદ્દે તેની સાથે ઉભુ રહેશે નહીં.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું- આ શક્ય નથી
મેચ રદ્દ કરવાની માગ અંગે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે હવે તેને રદ્દ કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું- કાશ્મીરમાં જે હત્યા થઈ રહી છે, તે દુખદ છે, અમે તેની આકરી ટીકા કરી રહ્યા છીએ. જ્યાં સુધી ભારત-પાકિસ્તાન મેચનો પ્રશ્ન છે તો તે ICCની આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ થઈ રહ્યું છે, તેમા આપણે કોઈ પણ દેશ સાથે રમવાનો ઈન્કાર કરી શકતા નથી. ICCએ ટુર્નામેન્ટ રમવી પડે છે.

અરવિંદના પિતાએ પણ મેચ રદ્દ કરવાની માગ કરી હતી
શનિવારે શ્રીનગરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં બાંકાના અરવિંદ કુમાર સાહનું મોત થયું હતું. ત્યારબાદ તેમના પિતા દેવેન્દ્ર સાહે રવિવારે સરકારને કહ્યું હતું કે જે આપણા બાળકોને મારી રહ્યા છે તેમની સાથે કોઈ જ પ્રકારના સંબંધ રાખવા જોઈએ નહીં. બન્ને દેશ વચ્ચે મેચ રમાવી જોઈએ નહીં. દુશ્મન સાથે પોતાનું વલણ કડક હોવું જોઈએ. જ્યારે બિહાર સરકારના મંત્રી નીરજ કુમાર બબલુએ પણ પાકિસ્તાન અંગે પ્રશ્ન સર્જતા કહ્યું કે આ દેશ સાથે કોઈ સંબંધ રાખવા ઈચ્છતું નથી. ક્રિકેટ મેચને લઈ પુનઃવિચારણા કરવાની જરૂર છે.​​​​​​​

મેચ અંગે ભડક્યો આક્રોશ
ભારત-પાકિસ્તાનની ટીમ T-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ અગાઉ બિહારમાં ભારે વિવાદ થયો છે. ટીમમાં બિહારના યુવા ખેલાડી ઈશાન કિશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણથી સુરક્ષા મુદ્દે બિહારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત થઈ રહેલા આતંકવાદી હુમલામાં બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી બિહારમાં આક્રોશ વધી રહ્યો છે.

10 દિવસમાં 4 બિહારી લોકોને મારી નાંખવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવી જોઈએ નહીં. બિહારના શ્રમિકોને ઘરમાં ઘૂસીને ગોળીઓ મારવી અને બિહારના લોકોને ઘાટી છોડી દેવાની ચેતવણી આપવામાં આવતા બિહારમાં આક્રોશ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...